રોકાણકારો વધી રહેલા ફુગાવા અને નાણાભંડોળની તંગ પરિસ્થિતિને લીધે વધતા જતા વ્યાજદરોનો લાભ લેવા બેન્કોની ડિપોઝિટ્સના બદલે ફિક્સ્ડ મેચ્યોરિટી પ્લાન્સ (એફએમપી)માં તેમનાં નાણાં રોકવા આતુર છે.
એફએમપી ક્લોઝ-એન્ડેડ ડેટ સ્કીમ્સ છે. આ પરોક્ષ રીતે સંચાલિત અને નીચું પોર્ટફોલિયો ટર્નઓવર ધરાવતાં ફંડો છે , જેના પરિણામે તેમાં સોદાકીય ખર્ચ ઓછો હોય છે અને વળતર વધુ મળે છે. 31 ડિસેમ્બર 2010 ના રોજ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ પાસે એયુએમ (એસેટ અન્ડર મેનેજમેન્ટ) રૂ. 6,51,708 કરોડ હતું , જેમાંથી એફએમપીનો હિસ્સો રૂ. 68,418 કરોડ જેટલો હતો.
એમ્કે ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસિસના હેડ-વેલ્થ મેનેજમેન્ટ એન્ડ સ્ટ્રેટેજી , ઓમ આહુજાએ જણાવ્યું હતું કે , વળતર વધી રહ્યાં છે પરંતુ અત્યારના સ્તરથી તેમાં વધુ વધારો મર્યાદિત જણાય છે. '' આ પ્રોડક્ટ્સમાં રોકાણ કરવા માટે ફેબ્રુઆરી અને માર્ચ આદર્શ મહિના છે , કારણ કે રોકાણકારો થોડા વેરાલાભનો દાવો પણ કરી શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં વ્યાજદરો વધવાના હોય તો રોકાણકારો વધતા વ્યાજદરોના વિવિધ તબક્કે હપતામાં નાણાં રોકી શકે છે. બેન્કની ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણકારના આવકના સ્તર અનુસાર (છેલ્લા સ્લેબમાં 30 ટકા) વેરો વસૂલ થાય છે , જ્યારે 13 માસના એફએમપી માત્ર 20.6 ટકા (ફુગાવાને ગણતરીમાં લીધા પછી , જેને ઇન્ડેક્સેશન કહેવાય છે.) વેરો વસૂલ કરે છે.
એફએમપીના કિસ્સામાં ડબલ ઇન્ડેક્સેશન વેરા પછીના વળતરને વધારે છે. ઉદાહરણ તરીકે , જો કોઈ રોકાણકાર 29 માર્ચ 2011 ના રોજ 370 દિવસની એફએમપીમાં રોકાણ કરે છે તો તેની મુદત 2 એપ્રિલ 2012 ના રોજ પૂરી થશે. જોકે , આવકવેરાના હેતુ માટે નાણાકીય વર્ષ 2010-11 માં રોકાણ થયું છે અને નાણાકીય વર્ષ 2012-13 માં વેચાણ થાય છે.
આમ , રોકાણકારો 2011-12 અને 2012-13 એમ બે વર્ષ માટે ઇન્ડેક્સેશનનો લાભ મેળવે છે અને તે અનુસાર વેરાખર્ચ ઘટે છે. એક વર્ષની મુદતની અને 9-9.5 ટકા વ્યાજ ઓફર કરતી ફિક્સ્ડ ડિપોઝિટ વેરા બાદ આશરે 6.5 ટકા જ આપે છે.
જ્યારે રોકાણકાર જો તેનાં નાણાં 100 ટકા બેન્ક સીડી પોર્ટફોલિયો ધરાવતી 15 માસની એફએમપીમાં રોકે તો તેને બેન્ક ડિપોઝિટ કરતાં ઓછામાં ઓછું 50 બેસિસ પોઇન્ટ (અડધા ટકા) વધુ વળતર મળી શકે છે.
ફંડ મેનેજરોને નિશ્ચિત મુદતના પોર્ટફોલિયો પર વળતરનો નિર્દેશ આપવાની મંજૂરી નથી , તેમ છતાં સામાન્ય મત એવો છે કે વેરા પછીનું વળતર સરળતાથી 8.5-9 ટકાની આસપાસ હશે.
ફિક્સ્ડ મેચ્યોરિટી પ્લાન્સ ડિવિડન્ડ અને ગ્રોથ ઓપ્શન્સમાં ઉપલબ્ધ હોય છે , પરંતુ એક વર્ષથી ઓછી મુદતનાં રોકાણો માટે રોકાણકાર ડિવિડન્ડ ઓપ્શન પસંદ કરે એ વધુ યોગ્ય છે , કારણ કે આવકને ડિવિડન્ડ તરીકે વહેંચી શકાય , જેના પર 13.841 ટકા વેરો વસૂલ થશે .
આમાં નકારાત્મક પાસું એ છે કે તરલતાની સમસ્યા નડી શકે છે . કારણ કે મુદત પહેલાં નાણાં ઉપાડનારને નેટ એસેટ વેલ્યૂ કરતાં નીચા ભાવે વેચાણ કરવું પડે અથવા તેમની મૂડીમાં ખોટ વેઠવી પડે એ શક્ય છે.
No comments:
Post a Comment