Translate

Thursday, December 11, 2014

વીમા ખરડો: 49% FDIને કેબિનેટની મંજૂરી

કેન્દ્રીય કેબિનેટે સંસદીય સમિતિનાં સૂચન સ્વીકાર્યાં પછી વીમા સુધારણા ખરડાને બુધવારે મંજૂરી આપી છે. આ સાથે ઇન્શ્યોરન્સ સેક્ટરમાં સીધા વિદેશી રોકાણ (FDI)ની મર્યાદા હાલના 26 ટકાથી વધારી 49 ટકા કરવાના ખરડાને સંસદની મંજૂરી મળવાની શક્યતા વધી ગઈ છે.

કેબિનેટે જાહેર ક્ષેત્રની બેન્કોને ઇક્વિટી ભંડોળ એકત્ર કરવાની છૂટ આપી છે. જોકે, બેન્કોએ સરકારનો ઓછામાં ઓછો બાવન ટકા હિસ્સો જાળવવો પડશે. આ સાથે આગામી સમયમાં SBI સહિત પીએસયુ બેન્કોના ઇક્વિટી ઇશ્યૂનો માર્ગ મોકળો બન્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં કેન્દ્રીય કેબિનેટ અને આર્થિક બાબતોની સમિતિએ વિવિધ પ્રકારની 27 દરખાસ્તો પર વિચારણા કરી હતી. જેમાં સોલર પાર્ક્સ, અલ્ટ્રા-મેગા સોલર પાવર પ્રોજેક્ટ્સ અને 1,000 મેગાવોટના ગ્રીડ કનેક્ટેડ સોલર પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

સરકાર સોમવારે રાજ્યસભામાં વીમા સુધારણા ખરડો રજૂ કરશે. જેમાં સંસદની સમિતિનાં સૂચનોને સમાવી લેવાશે. ઉલ્લેખનીય છે કે, વીમા ખરડાની સમીક્ષા માટે સંસદની સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ બુધવારે તેની ભલામણો સુપરત કરી હતી. જેમાં કુલ વિદેશી રોકાણમર્યાદા 49 ટકા રાખવા સંમતિ સધાઈ હતી. જેમાં તમામ પ્રકારના વિદેશી રોકાણનો સમાવેશ થશે. અત્યારે વીમા ક્ષેત્રે 26 ટકા એફડીઆઇની પરવાનગી છે.

વીમા સુધારણા ખરડાને સંસદની મંજૂરી પછી પેન્શન સેક્ટરમાં પણ એફડીઆઇની મર્યાદા વધશે. કારણ કે તેણે વીમા ક્ષેત્રના નિયમોને અનુસરવા પડે છે. રાજ્યસભામાં રજૂ કરાયેલા સમિતિના અહેવાલ પ્રમાણે "સમિતિ વીમા ક્ષેત્રે 49 ટકા એફડીઆઇની કુલ મર્યાદાની ભલામણ કરે છે. જેમાં તમામ પ્રકારના એફડીઆઇ અને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટનો સમાવેશ થાય છે.'' અહેવાલને કોંગ્રેસે ટેકો આપ્યો છે, જે રાજ્યસભામાં ખરડો પસાર થવાની શક્યતા વધારે છે. રાજ્યસભામાં કેન્દ્ર સરકાર બહુમતી ધરાવતી નથી. તૃણમૂલ કોંગ્રેસ, સીપીઆઇ-એમ, જેડી-યુ અને સમાજવાદી પાર્ટીએ અહેવાલ સામે વાંધો હોવાની નોંધ સુપરત કરી હતી.

વીમા નિયમનકર્તા ઇરડાના અંદાજ પ્રમાણે આગામી પાંચ વર્ષમાં વીમા ક્ષેત્રની વધારાની મૂડી જરૂરિયાત રૂ.55,000 કરોડ થવાની ધારણા છે. ઉદ્યોગ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર 49 ટકાના વિદેશી રોકાણ સાથેનો ખરડો પસાર થશે તો વીમા ક્ષેત્રને વધારાના રૂ.7,800 કરોડ મળશે. સમિતિએ અહેવાલમાં બે નોંધપાત્ર મુદ્દા દર્શાવ્યા છે. જેમાં ભારતીય અંકુશ માટે ચુસ્ત જોગવાઈનો સમાવેશ થાય છે. ઉપરાંત, મર્યાદામાં વૃદ્ધિનો ઉપયોગ કંપનીને વધુ ભંડોળ પૂરું પાડવા માટે કરવામાં આવે એ નિશ્ચિત કરવું જોઈએ.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports