Translate

Tuesday, October 7, 2014

ફ્લિપકાર્ટનું ડિસ્કાઉન્ટ સેલ: પ્રથમ ગ્રાસે મક્ષિકા

ફ્લિપકાર્ટે સોમવારે ભારે ધૂમધડાકા સાથે સૌથી મોટું ડિસ્કાઉન્ટ સેલ યોજ્યું હતું પરંતુ તેમાં એવી કેટલીક ગરબડ થઈ હતી જેના કારણે ફ્લિપકાર્ટની કસ્ટમર સર્વિસની ટીકા થઈ છે. ડિસ્કાઉન્ટ સેલમાં ટેક્‌નિકલ ક્ષતિઓ પેદા થઈ હતી જેના કારણે ગ્રાહકો નારાજ થયા હતા. ચીજવસ્તુઓના ભાવ અને તેની ઉપલબ્ધતા અંગે પણ લોકો નિરાશ થયા હતા.

સ્પર્ધકોએ આ સ્થિતિનો લાભ લઈને તરત પોતાની આઇટમના ભાવ ઘટાડ્યા હતા જેથી લોકોનો ટ્રાફિક ફ્લિપકાર્ટ તરફથી બીજે વળી ગયો હતો. યુએસમાં વોર્ટન સ્કૂલના ઇન્ટરનેટ કોમર્સના પ્રોફેસર કાર્તિક હોસનાગરે જણાવ્યું હતું કે, "આ બોક્સિંગ મેચ જેવું છે જેમાં એક બોક્સરે હરીફ સામે લડતાં પહેલાં પોતાને જ મુક્કો મારી દીધો છે."

ફ્લિપકાર્ટનો કથિત 'બિગ બિલિયન ડે' સેલ ભારતમાં આ પ્રકારનો પ્રથમ સેલ હતો જેની પ્રેરણા અમેરિકામાં બ્લેક ફ્રાઇડે શોપિંગ બોનાન્ઝા પરથી લેવામાં આવી છે.

ફ્લિપકાર્ટના સહસ્થાપક અને સીઇઓ સચિન બંસલે કહ્યું કે સેલમાં કેટલીક ભૂલો થઈ છે, પરંતુ એકંદર પરિણામથી તેઓ ખુશ છે. કંપનીએ દિવસ દરમિયાન માત્ર 10 કલાકના ગાળામાં 10 કરોડ ડોલર (600 કરોડ રૂપિયા અથવા દર મિનિટે એક કરોડ રૂપિયા)નો માલ વેચ્યો હતો. કંપનીની સાઇટને એક અબજ હિટ મળી છે.

ભારતમાં ઓનલાઇન ચીજવસ્તુઓનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે છતાં વૈશ્વિક બિઝનેસની સરખામણીમાં તેનું કદ ઘણું નાનું છે. ભારતમાં રિટેલ ઉદ્યોગનું કદ લગભગ 50 અબજ ડોલરનું છે જેમાં સ્નેપડિલ, ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી કંપનીઓ માંડ પાંચ અબજ ડોલરનો વાર્ષિક બિઝનેસ ધરાવે છે.

ફ્લિપકાર્ટના સેલની આજે સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઈ હતી. કંપનીએ દિવસ દરમિયાન વારંવાર ભાવ બદલ્યા હોવાનો આરોપ મુકાયો હતો. દિલ્હી સ્થિત એક ગ્રાહકે રૂ.49,000ના એલસીડી ટીવીને ડિસ્કાઉન્ટ ભાવે ખરીદવા રૂ.27,000 ચૂકવ્યા હતા પરંતુ ફ્લિપકાર્ટે જણાવ્યું કે તે ટીવીનો સ્ટોક ખતમ થઈ ગયો હતો. આ દરમિયાન ગ્રાહકે બીજી વેબસાઇટ પર જઈને ખરીદી કરવાની તક ગુમાવી હતી.

અન્ય એક ગ્રાહકની ફરિયાદ હતી કે તેઓ ફ્લિપકાર્ટ પરથી એલસીડી ખરીદવા માંગતા હતા, પરંતુ બે કલાકની અંદર ભાવ રૂ.10,000 સુધી વધી ગયો હતો. ફ્લિપકાર્ટે કેન્સલેશનની સુવિધા ન આપી તેના કારણે પણ લોકો નારાજ હતા. ઘણા લોકો 'બાય' બટન દબાવ્યા બાદ બીજી સાઇટ પરથી સારી ઓફર મેળવતા હતા પરંતુ ફ્લિપકાર્ટ પરનો સોદો રદ કરી શક્યા ન હતા.

એક તરફ ફ્લિપકાર્ટના ગ્રાહકો નારાજ હતા ત્યારે બીજી તરફ ગ્રાહકો એમેઝોન તરફ વળી રહ્યા હતા. એમેઝોને જણાવ્યું કે રવિવારની સરખામણીએ સોમવારે તેનું વેચાણ બમણું થઈ ગયું હતું. હરીફ કંપની સ્નેપડીલને પણ ફાયદો થયો હતો અને સામાન્ય દિવસની સરખામણીમાં તેના ટ્રાફિકમાં ૧૫ ગણો વધારો નોંધાયો હતો.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports