દેશમાં ઓનલાઇન શોપિંગનો ટ્રેન્ડ બહુ ઝડપથી વધી રહ્યો છે. તાજેતરમાં જ
આવેલા ફ્લિપકાર્ટનાં સેલે તો પારંપરિક રિટેલર્સની ઉંઘ ઉડાડી દીધી છે.
ઓનલાઇન શોપિંગ ભલે ગ્રાહકો માટે ફાયદાનો સોદો હોય, પણ પારંપરિક બજારો પર
તેની નકારાત્મક અસર પડી રહી છે. એવામાં સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે
ઓનલાઇન રિટેઇલ કંપનીઓ આટલું મોટું ડિસ્કાઉન્ટ આપે છે કેવી રીતે?
એક તરફ ફ્લિપકાર્ટ, સ્નેપડીલ અને એમેઝોન જેવી ઇ-કોમર્સ કંપનીઓ હેવી
ડિસ્કાઉન્ટ આપી રહી છે, તો બીજી બાજુ પારંપરિક વિક્રેતાઓ કહી રહ્યા છે કે આ
એક ગેરવાજબી હરીફાઇ છે. હાલની સ્થિતિએ દેશનાં સૌથી મોટા લિસ્ટેડ રિટેઇલર
ફ્યુચર ગ્રુપને પણ હચમચાવી દીધું છે. ગ્રુપનાં સ્થાપક કિશોર બિયાનીએ સવાલ
ઉઠાવ્યો છે કે ઓનલાઇન રિટેઇલરો મેન્યુફેકચરિંગ કિંમતથી ઓછા ભાવે સામાન કેવી
રીતે વેચી શકે છે? તેમણે કહ્યું હતું કે આ બજારની હરીફાઇનો ખાત્મો કરવા
માટેની વ્યુહરચના છે. આ વાત સાચી પણ છે કેમ કે બ્રિટનમાં 2011માં ઓનલાઇન
શોપિંગના ટ્રેન્ડ વચ્ચે ફક્ત સાત મહિનામાં 4000થી વધુ મેગા સ્ટોર્સ બંધ થઇ
ગયા હતા.
ડિસ્કાઉન્ટનો જાદૂ
ફ્લિપકાર્ટનાં સેલમાં 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ હતું. એક મીડિયા
અહેવાલ અનુસાર આ સેલમાં ફ્લિપકાર્ટે ઘણી પ્રોડક્ટો પર એટલું ડિસ્કાઉન્ટ
આપ્યું જેટલું ખુદ મેન્યુફેકચરિંગ કંપનીઓએ નહતું આપ્યું. જેમ કે પેપર
ક્લોઝેટ બ્રાન્ડે પોતાનાં કપડા પરનાં સેલ દરમિયાન 50 ટકા ડિસ્કાઉન્ટ
આપ્યું, પણ કિચન અને અન્ય યુટિલિટી આઇટમ્સ પર ફ્લિપકાર્ટે 20થી 40 ટકા
સુધીનું ડિસ્કાઉન્ટ આપ્યું,જેનો ભાર તેણે પોતે ઉઠાવ્યો. એક સેલરનું કહેવું
છે કે તેણે પોતાની પ્રોડક્ટ બજારની કિંમતે જ વેબસાઇટ પર લિસ્ટ કરાવી હતી,
પણ તેને ફ્લિપકાર્ટે તેનાથી પણ ઓછી કિંમતે વેચીને બાકીની રકમ પોતાનાં
ખિસ્સામાંથી ભરી દીધી, જેથી વધુ ગ્રાહકો મેળવી શકાય.
કેવી રીતે આપે છે ઓનલાઇન સ્ટોર મોટું ડિસ્કાઉન્ટ
એક વ્યુહરચના એવું કહે છે કે બજાર કિંમત કરતા ઓછા ભાવે વેચાયેલી કોઇ
વસ્તુ ગ્રાહકને એકંદરે વધુ ખરીદવા પ્રેરે છે. આ જ વ્યુહરચનાનો ઉપયોગ કરીને
ઓનલાઇન સ્ટોર્સનાં માલિકો ગ્રાહક દીઠ વધુ વેચાણ કરીને દરેક ગ્રાહક દીઠ વધુ
આવક મેળવે છે. ભલે આ રીતે નફો ન મળે કે બિલકુલ ઓછો મળે, પણ આ વ્યુહરચના વડે
નવા ગ્રાહકો મેળવી શકાય છે અને ભાવિ માર્કેટિંગ યોજનાઓનો રસ્તો ખુલે છે.
નવા ગ્રાહકો મેળવવાનો લાભ વસ્તુનાં સોદાનાં મૂલ્ય કરતા વધારે હોય છે.
ઓનલાઇન ટ્રેડર્સની મુખ્ય વ્યુહરચના હોય છે કે એવી પ્રોડક્ટ પસંદ કરો
જેની ખરીદ કિંમત ઓછી હોય,જેથી નુકસાન ઓછું થાય. આ રીટે ટ્રેડિંગ કરવાથી એક
વસ્તુનાં વેચાણ પર થયેલું નુકસાન બીજી વસ્તુની વેચાણ કિંમત કવર કરાવી આપે
છે.
એક વાર ટ્રેડરને તેનાં માર્જિન અને પછી વેચાણ કિંમત ખબર પડી જાય પછી
તે ગ્રાહકોને વધુ ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. ભલે કોઇ સ્ટોર
લાંબા સમય સુધી અત્યંત નીચી કિંમતે વેચાણ ન કરી શકે, પણ તે મર્યાદિત સમય
માટે તો એકદમ નીચી કિંમત ગ્રાહકોને ઓફર કરી જ શકે છે. દાખલા તરીકે
ફ્લિપકાર્ટનો સેલ.
ઓનલાઇન સ્ટોર્સ પર એક વસ્તુની સાથે અન્ય વસ્તુ ફ્રી આપવાની સ્કીમ પણ
એટલી જ અગત્યની હોય છે. જો ટ્રેડર પાસે કોઇ વસ્તુ મોટા પ્રમાણમાં પડી હોય
તો તેને એક પર એક ફ્રી ઓફર કરી શકાય છે. કે પછી એકની ખરીદી પર બીજા પર 50
ટકાનું ડિસ્કાઉન્ટ. ગ્રાહક અહીં 50 ટકાનું ડિસ્કાઉન્ટ જુએ છે, પણ વાસ્તવમાં
તેને 25 ટકાનું ડિસ્કાઉન્ટ જ મળે છે.
આ ઉપરાંત સૌથી અગત્યની વાત એ છે કે કોઇ પણ ઓનલાઇન રિટેઇલર પોતાનાં
પોર્ટલ પરથી થતી ખરીદીની પેટર્નનું વિશ્લેષણ કરાવે છે,જેના પરથી તે જાણી
શકે છે કે કઇ પ્રોડક્ટ દીઠ વધુ ગ્રાહકો મળે છે, કઇ પ્રોડક્ટ ડિસ્કાઉન્ટ
આપવા છતા નથી વેચાતી વગેરે વગેરે....
ઓનલાઇન ખરીદીમાં 350 ટકાનો વધારો
એસોચેમનાં એક તાજેતરનાં અહેવાલ અનુસાર આ ફેસ્ટિવ સીઝનમાં જ ઓનલાઇન
શોપિંગ 350ટકા વધીને 10,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ છે. ગયા વર્ષે આ
વૃદ્ધિ 200 ટકા હતી. 2013માં ધીમી આર્થિક વૃદ્ધિ અને વધતી મોંઘવારી વચ્ચે
પણ ઓનલાઇન શોપિંગ દેશમાં 88 ટકાનાં દરે વધી હતી. દેશમાં 2009માં ઇ-કોમર્સ
માર્કેટ 2.5 અબજ ડોલરનું હતું, જે 2012માં વધીને 8.5 અબજ ડોલર અને 2013માં
16 અબજ ડોલર સુધી પહોંચ્યુ હતું. આ વર્ષે તેમાં હજું વધારો થઇ રહ્ય છે.
પારંપરિક રિટેઇલરો ઉપરાંત રાજ્ય સરકારોને પણ નુકસાન
ઇ-કોમર્સમાં તેજીથી જેમ પારંપરિક રિટેઇલરોને નુકસાન થઇ રહ્યું છે તેવી
જ રીતે રાજ્ય સરકારોને પણ નુકસાન થાય છે. આવી કંપનીઓ પોતાનાં વેરહાઉસ એવા
રાજ્યોમાં જ બનાવે છે,જ્યાં વેટ ઓછો છે. એવા ઘણા રાજ્યો છે જ્યાં કંપનીનાં
વેરહાઉસ નથી, છતાં ત્યાંના લોકો ઓનલાઇન શોપિંગ કરે છે.
ગ્રાહકોને પણ નુકસાન
ઓનલાઇન શોપિંગ અંગે ગ્રાહકો પોતે પણ સંપૂર્ણપણે અવગત નથી. તેમને પણ
ખબર નથી કે પ્રોડક્ટ ઓનલાઇન બજારમાં આટલી સસ્તી કેમ વેચાઇ રહી છે. ઘણી વાર
ઓનલાઇન ખરીદાયેલા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો અને ગેઝેટ્સ પર કંપનીનાં સર્વિસ
સેન્ટર વોરન્ટી આપવાનો ઇન્કાર કરી દે છે. મોબાઇલમાં ખાસ કરીને આ સમસ્યા
રહેતી હોય છે.
અવસરની સાથે જોખમ પણ
ઓનલાઇન શોપિંગ એક તક પણ છે અને જોખમ પણ.ગ્રાહકો માટે તો આ એક બોનાન્ઝા
જ છે. તેમને સારી ઓફર્સ અને ઘણા વિકલ્પો મળી રહે છે, પણ તેનાથી પારંપરિક
રિટેઇલરોને મોટી સમસ્યા થઇ રહી છે. તેમનાં ગ્રાહકો ઓછા થવાનાં શરૂ થઇ ગયા
છે. એવામાં દુકાનદારો સામે પડકાર એ છે કે તેઓ આવા સમયમાં પોતાને કેવી રીતે
ઉભા રાખશે. પારંપરિક રિટેઇલર્સે પોતાને પણ ઇન્ટરનેટ સાથે જોડવા પડશે. તેમણે
પણ ઓનલાઇન શોપિંગની જેમ ડિલીવરી સિસ્ટમ અપનાવી મજબૂત બનવા અંગે વિચારવું
પડશે.
લીગલ સ્ટ્રક્ચર
તાજેતરમાં જ ઓનલાઇન સ્ટોર્સ દ્વારા ભારેભરખમ ડિસ્કાઉન્ટ આપવામાં આવતા
પ્રોડક્ટ બનાવતી કંપનીઓએ સ્વીકાર્યું છે કે તે પોતે પણ પોતાની પ્રોડક્ટો પર
આટલું ડિસ્કાઉન્ટ નથી આપી શકતી. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ઘણી
ઓનલાઇન કંપનીઓ ચીનમાંથી વસ્તુઓ આયાત કરીને વેચી રહી છે. આવી સ્થિતિમાં એ
જરૂરી છે કે સરકાર ઓનલાઇન શોપિંગ માટે એક કાયદાકીય માળખું તૈયાર કરે. તેમાં
એ જોવામાં આવે કે કઇ ઓનલાઇન કંપની ક્યાંથી ખરીદી કરી રહી છે, તે પૂરો
ટેક્સ ભરે છે કે નહીં, ગ્રાહકો પ્રત્યે જવાબદાર છે કે નહીં, વગેરે વગેરે.
No comments:
Post a Comment