Translate

Monday, June 23, 2014

આપના પ્રિયજનના મૃત્યુ બાદ તેની મિલકત મેળવવા માટે આવશ્યક મહત્વના દસ્તાવેજો


 
Picture
આપના પ્રિયજનના મૃત્યુ બાદ નોમીનેશન અથવા વીલના અભાવમાં તેઓની મિલકત મેળવવાની પ્રક્રિયા ઘણી લાંબી તેમજ ગુંચવાડાભરી બની જાય છે. જ્યારે આપના પ્રિયજન મૃત્યુ પામે છે અને આપ કાયદાકીય વારસ તરીકે તેઓની મિલકત મેળવવા માંગો છો તો આપની પાસે કેટલાક મહત્વના દસ્તાવેજો હોવા આવશ્યક છે, જેમ કે મૃત્યુ પ્રમાણપત્ર, દાવાનું અરજીપત્ર, વસિયતનામુ અને વારસાનું પ્રમાણપત્ર.

આપના પ્રિયજનનું મૃત્યુ એ અત્યંત દુ:ખદ બાબત છે. લાગણીઓના તણાવની સાથે સાથે આ બાબત આપની ચિંતામાં આર્થિક તણાવનો પણ ઉમેરો કરી શકે છે.  જો આપ એવું અનુભવો છો કે આપના પ્રિયજન આપના માટે જે કંઈ પણ છોડી ગયા છે, એને મેળવવા માટે આપે લાંબી કાનૂની લડાઈ લડવાની છે, તો આ તણાવ અતિ તીવ્ર કક્ષાએ પહોંચે છે. મિલકતનું આયોજન એ આર્થિક આયોજનનો વારંવાર અવગણવામાં આવતો એક ખ્યાલ છે અને એના પરિણામ સ્વરૂપે કાયદાકીય વારસે મિલકત મેળવવા માટે ઘણી બધી કાનૂની અડચણો માંથી પસાર થવાનું આવે છે. બેંક ખાતા, વીમા પોલીસીઓ, શેર અને મ્યુચ્યુઅલ ફંડ્સ, બેંક લોકર્સમાં રહેલી કીમતી ચીજ – વસ્તુઓ, રીયલ એસ્ટેટ અને પ્રોવીડંટ ફંડ્સ - આ બધી એવી કેટલીક મિલકતો છે કે જેના માટે દાવો કરીને કાનૂની પ્રક્રિયા અંતર્ગત વારસદારે એને મેળવવાની રહે છે. આ બાબતે નોમીનીનું નામ ન લખ્યું હોય અથવા યોગ્ય વીલ ન બનાવ્યું હોય તો કાનૂની વારસદારને નોંધપાત્ર મુશ્કેલીઓનો સામનો કરવાનું આવી શકે છે. કારણ કે આપના પ્રિયજનના મૃત્યુ બાદ ખરા અર્થમાં તમે જ મિલકતના માલિક છો એની સાબિતી માટે બેંક તેમજ અન્ય સંસ્થાઓ આવશ્યક પુરાવાઓ માંગે છે. આપના પ્રિજનના મૃત્યુ બાદ આપ તેની મિલકત મેળવવા માગતા હો તો એ માટે  આપની પાસે હોવા જોઈએ એવા આવશ્યક મહત્વના કેટલાક દસ્તાવેજોની માહિતી અહીં આપવામાં આવી છે :

મૃત્યુનું પ્રમાણપત્ર

 કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનું સાબિત કરવા માટે મૃત્યુ પ્રમાણપત્ર એ પાયાનો દસ્તાવેજ છે. આ પ્રમાણપત્ર મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા ગ્રામ પંચાયતમાંથી જે તે વ્યક્તિ ખરેખર મૃત્યુ પામ્યો છે એ બાબતની ચકાસણી થયા બાદ પ્રાપ્ત કરી શકાય છે. મૃત્યુ પ્રમાણપત્ર મૃત્યુ થયાની તારીખ તેમજ સમય દર્શાવે છે. આ પ્રમાણપત્ર તમામ સંસ્થાઓ માટે અત્યંત મહત્વનું છે અને નોમીનીનું નામ નક્કી થયેલું હોય અથવા વીલ રજૂ કરવામાં આવ્યું હોય તેમ છતાં મૃત્યુનું પ્રમાણપત્ર બનાવવું પડે છે.  મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા મૃત્યુના સંજોગો પર આધારિત રહે છે. અને આપે આપના સ્વજનનું મૃત્યુ થાય કે તરત જ તેના મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવા માટે પગલાં લેવા જોઈએ. આ વિષય અંગે વધુ વાંચવા તેમજ એને મેળવવાની પ્રક્રિયા વિશે સમજવા અહીં ક્લિક કરવા વિનંતી.

વીલ અંગેનું વસિયતનામું

યોગ્ય, નોંધણી કરાવેલું વીલ હોવું એ આજના વિશ્વની અત્યંત મહત્વની બાબત છે. આપ કેવી રીતે વીલ લખો છો અને તેના મહત્વને સમજવા માટે ઉપરાંત વીલ અંગે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરવા વિનંતી. તેમ છતાં ઘણા લોકો વીલ લખવામાં શરમ અનુભવે છે. કેટલીક વખત વીલ હોવા છતાં તેની નોંધણી ન થઈ હોવાથી છેતરપિંડીની તકો ખુબ વધી જાય છે. જો વીલને નોંધાવવામાં આવ્યું ન હોય તો એ વીલની બે અથવા ત્રણ આવૃત્તિઓ પણ આપને જોવા મળી શકે છે, જેનાથી મુંઝવણમાં પડી જવાય કે કયું વીલ સાચું છે અને કયું વીલ બનાવટી છે.  કેટલાક કિસ્સાઓમાં આપને માટે વીલનું વસિયતનામું આવશ્યક છે, કે જે કોર્ટમાંથી પ્રાપ્ત કરી શકાય છે. આ દસ્તાવેજ પર કોર્ટની મહોર લાગેલી હોય છે અને તેથી વીલ અધિકૃત બને છે. આપે એ માટે કાયદાશાસ્ત્રીની મદદ લેવી જરૂરી છે, એને જરૂરી ફી ચુકવવી જોઈએ અને વીલનું વસિયતનામુ મેળવવા માટે જેટલો સમય લાગતો હોય એટલા સમય સુધી રાહ જોવી જોઈએ.

દાવાપત્રક

આપ જે સંસ્થા પાસે મિલકત પર દાવો કરી રહ્યા હો અને દાવો કરતી વખતે આપ જ્યાં ફોર્મ જમા કરાવો છો એ સંસ્થા આપને દાવાપત્રક પૂરું પાડે છે. આપે જે મિલકત પર દાવો કર્યો હોય એને લગતી જુદી જુદી અનેક વિગતો ઉપરાંત મૃત્યુ પામનારની વિગતો અને તેની સાથેના આપના સંબંધ અંગેની વિગતો ફોર્મમાં ભરવાની રહે છે. પ્રત્યેક સંસ્થાને તેના પોતાના દાવા અંગેના અરજીપત્રક હોય છે.

વારસાનું પ્રમાણપત્ર

ઘણા કિસ્સાઓમાં મિલકત માટે નોમીનીનું નામ લખવામાં આવ્યું હોતું નથી તે જ રીતે મિલકતનું વીલ પણ બનાવ્યું હોતું નથી. આથી કાયદાકીય દૃષ્ટિએ આપ વારસદાર હોવા છતાં આપની પાસે આમાંનો કોઈ પુરાવો ન હોય એવું બની શકે છે. કેટલાક કિસ્સાઓમાં મિલકત પર દાવો કરતી વખતે આપે વારસદાર હોવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહે છે. વારસાઈ પ્રમાણપત્ર કોર્ટમાંથી પ્રાપ્ત કરવાનું રહે છે, જે સાબિત કરે છે કે આપ કાનૂની દૃષ્ટિએ ખરા વારસદાર છો. આપે ક્યાંથી વારસદારનું પ્રમાણપત્ર મેળવવું જોઈએ એ નક્કી કરવા માટે આપે ખાતરી કરી લેવી જોઈએ કે કયા અધિકાર ક્ષેત્ર હેઠળ આપની ચોક્કસ મિલકત / સંસ્થા આવે છે, કે જે સંસ્થાની પાસે આપ મિલકત અંગેનો દાવો કરી રહ્યા છો તેમજ તેને સંલગ્ન જે જિલ્લા કોર્ટ અથવા હાઈ કોર્ટ પાસે આપ રજૂઆત કરવાના છો. આ માટે આપે કાયદાશાસ્ત્રીની મદદ લેવી જોઈએ, વારસદાર અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટે અરજી દાખલ કરવી જોઈએ અને એ નિષ્ણાતને જરૂરી ફી ચુકવવી જોઈએ. ત્યારબાદ કોર્ટ સમાચારપત્રમાં જાહેરાત આપશે અને ચોક્કસ સમય રાહ જોશે કે આપે કરેલા દાવા સામે વાંધો ઉઠાવતી કોઈ અન્ય વ્યક્તિ કે સંસ્થા આવે છે કે કેમ. જો કોઈ વાંધો રજૂ ન થાય તો દાવેદારને વારસદાર અંગેનું પ્રમાણપત્ર મંજૂર કરવામાં આવે છે. આ પ્રમાણપત્રનો ત્યારબાદ મિલકત પર દાવો કરવા હેતુ ઉપયોગ થઈ શકે છે.

જ્યારે ઉપરનો આ લેખ અમારા દ્વારા લખાઈ રહ્યો હતો ત્યારે અમે JagoInvestor.com

 પર આવેલા તેને લગતા લેખથી પ્રેરિત થયા હતા.

સ્મિતા હરિ (મૂળ અંગ્રેજી લેખક)
કલ્પેશ સોની (ગુજરાતીમાં અનુવાદ)

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports