Translate

Thursday, October 16, 2014

શેરોમાં તેજી છતાં બ્રોકિંગ બિઝનેસનાં વળતાં પાણી

રોકાણકારોના સેન્ટિમેન્ટમાં સુધારાને પગલે છેલ્લા કેટલાક મહિનામાં સ્ટોક એક્સ્ચેન્જિસના ટ્રેડિંગ વોલ્યુમમાં ઉછાળો નોંધાયો છે. જોકે, આ સુધારો બ્રોકર્સને બિઝનેસ છોડતા અટકાવવામાં સફળ રહ્યો નથી.

ચાલુ વર્ષે શેરબજારમાં જોરદાર તેજી હતી ત્યારે એપ્રિલ-ઓગસ્ટના ગાળામાં લગભગ 335 વ્યક્તિગત બ્રોકર્સ, 136 કોર્પોરેટ બ્રોકર્સ અને 5,773 સબ-બ્રોકર્સે ધંધો બંધ કરી દીધો હતો. તેજી છતાં બજારમાં રિટેલ રોકાણકારોની ઓછી સક્રિયતા, ઓછા માર્જિનવાળા વિકલ્પોની વધતી પસંદગી અને ઊંચા ખર્ચને લીધે બ્રોકર્સ અને સબ-બ્રોકર્સને ધંધો છોડવાની ફરજ પડી છે.

સેબીના ડેટા પ્રમાણે 31 ઓગસ્ટે કેશ સેગમેન્ટના બ્રોકર્સની સંખ્યા 31 માર્ચના 9,411ની તુલનામાં 9,076રહી હતી. સમાન ગાળામાં કોર્પોરેટ બ્રોકર્સની સંખ્યા માર્ચના 4,917થી ઘટીને ઓગસ્ટમાં 4,781 થઈ હતી. સબ-બ્રોકર્સનો આંકડો પણ 51,885થી ઘટીને 46,112 રહ્યો હતો. સબ-બ્રોકર રોકાણકારને શેરની લે-વેચમાં મદદ કરનાર એજન્ટ છે અને તે કોઈ એક્સ્ચેન્જનો સભ્ય હોતો નથી.

ફોર્ચ્યુન ફાઇનાન્શિયલ સર્વિસિસના એમડી નિમિશ શાહે જણાવ્યું હતું કે, "રિટેલ રોકાણકારોના ઘટતા રસ, આકરા નિયમો અને બ્રોકરેજના નીચા દરને કારણે માત્ર બ્રોકિંગ બિઝનેસ માટે ટકવાનું મુશ્કેલ છે.'' આમ તો બ્રોકર્સ અને સબ-બ્રોકર્સ દ્વારા બિઝનેસ બંધ કરવાની વાત નવી નથી.

2012-13 અને 2013-14માં પણ આવી ઘણી ફર્મ્સે કામકાજ આટોપી લીધું હતું. આશ્ચર્યની વાત એ છે કે, બજારની સ્થિતિમાં સુધારો છતાં બ્રોકિંગ બિઝનેસ બંધ થવાની સંખ્યામાં ઘટાડો થયો નથી. બ્રોકિંગ કંપનીઓના અધિકારીઓના જણાવ્યા અનુસાર 2008ના કડાકા પછી તાજેતરની રિકવરી છતાં જૂના રિટેલ ગ્રાહકો સક્રિય નહીં થયા હોવાથી તેમને ધંધો બંધ કરવો પડ્યો છે.

શાહે જણાવ્યું હતું કે, "ટૂંકા ગાળામાં વધુ જોખમથી દૂર રહેવા ઇચ્છુક રિટેલ રોકાણકારો બજારમાં પાછા ફરે એવી શક્યતા નથી.'' મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના ચેરમેન અને એમડી મોતીલાલ ઓસ્વાલે જણાવ્યું હતું કે, "બ્રોકિંગ બિઝનેસ હવે ગણતરીના બ્રોકર્સ પાસે છે અને એટલે ઘણા બ્રોકર્સ, સબ-બ્રોકર્સે કામકાજ બંધ કરવું પડ્યું છે.
ટેક્‌નોલોજી, રિયલ એસ્ટેટ, નિયમોનું પાલન અને માર્કેટિંગને લીધે બ્રોકિંગ બિઝનેસનો ખર્ચ નોંધપાત્ર વધી ગયો છે. જેની સામે બ્રોકરેજની આવકમાં ઘણો ઘટાડો નોંધાયો છે.'' ડેસ્ટિમની સિક્યોરિટીઝના એમડી અને સીઇઓ સુદીપ બંદોપાધ્યાયે જણાવ્યું હતું કે, "બિઝનેસમાં ટકી રહેવા દેશભરમાં હાજરી જરૂરી છે અથવા તમારે ફેમિલી પ્રોપ્રાઇટરી ટ્રેડર બનવું પડે.''

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports