Translate

Wednesday, April 6, 2011

રોકાણકારો સાવધાન : પેની શેરોમાં સટોડિયા ફરી સક્રિય

સેન્સેક્સ 21 માર્ચથી અત્યાર સુધીમાં લગભગ 2,000 પોઇન્ટ ઊછળ્યો છે ત્યારે પેની સ્ટોક્સ (ઘણા ઓછા મૂલ્યના શેર) માં ફરી એક વખત નોંધપાત્ર કામકાજ જોવા મળી રહ્યું છે. લાર્જ કેપ શેરોમાં ઉછાળો રોકાણકારો માટે રાહતની વાત છે. જ્યારે પેની શેરોમાં હલચલ સટોડિયા ફરી સક્રિય બન્યા હોવાનું સૂચવે છે.

ઉલ્લેખનીય છે કે , વધુ ખર્ચાળ અથવા ઊંચા મૂલ્યના શેર નહીં ખરીદી શકનારા નાના રોકાણકારો પેની શેરોમાં લેવાલી કરતા હોય છે. આ વાતને ધ્યાનમાં રાખીને ઓપરેટર્સ સુધારાની ચાલનો લાભ લઈ નાના રોકાણકારોને પેની શેર પધરાવવાની નીતિ અપનાવે છે.

પેની શેરોમાં મોટા ભાગે સુધારાની ચાલને ફંડામેન્ટલ્સનો ટેકો હોતો નથી અને આ શેરોમાં ઉછાળો રોકાણકારોને ગેરમાર્ગે દોરે છે. એટલે બ્રોકર્સની સલાહ અનુસાર નાના રોકાણકારોએ આવા શેરોથી દૂર રહેવું સલાહભર્યું છે.

ફોર્ચ્યુન ફાઇનાન્શિયલ સર્વિસીસના મેનેજિંગ ડિરેક્ટર નિમિષ શાહે કહ્યું હતું કે , લાર્જ કેપ શેરો મોંઘા બને છે ત્યારે સટોડિયા બજારના સેન્ટિમેન્ટનો લાભ લેવા પેની શેરોનો ભાવ વધારવાની નીતિ અપનાવે છે.

તેઓ પ્રમાણમાં નીચો ફ્લોટિંગ સ્ટોક ધરાવતી અને આકર્ષણ ધરાવતા ક્ષેત્રની કંપનીઓ પર પસંદગી ઉતારે છે.નાના રોકાણકારો પેની શેરોમાં સુધારાની ચાલથી લલચાય છે અને તેમની મૂડી જોખમમાં મૂકી દે છે.

પેની શેર નિર્ધારિત કરેલા સ્તરે પહોંચતા સટોડિયા તેમાંથી બહાર નીકળવા માંડે છે અને શેરમાં ઝડપથી મોટો ઘટાડો જોવા મળે છે. શેર વારંવાર નીચી સર્કિટને સ્પર્શતો હોવાથી નાના રોકાણકારો માટે પેની શેરમાંથી બહાર નીકળવાનું મુશ્કેલ બને છે.

વૈશ્વિક બજારમાં એક ડોલરથી કે એથી નીચા ભાવના શેરને પેની શેર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ભારતીય બજારમાં ફંડામેન્ટલ્સની રીતે નબળા અને એક આંકડામાં ટ્રેડ થતા શેરને પેની શેર કહેવામાં આવે છે.

સેન્સેક્સ સોમવારે 1.5 ટકા વધીને 19,702 ની સપાટીને સ્પર્શ્યો ત્યારે રૂ. 10 કે એથી ઓછા મૂલ્યના શેર 20 ટકાની ઉપલી સર્કિટને સ્પર્શ્યા હતા. જ્યારે અન્ય ઘણા પેની શેર 10 ટકા કે પાંચ ટકાની ઉપલી સર્કિટને સ્પર્શ્યા હતા.

જેમાંથી મોટા ભાગના શેર નાના કદના અને અજાણી કંપનીઓના હતા. આ શેરોની ટ્રેડિંગ પેટર્ન સૂચવતી હતી કે , ઘણા પેની શેર નીચા વોલ્યુમ સાથે વધ્યા હતા. આ બાબત શેરોમાં રોકાણકારોની વ્યાપક સક્રિયતાનો અભાવ દર્શાવે છે.

મુંબઈની અગ્રણી સિક્યોરિટીઝ અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ કંપનીના રિટેલ બ્રોકિંગ વડાએ કહ્યું હતું કે , કેટલાક શેરમાં છેલ્લા કેટલાક દિવસમાં તીવ્ર ઉછાળો નોંધાયો છે અને આ પ્રકારના શેરની સંખ્યામાં વધારો જોવા મળશે તો તે ચિંતાનો વિષય હશે.

તેમણે કહ્યું હતું કે , કોઇ પણ શેરમાં અસાધારણ વધઘટ પર નજર રાખવા આપણી પાસે સારી સર્વેલન્સ વ્યવસ્થા છે , પરંતુ નિયમનકર્તા અને શેરબજારોએ ગેરરીતિ કરનારને પકડવાની પ્રક્રિયા કાર્યક્ષમ અને ઝડપી બને એ સુનિશ્ચિત કરવું જોઇએ .સેબીએ અગાઉ એવા ઘણા ઓપરેટર્સને પકડ્યા છે જેમણે નાના રોકાણકારોના ભોગે કંપનીના આંતરિક વર્તુળો સાથે મળીને શેરના ભાવ ઉછાળ્યા હતા .

જોકે આ પ્રકારના પગલાથી ગેરરીતિ આચરનારાની સંખ્યામાં ખાસ ઘટાડો થયો નથી અને ' ચતુર ' ઓપરેટર્સે રોકાણકારોને ફસાવવાના નવા વિકલ્પ શોધી કાઢ્યા છે . ગયા મહિને સેબી ઇન્ટરનેટ બ્લોગ્સ , ચેટ ફોરમ્સ , ઇમેઇલ્સ અને સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સનો ઉપયોગ કરીને શેરના ભાવ વધારનારા પર ત્રાટકી હતી .

સેબીએ બ્રોકર્સ સહિત બજાર સાથે સંકળાયેલા મધ્યસ્થીઓને શેરના ભાવને અસર કરતી અફવાઓ અને પાયાવિહોણા અહેવાલોને પ્રસરતા અટકાવવા આંતરિક આચાર સંહિતા અમલી બનાવવાનું જણાવ્યું હતું.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports