Translate

Monday, August 25, 2014

શું શૅરબજારની બુલિશ ટ્રેન આ જ ગતિએ ચાલતી રહેશે?

સવાલો ને શંકા થતાં રહેવાનાં છે. તમારી મુસાફરી લાંબી હોય તો ચિંતાને બદલે ચિંતન કરવામાં સાર
bull
શૅરબજારની સાદી વાત-જયેશ ચિતલિયા

શૅરબજારનો સેન્સેક્સ ૨૬,૦૦૦ પર પહોંચી ગયો, નિફટી ઇન્ડેક્સ ૮૦૦૦ આસપાસ પહોંચી ગયો. વડા પ્રધાને કરેલી વાતો, દર્શાવેલી આશાઓ, લીધેલા નિર્ણયો અને લોકમાનસમાં પણ જાગી રહેલી તેમ જ વધી રહેલી ઉમ્મીદોને લીધે બજાર તેજીમાં જણાય છે. વીતેલા સપ્તાહમાં બજાર સતત ધીમી ગતિએ પણ વધતું રહ્યું હતું. ગયા વખતે આપણે બુલિશ ટ્રેનમાં ચડી જવાનો સમય હજી પણ છે એની કારણો સહિત ચર્ચા કરી હતી. હવે આપણે આ બુલિશ ટ્રેન સામે કયાં અને કેવાં સ્પીડ-બ્રેકર છે, કેવાં જોખમો અને કેવા નાના-મોટા બ્લૉક છે એની પણ વાત કરીએ. મોદી સરકારના નામે બજારનો ઇન્ડેક્સ આશરે ૨૫ ટકા આસપાસ વધી ગયો છે, પરંતુ શું આ ગતિથી જ બજાર આગળ ચાલતું રહેશે એવો સવાલ ચર્ચાનો વિષય બની રહ્યો છે, જેમાંથી પાછા નવા સવાલો અને શંકા સર્જા‍યા કરે છે. જોકે લૉન્ગ ટર્મના રોકાણકારોએ વિશેષ ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. એમ છતાં બહુબધા આશાવાદ વચ્ચે થોડો-થોડો નિરાશાવાદ પણ સમજી લેવો સારો, જેથી આપણા નિર્ણયોમાં સમતુલા જાળવી શકાય.

ફન્ડામેન્ટલ્સનો વારો હવે આવશે


સૌપ્રથમ એ યાદ રાખવું જરૂરી છે કે વર્તમાન તેજી એ મહદંશે આશાવાદ પર ઊભી થઈ છે. અર્થતંત્રમાં કોઈ હજી ક્રાન્તિકારી સુધારા થઈ ગયા નથી, બલ્કે આર્થિક સુધારાનાં પગલાં શરૂ થવાથી ઇકૉનૉમી સુધરવાની આશા જાગી. રાજકીય સ્થિરતા અને મક્કમતા આવવાથી ગ્લોબલ રોકાણકારો સહિત સ્થાનિક રોકાણકારોમાં નવો વિશ્વાસ આવ્યો. વળી છેલ્લાં અમુક વરસથી બજાર ઠંડુંગાર હતું. પૉલિસીઓ મંદ હતી, ઉત્સાહ ઠંડો હતો, આશાઓ આરામમાં હતી. જ્યારે નવી સરકારથી નવી ચેતના આવી ગઈ અને બજાર પણ ચેતનવંતું બની ગયું. જોકે આને સેન્ટિમેન્ટ્સ અને મૂડ કહી શકાય, આને ફન્ડામેન્ટલ્સ કહી શકાય નહીં. અલબત્ત, આ સમયમાં માત્ર બે મહિનામાં ત્રણેક લાખ નવા રોકાણકારોએ નવાં ડીમૅટ અકાઉન્ટ ખોલાવ્યાં છે જે આવી રહેલા રોકાણકારોના પ્રવાહની સાક્ષી પૂરે છે.

અર્થતંત્રની નબળાઈઓ હજી અકબંધ

બીજી વાત એ નોંધવી જોઈએ કે દેશમાં હજી મોંઘવારી હળવી થઈ નથી. એના દર ભલે નીચે આવ્યા હોય, એ હજી માથા પર બેઠી છે. સીધા વિદેશી રોકાણને લાવવા સરકાર સક્રિય બની છે ખરી, પરંતુ આ રોકાણ આવતાં સમય લાગશે. આર્થિક સુધારાને વેગ મળી રહ્યો છે, પરંતુ એના અમલીકરણને વેગ મળતાં અને એનાં પરિણામો બહાર આવતાં સમય લાગશે. ટ્રેડ ડેફિસિટ અને કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ ઓછી થઈ રહી છે છતાં એ ચિંતા કરવી પડે એવા સ્તરે છે. ક્રૂડના ભાવ પણ ચિંતા કરાવી શકે છે. એનો ભરોસો કરી શકાય એવું વાતાવરણ હજી બન્યું નથી. ઔદ્યોગિક ઉત્પાદનને વેગ મળે એવા પ્રયાસો હજી જસ્ટ શરૂ થયા છે, એને ગતિ મળતાં પણ સમય લાગશે. ચોમાસું હજી એ સ્થિતિમાં છે કે શાકભાજીના ભાવ પણ લોકોને અધ્ધર રાખે છે. ક્યારેક કાંદા તો ક્યારેક ટમેટાં સતાવે છે. આ બધા વચ્ચે ગ્રોથ-રેટ ઊંચે જતાં સમય લાગે એ સહજ છે. ઇન શૉર્ટ, દિલ્હી હજી દૂર છે.

ગ્લોબલ પરિબળોની અનિશ્ચિતતા

ત્રીજી વાત છે ગ્લોબલ - જિયો-પૉલિટિકલ સંજોગોની. આ મોરચે એક યા બીજાં કારણો કે પ્રસંગો બનતાં જાય છે જે ભારતીય માર્કેટમાં આવતા રોકાણપ્રવાહને ડિસ્ટર્બ કરે છે. ભારતના ઑઇલ-બિલની ચિંતા વધારે છે, બિઝનેસને અસર કરે છે. ભારતીય શૅરબજાર મહદંશે વિદેશી સંસ્થાકીય રોકાણકારોના પ્રવાહ પર વધુ નર્ભિર રહે છે, તેથી અમેરિકાથી લઈ યુરોપ કે અન્ય દેશોમાંથી નક્કર પ્રવાહ કે એનું સાતત્ય જળવાતું નથી. કરન્સીના રેટની અનિશ્ચિતતા તેમ જ આ ગ્લોબલ પરિબળોની અનિશ્ચિતતા સતત માથે લટકતી તલવાર જેવી રહ્યા કરે છે.

તેજીનો તાલ ધીમો પડશે, પણ...

અલબત્ત, આ તમામ વાતો અને વિચારો વચ્ચે ખાસ યાદ રાખવાની બાબત એ છે કે હવે બજારમાં પ્રવેશો ત્યારે તમામ ખરીદી લાંબા ગાળા માટે થવી જોઈએ, ટૂંકા ગાળામાં જોખમ ઊંચું રહી શકે છે. બજાર ૩૦ હજાર તરફ ગતિ કરશે તો પણ સમય તો લેશે જ. આ ત્રણ મહિનામાં એણે જે સ્પીડ સાથે વૃદ્ધિ બતાવી છે એ તો આશા અને સેન્ટિમેન્ટ્સને આધારે છે. પ્રવાહિતા અને ફન્ડામેન્ટલ્સ સુધરવાનો સમય હજી હવે આવશે. બજાર સારાં કે નરસાં કોઈ પણ કારણોને પહેલેથી ડિસ્કાઉન્ટ કરી નાખતું હોય છે. વાસ્તવિકતા પછીથી જ બનતી હોય છે. એટલે હવે પછીની માર્કેટ વધવાની ગતિ ધીમી રહે તો નવાઈ નહીં. તેજીનો તાલ ધીમો પડી શકે પણ તેજીનો ટ્રેન્ડ ચાલુ રહેશે એવી આશા રાખવામાં કંઈ ખોટું નથી. મોટી તેજી આવતાં પહેલાં નાની તેજીમાં એન્ટર થઈ જવામાં શાણપણ રહેશે.

ચિંતા નહીં, ચિંતનના મુદ્દાઓ વિચારો


ઉપરની વાતો કે મુદાઓ પરથી જો તમને ચિંતા થવા લાગી હોય તો એ ચિંતાને ચિંતનમાં ફેરવી શકો છો. અર્થાત્ સરળ અને સ્પક્ટ શબ્દોમાં કહીએ તો વધુપડતા આશાવાદના આધારે કે તેજીના પ્રવાહમાં અમસ્તા જ કે ગામને જોઈને તણાઈ જવા કરતાં આ મુદ્દાઓની વિચારણા કરીને આગળ વધો એ બહેતર છે. આનો બીજો અર્થ એ કરાય કે તેજીની ટ્રેન સામે સ્પીડ-બ્રેકર કે બ્લૉક આવ્યા કરશે એટલે એને જોઈ પૅનિકમાં આવવાને બદલે ઘટતા બજારમાં ધીમે-ધીમે ખરીદી કરતા જવાય. અત્યારે જે સ્થિતિ છે એ આ સમય પહેલાં પણ હતી જ. મોંઘવારી, ડેફિસિટ ત્યારે પણ ઊંચી જ હતી. પૉલિસી પૅરૅલિસિસ વધુ હતું. ગ્લોબલ અનિશ્ચિતતા પણ સતત માથે જ રહેતી હતી. આ બધા વચ્ચે સરકાર નિષ્ક્રિય હતી. નિર્ણયો લેવાતા નહોતા. એટલે કે અત્યાર કરતાં સંજોગો વધુ વિપરીત હતા. કમસે કમ નવી સરકાર બાદ આ સંજોગો સુધર્યા છે એટલે ચિંતા વધવી જોઈએ નહીં બલ્કે ઘટવી જોઈએ. પરંતુ આ ચિંતાને ચિંતનની જેમ સાથે રાખીને આપણે નિર્ણયોને વધુ પરિપક્વ, વધુ સમતોલ બનાવી શકીએ. બજારમાં સમયાંતરે ઊભા કરાતા ભ્રમ કે આકર્ષણોમાં તણાઈ ન જવા માટે આટલી સાદી સમજ રાખવી જરૂરી છે

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports