Translate

Tuesday, May 26, 2015

કઠોળના ભાવ આસમાને: બે મહિનામાં 40% સુધીનો ઉછાળો

દેશમાં શાકાહારી લોકો માટે પ્રોટિનનો મુખ્ય સ્રોત ગણાતા કઠોળનો ભાવ છેલ્લા બે મહિનામાં 20થી 40 ટકા વધી ગયો છે. તેમાં પણ ખાસ કરીને એપ્રિલના અંતમાં ભારતીય હવામાન વિભાગે ચોમાસુ સરેરાશ કરતાં નબળું રહેવાની આગાહી કર્યા પછી કઠોળના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. આગામી કેટલાક મહિનામાં કઠોળના નવા પાકનું બજારમાં આગમન થાય ત્યાં સુધી સામાન્ય લોકોના ઘરખર્ચમાં કઠોળનો સારો એવો હિસ્સો જશે.

ગ્રાહક મંત્રાલયના આંકડા મુજબ એપ્રિલથી કઠોળના છૂટક ભાવમાં અચાનક વધારો જોવા મળ્યો છે. તેના લીધે દેશની નાણાકીય રાજધાની મુંબઈમાં ઇડલી, ઢોસા, ઉત્તપમ મોંઘાં બની ગયાં છે. બે મહિનાથી પણ ઓછા સમયમાં અડદની દાળનો ભાવ 51 ટકા જેટલો વધી ગયો છે. અડદનો છૂટક ભાવ પહેલી એપ્રિલે પ્રતિ કિલો રૂ.42 હતો જે 20મી મેના રોજ પ્રતિ કિલો રૂ.123 હતો. ચણાને બાદ કરતાં બાકી તમામ કઠોળ દેશનાં મોટા ભાગનાં શહેરોમાં પ્રતિ કિલો રૂ.110થી રૂ.140ના ભાવે વેચાઈ રહ્યાં છે.

અનાજના ઉત્પાદનના આગોતરા અંદાજ મુજબ ખરાબ હવામાનના લીધે ભારતમાં 2014-15માં કઠોળનું ઉત્પાદન 9,71 ટકા ઘટીને 1.74 કરોડ ટન થશે તેમ મનાય છે. રાજ્ય સ્તરે જોવામાં આવે તો દેશમાં કઠોળના ઉત્પાદનમાં મધ્યપ્રદેશ પછી બીજા ક્રમે આવતા મહારાષ્ટ્રમાં 64 ટકા જેટલો નોંધપાત્ર ઘટાડાનો અંદાજ છે. રાજ્ય સરકારના ત્રીજા આગોતરા વર્તારામાં આ અંદાજ મુકાયો છે. વેપારીઓ, પ્રોસેસર્સ અને આયાતકારોએ કઠોળના ઊંચા ભાવ માટે ખરાબ ચોમાસાથી અપૂરતું ઉત્પાદન, ભૂલભરેલી સરકારી નીતિઓ અને સટ્ટાને જવાબદાર ઠેરવ્યો હતો.

ઇન્ડિયન પલ્સીસ એન્ડ ગ્રેઇન્સ એસોસિયેશન (પીઆઇજીએ)ના ઉપપ્રમુખ બિમલ કોઠારીએ કઠોળ અને તેમાં પણ ખાસ કરીને ચણાના ભાવમાં વધારા માટે સરકારી નીતિઓને જવાબદાર ઠેરવી હતી. કોઠારીએ જણાવ્યું હતું કે, "ચણાના ભાવ છેલ્લાં બે વર્ષથી લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)થી નીચે ચાલી રહ્યા છે. તેના લીધે નિરાશ ખેડૂતો ચણા છોડીને બીજા પાક તરફ વળી ગયા છે. સરકારે ખેડૂતોને લઘુતમ ટેકાનો ભાવ મળે તે સુનિશ્ચિત કરવું જોઈએ."

દેશમાં કઠોળના જાણીતા કેન્દ્ર લાતુરના દાળ મિલર નીતિન કાલંત્રીનું પણ માનવું છે કે છેલ્લાં બે વર્ષમાં કઠોળમાં ખેડૂતોનો રસ ઘટ્યો છે. કાલંત્રીએ જણાવ્યું હતું કે, "ખેડૂતો કપાસ અને સોયાબીન તરફ વળ્યા છે, કારણ કે છેલ્લાં કેટલાંક વર્ષોથી તેમને તુવેર અને અડદના સારા ભાવ મળતા નથી."

કોઠારીએ નિર્દેશ કર્યો હતો કે કઠોળના ભાવમાં વધારાનું એક કારણ આ પ્રોટિનસમૃદ્ધ આહારનો દેશમાં વધેલો વપરાશ પણ છે. બે વર્ષ અગાઉ ૩૫ લાખ ટન કઠોળની આયાત કરવામાં આવી હતી, તેની સામે અમે 2014-15માં 50 લાખ ટન કઠોળની આયાત કરી હતી. દેશમાં 2012થી 2014 દરમિયાન કઠોળના સારા ઉત્પાદન છતાં તેની આટલા પ્રમાણમાં આયાત કરવી પડી તે દર્શાવે છે કે સ્થાનિક સ્તરે કઠોળનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે.

સૂત્રોએ જણાવ્યું કે છેલ્લા બે મહિના દરમિયાન કઠોળના ભાવમાં વધારો સટ્ટાકીય કારણોથી થયો છે. એપ્રિલના અંતિમ સપ્તાહમાં હવામાન ખાતાએ ચોમાસુ સરેરાશ કરતાં નબળું રહેવાની આગાહી કર્યા પછી તેના ભાવમાં થયેલો વધારો આ બાબતને સાચી ઠેરવે છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports