Translate

Friday, September 9, 2016

આ પખવાડિયામાં ત્રણ IPO બજારમાં પ્રવેશશે

બેન્ચમાર્ક્સ તેમની સર્વોચ્ચ સપાટી નજીક આગળ વધી રહ્યા છે ત્યારે સપ્ટેમ્બર મહિના દરમિયાન પ્રાઇમરી માર્કેટમાં ત્રણ આઇપીઓ આવી રહ્યા છે. આમાંથી બે આઇપીઓને લઈને ગ્રે-માર્કેટ સક્રિય બની ચૂક્યું છે, જેમાં એલ એન્ડ ટી ટેક સર્વિસિસ અને આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલનો સમાવેશ થાય છે.

અન્ય એક કંપની જીએનએ એક્સેલ લિ પણ બજારમાં નાણાં એકત્ર કરવા આવી રહી છે. જોકે હજુ ગ્રે-માર્કેટમાં તેના સોદા જોવા મળ્યા નથી. આ ત્રણેય કંપનીઓ મળીને લગભગ રૂ.6,000 કરોડનું ભંડોળ મેળવશે. ખાનગી ક્ષેત્રની વીમા કંપની આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ અંદાજે રૂ.4,700 કરોડની નોંધપાત્ર રકમ પ્રાપ્ત કરશે.

ઓગસ્ટ મહિનામાં આરબીએલ બેંકના આઇપીઓમાં શેર મેળવનાર રિટેલ ઇન્વેસ્ટર્સને તગડું રિટર્ન મળ્યું હતું. ગ્રે-માર્કેટમાં ચાલી રહેલા પ્રીમિયમ કરતાં પણ લિસ્ટિંગ લાભ ઘણો ઊંચો હતો અને તેથી જ આઇપીઓને લઈને રિટેલ વર્ગમાં ઉત્સાહ જળવાઈ રહેશે તે નક્કી છે. ત્રણ આઇપીઓમાંથી એક એલ એન્ડ ટી જૂથનો આઇપીઓ છે.

દેશનું અગ્રણી કોન્ગ્લોમેરટ એવું એલ એન્ડ ટી તેની ટેક્‌ સર્વિસિસ કંપનીમાંથી 10 ટકા હિસ્સો વેચવા જઈ રહી છે. એલ એન્ડ ટી ટેક સર્વિસિસનો શેર રૂ.850-860ના પ્રાઇસ બેન્ડથી ઓફર કરાશે. એલ એન્ડ ટી ઇન્ફોટેકમાં રોકાણકારો ભરાઈ ગયા હોવા છતાં ગ્રે-માર્કેટ લઘુતમ અરજી પર રૂ.400નો ભાવ આપી રહ્યું છે, જ્યારે શેર પર રૂ.90-92નું પ્રીમિયમ જોવા મળી રહ્યું છે. કંપની 12 સપ્ટેમ્બરે બજારમાં પ્રવેશી રહી છે. ભરણું 15 સપ્ટેના રોજ બંધ થશે. કંપની રૂ.900 કરોડ એકત્ર કરશે.

જોકે ગ્રે-માર્કેટમાં વધુ ઉત્સાહ તો આઇસીઆઇસીઆઇના વીમા સાહસના આઇપીઓને લઈને છે. છેલ્લાં ઘણાં વર્ષો બાદ બજારમાં 'મેગા' આઇપીઓ આવી રહ્યો છે અને તેને ગ્રે-માર્કેટ નોંધપાત્ર પ્રીમિયમ આપી રહ્યું છે.

આઇસીઆઇસીઆઈ પ્રુડેન્શિયલના શેર પર રૂ.33-35નું પ્રીમિયમ બોલાઈ રહ્યું હોવાનું વર્તુળો જણાવે છે. જ્યારે લઘુતમ અરજીનો ભાવ રૂ.1,300નો બોલાઈ રહ્યો છે, જે છેલ્લા ઘણા આઇપીઓનું આકર્ષણ વધારી રહ્યો છે.

ઇશ્યૂ મોટો હોવાથી રિટેલ વર્ગને ફાળવણીનું પ્રીમિયમ ઊંચું રહેશે તે નિશ્ચિત છે. ઉપરાંત ખાનગી વીમા કંપનીનું બજારમાં પ્રથમ પ્રત્યક્ષ લિસ્ટિંગ છે અને તેથી તેની બજારમાં તેને લઈને ઉત્સુકતા રહેવાની જ. હજુ આઇપીઓની તારીખ જાહેર નથી થઈ અને પ્રાઇસ બેન્ડ પણ નક્કી નથી. જોકે શેર રૂ.300ની આસપાસ ઓફર કરવામાં આવશે એમ બજાર માને છે.

જલંધર સ્થિત જીએનએ એક્સેલમાં સોદા જોવા મળતા નથી. કંપની 14 સપ્ટેમ્બરે બજારમાં પ્રવેશશે અને રૂ.205-207ની રેંજમાં શેર ઓફર કરશે અને રૂ.130 કરોડ એકત્ર કરશે. આરબીએલ બેંક અગાઉ આવેલા દિલીપ બિલ્ડકોન અને એસપી એપરલ્સને ગ્રે-માર્કેટનો પ્રતિસાદ પ્રમાણમાં મોળો હતો તો પણ લિસ્ટિંગ વખતે 10 ટકાથી વધુનો લાભ જોવા મળ્યો હતો.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports