Translate

BSE-NSE Ticker

Friday, October 17, 2014

એક્ઝિટ પોલમાં મોદી વેવના વર્તારા છતાં બજાર ઢીલુંઢફ

જૅપનીઝ શૅરબજાર કરેક્શન ઝોનમાં : હૉન્ગકૉન્ગ સાડાછ માસના તળિયે : લંડન ફુત્સી ૧૫ માસની નીચી સપાટીએ, યુરોપ સળંગ આઠમા દિવસે ડાઉન, ૨૦૦૩ પછીની સૌથી લાંબી મંદી : સેન્સેક્સે ૨૬,૦૦૦ અને નિફ્ટીએ ૭૮૦૦નું લેવલ ગુમાવ્યું

વૈશ્વિક અર્થતંત્ર વિશે ગ્રોથની ચિંતા વચ્ચે અમેરિકા ખાતે રીટેલ સેલ્સના નબળા આંકડા તેમ જ યેનમાં એપ્રિલ પછીની ડૉલર સામે સૌથી વધુ મજબુતીથી વૈશ્વિક બજારો ગઈ કાલે વધુ ડાઉનવર્ડ પ્રેશરમાં જોવા મળ્યાં છે. જૅપનીઝ નિક્કી ૩૩૫ પૉઇન્ટ કે ૨.૩ ટકાની નબળાઈમાં ૧૪,૭૩૮ બંધ હતો. આ સાથે ૨૫ સપ્ટેમ્બરની ટોચથી આ માર્કેટ ૧૧ ટકા જેવા ઘટાડામાં હવે કરેક્શન ઝોનમાં પ્રવેશી ચૂક્યું છે. ૨૦૧૩માં ૫૧ ટકાનું બેસ્ટ રિટર્ન આપનાર નિક્કીનો આ વર્ષનો સઘળો સુધારો છેલ્લાં ત્રણ સપ્તાહમાં ધોવાઈ ગયો છે. હૉન્ગકૉન્ગ એક ટકાથી વધુની નરમાઈમાં ૨૨,૯૦૦ બંધ હતું જે માર્ચ પછીનું બૉટમ છે. સિંગાપોર ૧.૨ ટકા, થાઇલૅન્ડ ૦.૯ ટકા તથા ચીન પોણો ટકો ઘટેલાં હતાં. યુરોપ નેગેટિવ બાયસમાં ઓપનિંગ બાદ પોણાથી સવાત્રણ ટકા ગબડ્યું હતું. ૬ ઑક્ટોબરથી સળંગ આઠમા દિવસે યુરોપ ખાતેનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સ્ટૉક્સ-૬૦૦ ઘટાડામાં રહ્યો છે. સળંગ આઠ દિવસની મંદી ત્યાં ૨૦૦૩ પછીની પ્રથમ ઘટના છે. અમેરિકા ખાતે સ્ટાન્ડર્ડ-પુઅર્સ-૫૦૦ ઇન્ડેક્સ એપ્રિલ પછીની નીચી સપાટીએ બંધ રહ્યો છે. આ બધાની સામૂહિક અસરમાં ઘરઆંગણે શૅરબજાર ગઈ કાલે ૩૫૦ પૉઇન્ટ ગગડી ૨૫,૯૯૯ બંધ રહ્યું છે. નિફ્ટી ૧૧૬ પૉઇન્ટની ખરાબીમાં ૭૮૦૦નું લેવલ તોડી ૭૭૪૮.૨૦ બંધ આવ્યો છે. ફુગાવાનો દર ઐતિહાસિક તળિયે જવાના તેમ જ મહારાટ્ર અને હરિયાણા મોદી વેવમાં ભારતીય જનતા પાર્ટીના હવાલે થવાના તમામ એક્ઝિટ પોલના વર્તારા પછી પણ શૅરબજાર નોંધપાત્ર ગગડ્યું છે એની ખાસ નોંધ લેવી રહી. શૅરબજારમાં મોદી સરકારને લઈને હોપ રૅલી કે હનીમૂન રૅલીનો સમય હવે પૂરો થયો છે અગર તો પૂરો થવામાં છે. વાતો અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત હવે માર્કેટ સમજવા માંડશે.

કેઇર્ન ઇન્ડિયા ૧૯ માસના તળિયે

વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રૂડ ઑઇલ ૮૩ ડૉલરની ચાર વર્ષર્‍ની નવી નીચી સપાટીએ જતાં ઘરઆંગણે ઑઇલ-ગૅસ બિઝનેસમાં પ્રવૃત્ત કેઇર્ન ઇન્ડિયાનો શૅર ગઈ કાલે ૨૭૨ રૂપિયાના લગભગ ૧૯ માસના તળિયે ગયો હતો. ભાવ છેલ્લે ૩.૭ ટકા ઘટી ૨૭૪ રૂપિયા જેવો બંધ હતો. ૧૦ જૂનના રોજ આ શૅર ૩૮૫ રૂપિયાની ફેબ્રુઆરી ૨૦૧૨ પછી ટોચે ગયો હતો. અન્ય ઑઇલ શૅરમાં સેલન એક્સ્પ્લોરેશન છ ટકા, ડૉલ્ફિન ઑફશૉર ૮.૭ ટકા, આલ્ફાજિયો ૭.૬ ટકા, જિંદલ ડ્રિલિંગ ૪ ટકા નરમ હતા. ઓએનજીસી ૧.૨ ટકા ઘટીને ૩૯૭ રૂપિયા તથા ઑઇલ ઇન્ડિયા ૨.૭ ટકા ઘટીને ૫૬૭ રૂપિયા બંધ હતા. પેટ્રોનેટ એલએનજી ત્રણ ટકા વધીને ૧૮૫ રૂપિયા, ગેઇલ પોણો ટકો વધીને ૪૫૧ રૂપિયા, દીપ ઇન્ડસ્ટ્રીઝ ૧.૮ ટકા વધીને ૭૦ રૂપિયા હતા. પીએસયુ રિફાઇનરી શૅરમાં ભારત પેટ્રોલિયમ ૧.૬ ટકા વધીને ૬૬૬ રૂપિયા, હિન્દુસ્તાન પેટ્રોલિયમ નહીંવત્ ઘટીને ૪૯૬ રૂપિયા, આઇઓસી ૨.૨ ટકા ઘટીને ૩૫૯ રૂપિયા, ચેન્નઈ પેટ્રો ૨.૩ ટકા ગગડીને ૯૯ રૂપિયા બંધ હતા. એમઆરપીએલ ૧.૪ ટકા નરમ હતો. હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૯૬૧ રૂપિયાના આગલા બંધ સામે ૯૫૪ રૂપિયા ખૂલી ઉપરમાં ૯૫૭ રૂપિયા અને નીચામાં ૯૨૮ રૂપિયા બતાવી અંતે ત્રણ ટકાની નરમાઈમાં ૯૩૨ રૂપિયા બંધ હતો. એને કારણે સેન્સેક્સને ૫૬ પૉઇન્ટની હાનિ થઈ હતી.

સ્ટ્રાઇડ આર્કોલૅબ ૧૮ ટકા ગગડ્યો

શૅરદીઠ ૧૦૫ રૂપિયાનું સ્પેશ્યલ ડિવિડન્ડ જાહેર કરનાર સ્ટ્રાઇડ આર્કોલૅબ એક્સ-ડિવિડન્ડ થતાં ૭૯૫ રૂપિયાના આગલા બંધ સામે ૬૮૭ રૂપિયા ખૂલી ૧૫૦ રૂપિયાના કડાકામાં નીચામાં ૬૪૫ રૂપિયા થયો હતો. ભાવ છેલ્લે ૧૮.૪ ટકાના ઘટાડે ૬૪૯ રૂપિયા બંધ હતો. મંગળવારના રોજ આ શૅર ૮૦૪ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. જેમાં રિવર્સ બુક-બિલ્ડિંગ મારફત ડી-લિસ્ટિંગ જાહેર કરવામાં આવ્યું છે એ ડીઆઇસી ઇન્ડિયા ૩.૫ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની નીચલી સર્કિટે ૪૯૨ રૂપિયા થઈ છેલ્લે ત્યાં જ બંધ હતો. હોલ્સિમ-લાફાર્જીની કેટલીક વૈશ્વિક ઍસેટ્સ હસ્તગત કરવા કુમારમંગલમ્ બિરલા ગ્રુપ સક્રિય બન્યું છે. ડીલ પાર પડે તો એની વૅલ્યુ આઠથી સાડાઆઠ અબજ ડૉલરની હશે. આની ગ્રુપ-કંપનીઓની બૅલૅન્સશીટ પર તાત્કાલિક અસર નેગેટિવ હશે. આથી જ અલ્ટ્રાટેક સિમેન્ટ ચારેક ગણા કામકાજમાં ૨૪૬૭ રૂપિયાના આગલા બંધ સામે પ્રારંભમાં ૨૫૦૨ રૂપિયા થઈ ૨૦૩ રૂપિયાની ખરાબીમાં ૨૨૯૯ રૂપિયા થયા બાદ અંતે ૬.૪ ટકા ઘટીને ૨૩૧૦ રૂપિયા નજીક રહ્યો હતો. ગ્રાસિમ ૩૩૯૭ રૂપિયાના આગલા બંધથી નીચામાં ૩૨૨૨ રૂપિયા બતાવી છેલ્લે ૪.૮ ટકાની નરમાઈમાં ૩૨૩૪ રૂપિયા બંધ હતો. આદિત્ય બિરલા નુઓ ૨.૬ ટકા, આદિત્ય બિરલા કેમિકલ્સ ૨.૭ ટકા, આદિત્ય બિરલા મની ૬ ટકા તથા સેન્ચુરી ટેક્સટાઇલ્સ ૬.૨ ટકા ડાઉન હતા.

બધા ઇન્ડાઇસિસ રેડ ઝોનમાં

બારેબાર સેક્ટરલ ઇન્ડેક્સ સહિત બજારના તમામ ૨૪ બેન્ચમાર્ક ગઈ કાલે માઇનસ ઝોનમાં જોવાયા છે. સેન્સેક્સના ૧.૩ ટકાની સામે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સવાચાર ટકા, આઇપીઓ ઇન્ડેક્સ ત્રણ ટકા, પાવર ઇન્ડેક્સ ૨.૯ ટકા, મેટલ ૨.૩ ટકા, ઑટો અને કૅપિટલ ગુડ્સ ૨.૧ ટકા, ઇન્ફ્રા ઇન્ડેક્સ ૨.૩ ટકા, સ્મૉલ કૅપ ૨.૭ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૨.૪ ટકા ખરડાયા હતા. એફએમસીજી ઇન્ડેક્સ સૌથી ઓછો ત્રણ પૉઇન્ટ નરમ હતો. રિયલ્ટી ઇન્ડેક્સ ૦.૨ ટકા ઘટેલો હતો. બ્રૉડર માર્કેટ એટલે કે બીએસઈ-૫૦૦ એના ૯૫ ટકા શૅરના ઘટાડા સાથે ૧.૮ ટકા ડૂલ્યો હતો. મિડ કૅપના માત્ર ૧૦ ટકા અને સ્મૉલ કૅપમાંના ફક્ત ૧૫ ટકા શૅર વધ્યા હતા. પાવર તેમ જ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ખાતે એક પણ શૅર વધ્યો નહોતો તો બૅન્કેક્સ, ઑટો, કૅપિટલ ગુડ્સ, હેલ્થકૅર અને આઇટી ઇન્ડેક્સમાં વધેલા શૅરની સંખ્યા માત્ર એકની હતી. એફએમસીજી ઇન્ડેક્સ જે માત્ર ત્રણ પૉઇન્ટ કે ૦.૦૪ ટકા જેવો નામ કે વાસ્ત્ો નરમ હતો એના ૧૧માંથી ૯ શૅર માઇનસ હતા. નિફ્ટી-૫૦માં ૪૩ શૅર ઘટેલા હતા, સાત જાતો પ્લસ હતી. એમાં ડીએલએફ ૫.૨ ટકાની મજબુતી સાથે ૧૧૦ રૂપિયા બંધ આપીને મોખરે હતો.

ઇન્ટ્રા-ડે ટોચથી ૫૨૮ પૉઇન્ટની ખરાબી

એક વાગ્યા સુધી લેટ અને બે વાગ્યા સુધી ૭૦-૮૦ પૉઇન્ટ જેવા સાધારણ ઘટાડામાં રહેલો સેન્સેક્સ ત્યાર પછી લપસણી પર આવી ગયો હતો. એમાં ૨૫,૯૩૪ નજીકનું બૉટમ બન્યું હતું જે ૨૬,૪૬૨ની ઇન્ટ્રા-ડે ટોચના મુકાબલે ૫૨૮ પૉઇન્ટની ખરાબી હતી. નિફ્ટી આ ગાળામાં ૭૮૯૪ની ટોચથી ૧૬૫ પૉઇન્ટ ખરડાઈને ૭૭૨૯ની નીચી સપાટીએ ગયો હતો. યુરોપિયન શૅરબજારોની નવર્‍સનેસનું આ પરિણામ હતું. વૈશ્વિક બજાર ખાસ કરીને યુરોપની ખરાબીથી ગઈ કાલે વિશ્વસ્તરે માર્કેટકૅપની રીતે રોકાણકારોને ૬૭૨ અબજ ડૉલર અર્થાત્ ૪૧ લાખ કરોડ રૂપિયાનો ફટકો પડ્યો હોવાનું અનુમાન છે. ભારતીય શૅરબજારની વાત કરીએ તો અહીં માર્કેટકૅપ લગભગ ૧.૭૦ લાખ કરોડ રૂપિયા ઘટીને ૯૦.૬૯ લાખ કરોડ રૂપિયા રહ્યું હોવાનો પ્રાથમિક અંદાજ છે. સેન્સેક્સના ૧.૩ ટકાના મુકાબલે નિફ્ટી થોડોક વધુ દોઢ ટકા જેવો ડાઉન હતો. આઇટીસી, કોલ ઇન્ડિયા, ગેઇલ તથા સિપ્લાને બાદ કરતાં સેન્સેક્સના બાકીના ૨૬ શૅર ઘટેલા હતા. માર્કેટ-બ્રેડ્થ ખાસ્સી નેગેટિવ હતી. ૭૫૬ શૅર વધેલા હતા, સામે ૨૧૭૨ કાઉન્ટર ડાઉન હતાં. એ-ગ્રુપના ૨૯૮માંથી માત્ર ૨૮ શૅર પ્લસ હતા. બી-ગ્રુપના ૨૧૨૨માંથી ૧૫૯૧ જાત માઇનસમાં બંધ હતી. ૨૧૨ શૅર ઉપલી સર્કિટે બંધ હતા તો ૩૩૬ સ્ક્રિપ્સ મંદીની સર્કિટે બંધ હતી.

મહિન્દ્રમાં ઘટાડો આગળ ધપ્યો

માલભરવાના પગલે ટ્રૅક્ટર ડિવિઝનમાં ઉત્પાદનકાપની જાહેરાત પછી મહિન્દ્રમાં માનસ નબળું પડ્યું છે. ગઈ કાલે સળંગ પાંચમા દિવસની નરમાઈમાં શૅર ૪.૪ ટકા ગગડીને ૧૨૧૯ રૂપિયા બંધ હતો. ભાવ નીચામાં ૧૨૧૦ રૂપિયા થયો હતો. પાંચ દિવસમાં આ કાઉન્ટર ૧૬૦ રૂપિયા કરતાં પણ વધુ ઘટી ચૂક્યું છે. નબળાં પરિણામો થકી બજાજ ઑટો બે ટકા ઘટી ૨૩૬૩ રૂપિયા હતો. હીરો મોટોકૉર્પ ૨.૩ ટકા, તાતા મોટર્સ ૦.૯ ટકા અને મારુતિ સુઝુકી ૧.૧ ટકા નરમ હતા. હિન્દાલ્કો સાડાપાંચ ટકા તૂટીને ૧૪૩ રૂપિયા નીચે રહ્યો હતો. બાય ધ વે, આદિત્ય બિરલા ગ્રુપના બધા શૅર ગુરુવારે વેચવાલીના પ્રેશરમાં સારાએવા ઘટેલા હતા. અન્ય મેટલ શેરમાં સેસા સ્ટરલાઇટ ૪.૧ ટકા અને તાતા સ્ટીલ ૩.૬ ટકા ગગડ્યા હતા. પરિણામ પૂર્વે ટીસીએસ પોણો ટકો ઘટીને ૨૬૭૯ રૂપિયા હતો. ઇન્ફોસિસ તથા વિપ્રો ૧.૪ ટકા કમજોર હતા. બૅન્કિંગમાં એસબીઆઇ સવાબે ટકા ઘટી ૨૪૬૫ રૂપિયા બંધ હતો. તાતા પાવર ૩.૩ ટકા, ભેલ ત્રણ ટકા, ભારતી ઍરટેલ ૨.૬ ટકા, એચડીએફસી ૨.૩ ટકા અને એચડીએફસી ૧.૬ ટકા ઘટેલા હતા.

બજારની અંદર-બહાર

અરુણ જ્યોતિ એન્ટરપ્રાઇઝીસનું નામ બદલીને તાજેતરમાં ન્ૉઓલીન એન્ટરપ્રાઇઝીસ કરવામાં આવ્યું હતું. હવે આજે ફરી વાર નામ બદલાશે. નવું નામ તાઝા ઇન્ટરનૅશનલ થશે.

વર્ટેકસ સ્પિનિંગમાં એક રૂપિયાના શૅરના ૧૦ રૂપિયામાં કન્સોલિડેશન બાદ ૨૧ ઑક્ટોબરથી ફરીથી સોદા શરૂ થશે. ૧૮ સપ્ટેમ્બરના રોજ શૅરમાં છેલ્લો બંધ ભાવ ૧.૩૮ રૂપિયા હતો. ફેસવૅલ્યુ એક રૂપિયાની હતી.

પૅસિફિક કોટસ્પિનનું નામ બદલીને આજથી સિલ્વર ટોન સ્પિનર્સ થશે. શૅરનો બંધ ભાવ ૧.૮૫ રૂપિયા છે. ફેસવૅલ્યુ ૧૦ રૂપિયાની છે.

સોમાણી સિરામિક્સ ૩૬ ગણા કામકાજમાં ખરાબ બજારમાં ૬.૮ ટકાના ઉછાળે ૩૩૩ રૂપિયા બંધ હતો. ઇન્ટ્રા-ડેમાં શૅર ૩૬૬ રૂપિયાની નવી વિક્રમી સપાટીએ ગયો હતો.

એનએમડીસી ત્રણગણા વૉલ્યુમે ૨.૭ ટકા વધીને ૧૫૭ રૂપિયા ઉપર રહ્યો હતો.

ક્રૉમ્પ્ટન ગ્રીવ્ઝ ૧૪ લાખ શૅરના ભારે કામકાજ વચ્ચે ૮.૨ ટકા ગગડીને ૧૮૯ રૂપિયા નીચે બંધ હતો.

ડીએલએફ મંગળવારે ૨૯ ટકા જેવા કડાકા બાદ ગઈ કાલે ૧૦૦ રૂપિયાની ઑલટાઇમ બૉટમ બનાવી શાર્પ બાઉન્સ-બૅકમાં ૧૧૬ રૂપિયા નજીક જઈ છેલ્લે ૫.૨ ટકાની તેજીમાં ૧૧૦ રૂપિયા રહ્યો હતો.

અપ્પુ માર્કેટિંગ ઍન્ડ મૅન્યુફૅક્ચરિંગ ૪૦ શૅરના કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૫૮૭ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ બંધ હતો. ૧૯ સપ્ટેમ્બરના રોજ શૅર ૨૯૫ રૂપિયાના તળિયે હતો.

જીએસએફસી સારાં પરિણામો પછી પ્રૉફિટ-બુકિંગના જોરમાં નીચામાં ૧૦૩ રૂપિયા બતાવી અંતે ૧૦.૭ ટકાની ખરાબીમાં ૧૦૮ રૂપિયા નજીક બંધ હતો.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports