મૅન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં શરૂ થયેલી ચોથી ટેસ્ટ-મૅચના પહેલા દિવસે ટીમ ઇન્ડિયાએ એક યાદ કરવો ન ગમે એવો રેકૉર્ડ કર્યો છે. એના છ બૅટ્સમેનો શૂન્ય રને આઉટ થયા હતા. કોઈ ઇન્ટરનૅશનલ ટીમના બૅટ્સમેનો ટેસ્ટ-મૅચની એક ઇનિંગ્સમાં આટલા ઓછા રને આઉટ થયા હોય એવી સાઉથ આફ્રિકા તથા બંગલા દેશની ટીમની પંગતમાં બેસી ગયા છે. ગઈ કાલે ભારતના મુરલી વિજય, વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા, રવીન્દ્ર જાડેજા, ભુવનેશ્વરકુમાર તથા પંકજ સિંહ ખાતું ખોલાવ્યા વગર જ પૅવિલિયનમાં પાછા ફર્યા હતા. ગૌતમ ગંભીરે ૪ રન તો વરુણ ઍરોને અણનમ એક રન કર્યો હતો. આમ તેઓ બે આંકડા સુધી પણ નહોતા પહોંચી શક્યા.
૧૯૫૨માં ભારતના પાંચ ખેલાડીઓ ઇંગ્લૅન્ડના હેડિંગ્લીમાં રમાયેલી મૅચમાં શૂન્ય રને આઉટ થયા હતા. એ મૅચ ઇંગ્લૅન્ડ ચાર દિવસમાં જ જીતી ગયું હતું. પંકજ રૉય, દત્તાજી રાવ ગાયકવાડ, માધવ મંત્રી, વિજય માંજરેકર તથા ગુલાબ રામચંદ સેકન્ડ ઇનિંગ્સમાં ઝીરો રને આઉટ થયા હતા.
ટીમ ઇન્ડિયાને ૧૫૨ રને ઑલઆઉટ કર્યા બાદ બૅટિંગ કરવા ઊતરેલી ઇંગ્લૅન્ડની ટીમે ૩ વિકેટના ભોગે ૩૫ ઓવરમાં ૧૧૩ રન કર્યા હતા. એ ટીમ ઇન્ડિયા કરતાં ૩૭ રન પાછળ છે તથા એની ૭ વિકેટ પડવાની હજી બાકી છે. મૅચનો સમય પૂરો થયો ત્યારે ઇયાન બેલ ૪૫ રને તથા ક્રિસ જૉર્ડન ૦ રને ક્રીઝ પર છે. ભુવનેશ્વરકુમારે રૉબસનને ૬ રને આઉટ કર્યો હતો તો વરુણ ઍરોને કૅપ્ટન કુકને ૧૭ તથા ગૅરી બૅલૅન્સને ૩૭ રન પર આઉટ કર્યા હતા.
ગઈ કાલે લંચ-બ્રેક પહેલાં ટીમ ઇન્ડિયા ૧૫૨ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. જેમ્સ ઍન્ડરસન તથા સ્ટુઅર્ટ બ્રૉડની ધારદાર બોલિંગ સામે કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને બાદ કરતાં તમામ ખેલાડીઓ ઘૂંટણિયે પડી ગયા હતા. રવિચંદ્રન અશ્વિને ૪૦ તો અજિંક્ય રહાણેએ ૨૪ રન બનાવ્યા હતા. ભારતના ટૉપના ચાર બૅટ્સમેનો કુલ ૮ રનના સ્કોર પર જ આઉટ થઈ ગયા હતા. ઇંગ્લૅન્ડના સ્ટુઅર્ટ બ્રૉડે ૧૩.૪ ઓવરમાં ૨૫ રન આપીને છ વિકેટ તો જેમ્સ ઍન્ડરસને ૪૬ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. એક વિકેટ ક્રિસ જૉર્ડને લીધી હતી.
ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવા આવેલી ભારતની શરૂઆત ઘણી જ ખરાબ રહી હતી. ગૌતમ ગંભીર ૪ રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ જેમ્સ ઍન્ડરસનની ઓવરમાં મુરલી વિજય તથા વિરાટ કોહલી ઝીરો પર આઉટ થયા. ત્યાર પછીની ઓવરમાં ચેતેશ્વર પુજારા પણ શૂન્ય રને આઉટ થયો હતો. અજિંક્ય રહાણેએ ૨૪ રન બનાવ્યા હતા. જેમ્સ ઍન્ડરસને રવીન્દ્ર જાડેજાને પણ શૂન્ય રને આઉટ કર્યો હતો. ભારતની સાતમી વિકેટ રવિચંદ્રન અશ્વિનના રૂપમાં પડી જે ૪૦ રન બનાવીને આઉટ થયો. જોકે તેણે તથા કૅપ્ટન ધોનીએ ૬૬ રનની પાર્ટનરશિપ કરી હતી. સ્ટુઅર્ટ બ્રૉડે ભુવનેશ્વરકુમારને શૂન્ય રને આઉટ કર્યો હતો. તેણે જ કૅપ્ટન ધોનીને ૭૧ રને આઉટ કર્યો હતો. પંકજ સિંહ પણ ઝીરો રને બ્રૉડના બૉલમાં જ આઉટ થયો હતો.
No comments:
Post a Comment