Translate

Monday, June 23, 2014

મલ્ટિપ્લેક્સ : સાશાથી શાહિદ સુધી

Sandesh - Sanskar Purti - 1 Dec 2013

મલ્ટિપ્લેક્સ 
પિતાનાં બીજાં લગ્ન થવાંએમનો પોતાનો પરિવાર હોવોમાનાં પુનર્લગ્ન થવાંએનો પણ અલગ સંસાર હોવો... અને આ બધાની વચ્ચે એકલવાયા બની ગયેલાં એક માસૂમ બાળકનું હૂંફ અને સલામતી માટે વલખાં મારવાં. શાહિદ કપૂરે નાનપણથી જ સંબંધોના ભારે અટપટાં સમીકરણો જોયાં છે
દિલ્હીના સાકેત વિસ્તારમાં એક નાનકડો સરસ મજાનો બાબલો રહે. પોતાનાં નહીં, પણ નાના-નાનીનાં ઘરે. નાના-નાની બન્ને પત્રકાર છે. 'સ્પુટનિક' નામના રશિયન મેગેઝિન માટે લેખોને ઉર્દૂમાંથી રશિયનમાં અને રશિયનમાંથી ઉર્દૂમાં તરજુમો કરવાનું તેમનું કામ. પગાર સાધારણ પણ નાનાજી છોકરાને કોઈ વાતની ખોટ ન વર્તાવા દે. ખાસ કરીને બાપની ખોટ. ત્રણ વર્ષની ઉંમરના માસૂમ બચ્ચાને શી સમજ પડે કે મમ્મી-પપ્પાના ડિવોર્સ થઈ ગયા છે અને પપ્પા હવે ક્યારેય સાથે રહેવાના નથી.
એ મીઠડા છોકરાનું હુલામણું નામ એના જેવું જ મીઠું હતું - સાશા. નાના રોજ સાશાને સ્કૂલે લેવા-મૂકવા જાય, એની સાથે જાતજાતની રમતો રમે. એના પપ્પા વિશે પણ વાતો કરે, એના કાગળો વાંચે. સાશાના મનમાં પિતા વિશે સહેજ પણ નકારાત્મક છબી ઊભી ન થાય તે માટે સતત સભાન રહે. મમ્મી કથકના વિખ્યાત ગુરુ બિરજુ મહારાજની પ્રિય શિષ્યા. એના શોઝ હોય ત્યારે નાનાજી ટેણિયાની આંગળી પકડીને લઈ જાય. એને ખોળામાં બેસાડીને બ્રુસ લી અને જેકી ચેનની ફિલ્મો દેખાડે. મુંબઈ સેટલ થઈ ગયેલા પપ્પા વર્ષમાં એક જ વાર દિલ્હી આવે, સાશાનો બર્થ-ડે હોય ત્યારે. સાશા રાજી રાજી થઈ જાય. એકાદ દિવસ રોકાઈને પપ્પા વિદાય લે ત્યારે સાશા ખૂબ રડેઃ પપ્પા, ન જાવ, રોકાઈ જાવ! પપ્પા મન કઠણ કરીને એને ફોસલાવેઃ મારે મુંબઈમાં કામ કરવાનું હોય, બેટા. હું ફરી પાછો આવીશને, તને મળવા. સાશાનું રુદન તોય ન અટકેઃ તો મને તમારી સાથે મુંબઈ લઈ જાઓ. પછી મમ્મીએ વચ્ચે પડવું પડેઃ એમ મુંબઈ ન જવાય, સાશા, તારી સ્કૂલ બગડે. આપણે વેકેશનમાં જઈશું, બરાબર છે? પણ વેકેશન જેવું આવે એવું જ જતું રહે. મુંબઈ જવા-આવવાના ટિકિટભાડાનો ને રહેવાનો ખર્ચ પોસાવો જોઈએને. સાશાને એ ક્યાં ખબર હતી કે પપ્પાના ઘરે રહી શકાય એમ નથી, કેમ કે પપ્પાએ બીજાં લગ્ન કરી લીધાં છે. આમ, બર્થ-ડે બાપ-દીકરા, બન્ને માટે ખુશી અને પીડા બન્નેનું કારણ બની રહે. એકમેકને મળવાની ખુશી ને પછી એક આખા વર્ષ માટે વિખૂટા પડી જવાનું દર્દ.
Shahid in his childhood
સાશા દસ વર્ષનો થયો ત્યારે મમ્મી એને લઈને હંમેશ માટે મુંબઈ આવી ગઈ. દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના સ્ટુડન્ટ રહી ચૂકેલા પપ્પા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટર તરીકે ધીમે ધીમે પોતાનું સ્થાન જમાવી રહ્યા હતા. મમ્મીએ પણ ટીવી સિરિયલોમાં એક્ટિંગ કરવાનું શરૂ કર્યું. કમાણી માંડ મા-દીકરાનું ગાડું ગબડે એટલી. સાશા હવે સંબંધોનાં અટપટાં સમીકરણો સમજવા લાગ્યો હતો. આ સમીકરણો જોકે ક્રમશઃ વધુ ને વધુ ગૂંચવાઈ રહ્યાં હતાં. થોડા અરસા બાદ મમ્મીએ પણ પુનર્લગ્ન કર્યાં. સાશા માટે વિચિત્ર સ્થિતિ ઊભી થઈ ચૂકી હતી. પોતાના સગા પપ્પાને એક પત્ની હતી અને એમનાં સંતાનો હતાં. આ બાજુ મા સાવકા બાપ સાથે રહેતી હતી અને તેમનું પણ એક સંતાન હતું. સગાં મા-બાપ બન્નેએ પોતપોતાનો સંસાર વસાવી લીધો હતો, પણ તેમની વચ્ચે સાશા એકલો પડી ગયો. અલબત્ત, એને ર્બોિંડગ સ્કૂલમાં ધકેલી દેવામાં નહોતો આવ્યો. એ પોતાની મમ્મી સાથે સાવકા પિતાના ઘરમાં જ રહેતો હતો. પોતપોતાની રીતે કદાચ સૌ સાચા હતા, સારા પણ હતા, પરંતુ સાશાના જીવનમાં હૂંફની અને સલામતીની લાગણીની કમી રહી ગઈ. સ્કૂલમાં એ તદ્દન શાંત રહેતો. એના કોઈ દોસ્તાર નહોતા. એ નાની નાની વાતે આક્રમક થઈ જાય, ઝઘડવા માંડે.
Shahid with mother, Neelima Azeem
જિંદગી વહેલા-મોડી પોતાનો લય પકડી જ લેતી હોય છે. શક્ય છે કે એ લય થોડા સમય માટે ખોરવાઈ જાય, પણ પડી-આખડીને, વિખરાયેલા ટુકડા ફરી સમેટીને જિંદગી નવો લય શોધી જ લેતી હોય છે. સાશાનું પણ એવું થયું. મોટો થતો ગયો તેમ તેમ પોતાની જાત પર અંકુશ આવતો ગયો. સમજ આવતી ગઈ, પરિસ્થિતિઓને સ્વીકારવાની ક્ષમતા આવતી ગઈ. કોલેજમાં એનું વ્યક્તિત્વ પૂરબહારમાં ખીલ્યું. ધીમે ધીમે બહુ જ તેજસ્વી યુવાન તરીકે એનો ઘાટ ઘડાવા માંડયો. પહેલાં એ મમ્મીની માફક ડાન્સર બન્યો ને પછી પપ્પાની માફક ફિલ્મલાઇનમાં એક્ટર તરીકે એન્ટ્રી મારી. ક્રમશઃ એ બોલિવૂડના મહત્ત્વના સ્ટાર તરીકે ઊભર્યો.
સાશામાંથી સ્ટાર બનેલો આ છોકરો એટલે આજનો શાહિદ કપૂર. એના પિતા એટલે ઉત્તમ અદાકાર પંકજ કપૂર. મમ્મીનું નામ નીલિમા અઝીમ. શાહિદની સાવકી મા એટલે જેને આપણે હમણાં જ 'રામ-લીલા'માં ખૂંખાર ધનકોર બા તરીકે જોયાં એ સુપ્રિયા પાઠક. નીલિમા અઝીમના બીજા પતિ રાજેશ ખટ્ટર ટીવી અને ફિલ્મોમાં કેરેક્ટર રોલ્સ કરે છે. પાસપોર્ટમાં આજની તારીખે પણ શાહિદની અટક ખટ્ટર નોંધાયેલી છે. ભાગ્યના દેવતા કદાચ શાહિદના પરિવારમાં સ્થિરતા નામનો શબ્દ લખવાનું જ ભૂલી ગયો છે. નીલિમા અઝીમનાં બીજાં લગ્ન પણ ડિવોર્સમાં પરિણમ્યાં. શાહિદ ૨૩ વર્ષનો થયો ત્યાં સુધી એટલે કે એની પહેલી બે ફિલ્મો'ઈશ્ક વિશ્ક' અને 'ફિદા' આવી ગઈ ત્યાં સુધી મા અને સાવકા ભાઈ ઈશાન સાથે રહ્યો. પછી પોતાનું અલગ ઘર લઈને રહેવા લાગ્યો.
Shahid with father Pankaj Kapoor, stepmom Supriya Pathak and their children 
આજની તારીખે શાહિદ પિતા પંકજ કપૂર અને સાવકા ભાઈ (નીલિમા અઝીમના પુત્ર) ઈશાન સાથે સૌથી વધારે નિકટતા અનુભવે છે. સંબંધોના મામલામાં શાહિદ જોકે બુંદિયાળ છે. કરીના કપૂર સાથે એનું બ્રેક-અપ થયં પછી નાનાં-મોટાં છમકલાં થયાં હશે, પણ સિરિયસ રિલેશનશિપ એક પણ થઈ નથી. બત્રીસ વર્ષનો શાહિદ આજે સિંગલ છે. આધેડ વયના સલમાન ખાનને બાદ કરીએ તો આજની તારીખે બોલિવૂડનો મોસ્ટ ડિઝાયરેબલ બેચલર જો કોઈ હોય તો શાહિદ કપૂર છે. શાહિદે નાનપણથી જે રીતે સંબંધોની અસ્થિરતા જોઈ છે તે જોતાં એને સ્વકેન્દ્રી કે ઈગોવાળી નહીં, પણ તીવ્રતાથી ચિક્કાર પ્રેમ કરી શકે અને સતત સમર્પિત રહી શકે તેવી સ્ત્રી જોઈએ.
Shahid with mother and step brother, Ishaan
ખેર, શાહિદને જોકે હાલના તબક્કે પ્રેમિકાની નહીં પણ જોરદાર લકની જરૂર છે. ૨૦૧૦માં 'બદમાશ કંપની' હિટ થઈ એ થઈ, પછી એની કરિયરમાં ફ્લોપ ફિલ્મોની લાઇન લાગી ગઈ છે- 'મિલેંગે મિલેંગે', 'મૌસમ', 'તેરી મેરી કહાની' ને છેલ્લે 'ફટા પોસ્ટર નિકલા હીરો'. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લાગલગાટ ચચ્ચાર ફિલ્મો નિષ્ફળ જવી તે કોઈ પણ સ્ટાર માટે બહુ ગંભીર સ્થિતિ છે. આજે એની એક તરફ શાહરુખ-સલમાન-આમિર-અક્ષયની જનરેશન છે, બીજી બાજુ રણબીર કપૂર-રણવીર સિંહ-સુશાંતસિંહ રાજપૂતની તેજીલા તોખાર જેવી નવી પેઢી ભયાનક ઝડપથી આગળ વધી રહી છે. હૃતિકે પોતાની નિશ્ચિત ભ્રમણકક્ષા બનાવી લીધી છે. આ ભીડમાં બિચારો શાહિદ હાંસિયામાં ધકેલાઈ ગયો છે. આવતા શુક્રવારે એની 'આર... રાજકુમાર' (જેનું ઓરિજિનલ નામ 'રેમ્બો રાજકુમાર'હતું) રિલીઝ થઈ રહી છે. એનું શું થવાનું છે એ તો ઉપરવાળો જ જાણે. હાલ એ શ્રદ્ધા કપૂર સાથે જોડી બનાવીને વિશાલ ભારદ્વાજની 'હૈદર' નામની ફિલ્મમાં કામ કરી રહ્યો છે, જેની વાર્તા શેક્સપિયરની કૃતિ 'હેમ્લેટ' પર આધારિત છે. શાહિદ માટે આ ફિલ્મોનું હિટ બોક્સઓફિસ રિઝલ્ટ નિર્ણાયક પુરવાર થવાનું એ તો નક્કી.
શો-સ્ટોપર

કલાકારોને ફિલ્મની વાર્તા સંભળાવવી એક વાત છે, પણ શૂટિંગ શરૂ થયા પછી કંઈક જુદું જ બનવા માંડે તે બિલકુલ શક્ય છે. સેટ પર એક્ઝેક્ટલી શું થશે, એની એડવાન્સમાં કેવી રીતે ખબર પડે?
- પ્રભુ દેવા ('આર... રાજકુમાર'ના ડિરેક્ટર)

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports