Translate

Friday, October 31, 2014

પટેલની પરાકાષ્ઠાઃ ભૂખ, થાક ને મોતને હંફાવી વિઝા વગર પહોંચ્યો અમેરિકા

(તમામ તસવીરો પ્રતીકાત્મક)
 
અમદાવાદ. અમેરિકા જવાનું સપનું કેટલાંય ભારતીયો જોતાં હોય છે. કેટલાંકનું ફળે તો કેટલાંક રહી જાય. ગુજરાતમાં એવું કહેવાય છે કે, મોટાભાગના પટેલ અને શાહને અમેરિકા જવાનો ખૂબ ઇચ્છા હોય છે ને આ લોકો લીગલી અમેરિકા જવાનો પ્રયત્ન કરે પણ જો એમાં સફળતા ન મળે તો 'ગેરકાયદે' જવાનો પણ પ્રયત્ન કરતાં હોય છે. અમેરિકા ગયેલા એક પટેલ યુવકે દિવ્યભાસ્કર.કોમ સાથે ખાસ વાતચીત કરી અને તેમાં પોતે ગુજરાતમાંથી ગેરકાયદે અમેરિકા કેવી રીતે પહોંચ્યો તે જણાવ્યું.
 
દિવ્યભાસ્કર. કોમ સાથે વાત કરતાં પરેશ પટેલ (નામ બદલ્યું છે) જણાવે છે કે, હું ઉત્તર ગુજરાતના એક નાના ગામમાં રહેતો, ખાસ કંઇ કામ ધંધો કરતો ન હતો, ત્યારે કોઇએ અમને ઓફર કરી કે, તારે અમેરિકા જઉં છે? મેં કહ્યું વિચારીને જવાબ આપું. અમારા ગામમાંથી 150 જેટલા છોકરાઓ આવી રીતે (ગેરકાયદે) અમેરિકા ગયા હતા આથી મેં પણ નક્કી કર્યું કે, અમેરિકા ઉપડીએ. સામાન્ય રીતે ગેરકાયદે અમેરિકા લઇ જનારા એજન્ટ સામેવાળા લોકોની પણ પૂરતી તપાસ કરે કે આ લોકો છૂપી પોલીસ તો નથી ને? તેમને બધુ સેફ લાગે પછી જ બીજી વાતો આગળ વધે. અમારા ગામના ઘણા છોકરાઓ આવી રીતે ગયા હતા એટલે મારી પર તરત એમને વિશ્વાસ બેઠો.
 
પછી કેરાલાથી એક ભાઇ મને મળવા આવ્યા. અમે મીટિંગ કરી જેમાં તેમણે મને કહ્યું કે, એક નકલી ફિલ્મના શૂટિંગ માટે આપણે દુબઇ અને ત્યાંથી સાલ્વાડોર જઇશું ને પછી તમને ત્યાંથી અમેરિકા લઇ જવામાં આવશે. પછી મેં પાસપોર્ટ આપ્યો તેમણે દુબઇના વિઝા કરાવીને પાસપોર્ટ ને ટિકિટ મને મોકલ્યા ને મારા ગેરકાયદે અમેરિકા જવાની ટ્રિપની શરૂઆત થઇ ગઇ.
 
દુબઇમાં અમારી હોટેલ બુક હતી. અમે બે દિવસ હોટેલમાં રોકાયા ને પછી ત્યાંથી જ સાલ્વાડોરના વિઝા લીધા. દુબઇથી થોડું શોપિંગ કરીને અમે સાલ્વાડોર જવા રવાના થયા ત્યારે અમારી નકલી ફિલ્મ બનાવવાની ટીમમાં 7-8 લોકો હતા. અમારી સાથે અમારો નકલી ડાયરેક્ટર (એજન્ટનો માણસ) પણ હતો.
 
અમે જેવા સાલ્વાડોર લેન્ડ થયા ત્યારે ત્યાંના એરપોર્ટ પર જ અમારી આખી ટીમની ધરપકડ કરવામાં આવી કે, તમે જે વિઝા પર અહીંયા આવ્યા છો તેના પર અમે વધારે રોકાવાની પરમિશન નથી આપતા, તમારે પાછા ફરવું પડશે.
પટેલ જણાવે છે કે, અમને સાલ્વોડરના એરપોર્ટ પર કહેવામાં આવ્યું કે અહીંયા કોઇ પરિચિત હોય તો તેને બોલાવો તો તમારી એન્ટ્રી શક્ય બનશે. અમારા નકલી ડાયરેક્ટરે તેના બીજા માણસને બોલાવ્યો ને અમને સાલ્વાડોરમાં એન્ટ્રી મળી ગઇ. સાલ્વાડોરમાં પહોંચ્યાના 4-5 દિવસમાં બીજી ટુકડી આવી જેમાં ફિલ્મના હીરો, હીરોઇન, રાઇટર એમ કુલ 40 લોકો હતા, જેમાંથી 18 જણાને મારી જેમ અમેરિકા જવાનું હતું ને બાકીના ઇન્ડિયા પાછા જવાના હતા.
સાલ્વાડોર અમે એક મહિના રોકાયા ને વિવિધ જગ્યાએ ફર્યાને મજા કરી. અમે ઘણી જગ્યાએ શૂટિંગ પણ કર્યું.

અમે જે 18 લોકો હતા એને 3-4 લોકોની ટુકડીમાં વહેંચીને અલગ અલગ જગ્યાએ મોકલી દેવામાં આવ્યા. પછી અમને 'ડોંગર' (માફિયા) લેવા આવ્યો. દરેક ટીમના ડોંગર અલગ-અલગ હોય. અમારા ગ્રૂપમાં ચાર ઇન્ડિયન હતા. અમારે ગ્વાટેમાલા જવાનું હતું. અહીંયા અમે બધો સામાન ફેંકી દીધો. મેં એક પેન્ટની ઉપર બીજું પેન્ટ ચડાવ્યું એક ગંજી અને એક શર્ટ પહેર્યો, બૂટ પહેરી લીધા. પૈસા ને પાસપોર્ટ સિવાય બધું જ ત્યાં જ છોડી દીધું.
 
અમને 4 જણાને એક મોટા કન્ટેઇનરમાં લઇ જવામાં આવ્યા. એ કન્ટેનરની ડિઝાઇન ખાસ હતી. તેને પાછળથી ખોલો તો ખાલી કન્ટેનર લાગે પણ તેની અંદર લોકો છુપાઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. કૂતરો સૂંઘે તો અમે પકડાઇએ બાકી સામાન્ય પોલિસ કે માણસને અંદાજો પણ ના આવે કે કન્ટેનરમાં માણસો છુપાયા છે. એ અંધારિયા કન્ટેનરમાં લગભગ 30 કલાક બેસીને અમે સાલ્વાડોરથી ગ્વાટેમાલા પહોંચ્યા.
30 કલાક બાદ અમે અજવાળું જોયું. અમારા બધાના શ્વાસ રૂંધાઇ ગયા હતા. ગ્વાટેમાલામાં સૌથી પહેલા અમે એક ગરીબ ઘરમાં રોકાયા હતા, તે દિવસમાં એક જ વાર જમવા આપે. જમાવામાં રાઇસ અને ચીકન હોય.
 
ગ્વાટેમાલામાં અમને જ્યાં ઉતાર્યા હતા તે જગ્યા ઊંચા ડુંગર પર હતી, ત્યાં સખત ઠંડી પડે. વેજીટેરિયન હોઇએ એટલે ચીકન ના ખઇએ પરાણે ભાત ખાઇએ. અમારી પાસે થોડા પૈસા હતા તેનાથી બિસ્કિટ ખરીદ્યા હતા. અમે તે ડુંગર પર લગભગ એક મહિનો રોકાયા ત્યાં સખત ઠંડી પડે અમારી પાસે જેકેટ કે કંઇ ઓઢવાનું કંઇ જ સામાન નહીં. છેવટે અમારો ફોન આવ્યો ને અમારે ગ્વાટેમાલાથી મેક્સિકો જવાનું નક્કી થયું.
 
અમે જ્યાં રોકાયા હતા ત્યાં એક દૂધના ટેન્કર જેવું વાહન આવ્યું. એ ટેન્કરમાં માંડ 14-15 લોકો આરામથી બેસી શકે, પણ અમે 85 લોકો હતા.
 
પટેલની પરાકાષ્ઠાઃ ભૂખ, થાક ને મોતને હંફાવી વિઝા વગર પહોંચ્યો અમેરિકા
એ નાનકડાં ટેન્કરમાં અમને 85 લોકો ગમે તેમ ઘૂસાડ્યા. અમારે ઊભા ઊભા જ આગળ જવાનું હતું. પગ મૂકવાની જગ્યા પણ માંડ માંડ મળી હતી. અમારું ટેન્કર સવારે નવ વાગતા ઉપડ્યું. એ આખો દિવસ ને રાત ટેન્કર ચાલ્યું. બીજા દિવસે સવારે ને બપોરે પણ ટેન્કર સતત ચાલતું જ હતું. બીજા દિવસે સાંજે સાત વાગ્યે મેક્સિકોના એક જંગલમાં અમારું ટેન્કર પહોંચ્યું. લગભગ 32 કલાક જેટલો સમય થયો પણ અમે લોકો બધા જ ઊભા હતા. ન ખાવાનું મળે, ન પાણી મળે અરે સંડાસ અને બાથરૂમ પણ ન જવા મળે. અમે ચાર ઇન્ડિયન અને બાકીના લોકો સાલ્વાડોર, હોન્ડુરાસ, બ્રાઝિલ, ગ્વાટેમાલાના હતા.
 
ટેન્કરમાં જેમ જેમ સમય વીતતો જાય તેમ એવું જ લાગે કે હમણાં જીવ જશે. ભયંકર ઉલ્ટી આવે તેવું વાતાવરણ હતું એ ટેન્કરમાં.  અમને મેક્સિકોના જંગલમાં કોઇ ગરીબના ઘરે ઉતાર્યા. ત્યાં અમે નાહ્યા ને ફ્રેશ થયા. ત્યાં જમવામાં ગાયનું મીટ (માંસ) રાંધવામાં આવ્યું હતું.
32 કલાક સુધી સતત ઊભા ઊભા મુસાફરી કરી હતી ને સખત ભૂખ લાગી હતી. જમવામાં ગાયનું મીટ હતું, અમારી પાસે બીજો કોઇ જ ઓપ્શન ન હતો. આથી વિચાર્યું કે, હવે જીવતા રહેવું હશે તો નોન-વેજ તો ખાવું જ પડશે. ગાય ને માતા માનીએ પણ ના છૂટકે અમારે તે ખાવું જ પડ્યું. અમે વિચાર્યું કે, અમેરિકા પહોંચીને પછી માફી માંગી લઇશું.
 
બાદમાં ધીમે ધીમે અમે જે 85 લોકો હતા તેને નાની-નાની ટુકડીઓમાં વહેંચીને બીજા સ્થળે ખસેડવામાં આવ્યા, છેલ્લે અમે ચાર ઇન્ડિયન બચ્યા હતા. અમને કોઇ લેવા જ ના આવે. લગભગ 15-20 દિવસ સુધી અમે મેક્સિકોના જંગલમાં પેલા ગરીબના ઘરમાં હતા. છેવટે અમને લેવા એક બસ આવી. ચારથી પાંચ કલાકની બસની મુસાફરી પછી મેક્સિકો ડીએફ નામના શહેરમાં પહોંચ્યા. ત્યાં અમે 30 દિવસ જેટલું રોકાયા.
 
મેક્સિકો ડીએફમાં બે ટાઇમ ખાવાનું અને ઘણી સુવિધાઓ મળી. મેં મારો પાસપોર્ટ અહીંયા જ એક જણને આપ્યો હતો ને તેને ઇન્ડિયા પહોંચાડવાનું કહ્યું હતું. ત્યાંથી ઉઠાવીને અમને મેક્સિકો-અમેરિકા બોર્ડર ખાતે લઇ જવામાં આવ્યા. અમને મેક્સિકો-યુએસ બોર્ડરથી 10 માઇલ દૂર ઉતારવામાં આવ્યા.
 
બોર્ડર તરફ પોલિસ ના ફરે તે માટે અમે ચાર દિવસની રાહ જોઇ. ચાર દિવસ જંગલમાં રોકાયા તે દરમિયાન અમારું ખાવાનું ખૂટી ગયું. અમે જંગલમાં ખાવાની તપાસ કરવા નીકળ્યા, અમને મરેલુ ભૂંડ મળ્યું. રાત્રે પોલિસના ભયને કારણે રાત્રે આગ ના સળગાવી શકીએ, સવારે અમે નાની આગ પ્રગટાવી ને ભૂંડ પકવ્યું ને આંખો બંધ કરીને ખાધું. સાચું કહું તો અમારે એવું કંઇ પણ ખાવું ન હતું, પરંતુ અમારી પાસે કોઇ ઓપ્શન જ ન હતા
પટેલની પરાકાષ્ઠાઃ ભૂખ, થાક ને મોતને હંફાવી વિઝા વગર પહોંચ્યો અમેરિકાએકાદ દિવસ પછી અમારે બોર્ડર ક્રોસ કરવાનો મેળ પડ્યો. મેક્સિકો-યુએસ વચ્ચેની બોર્ડર પર 50 ફૂટ લાંબી દિવાલ છે. એ દિવાલ સુધી પહોંચવા એક નદી પાર કરવાની હતી. નદી પાર કરવા માટે એક ટ્યૂબ હતી. એ ટ્યૂબ પર માંડ 2-3 જણા બેસી શકે, પણ એ ટ્યૂબ પર આઠ જણાને બેસાડવામાં આવ્યા. એ ટ્યૂબ પર બેલેન્સ જાય તો નદીમાં પડી જવાય અને સીધા મરી જ જવાય. અમે જ્યારે ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે મેં એક લાશ જોઇ. પછી અમને કહેવામાં આવ્યું કે, નદી ક્રોસ કરતી વખતે એ સરખો ન તો બેઠો એટલે પડી ગયો હતો.
 
નદી ઓળંગ્યા બાદ બે મિનિટ જ ચાલીએ એટલે વિશાળ દિવાલ આવે. એ દિવાલ પાસે અગાઉ જ સીડીની વ્યવસ્થા કરવામાં આવી હતી. સીડી ઓળંગી ને બીજી તરફ પહોંચી ગયા. ત્યાં રેતીનો વિશાળ ઢગ હતો . ત્યાંથી ઉતરીને અમે અમેરિકા પહોંચી ગયા.
 
ધીમેધીમે અમારી જેમ લોકોને દીવાલ કૂદાવીને 45 લોકો ભેગા થયા. મધરાત જેવો સમય હશે પછી આખી રાત અમે લોકો કોઇ સુરક્ષિત જગ્યાએ પહોંચવા માટે આમ-તેમ દોડવા લાગ્યા.
સવાર સુધીમાં અમે અમેરિકાના મિશેલ સિટી પહોંચી ગયા. લગભગ પાંચેક વાગ્યા હશે ત્યારે એક બંધ ગેરેજ પર અમારી નજર પડી અમે ત્યાં છુપાઇ ગયા. અમારા એજન્ટે અમને સૂચના આપી હતી કે, તમે રોકાયા હો ત્યાં કોઇ બસ આવશે એ બસ ઊભી રહે એટલે ચડી જ જવાનું. અમે પછી મિશેલ સિટી, ટેક્સાસમાં આવી ગયા. અહીંયા અમારા ગ્રૂપને નાની ટુકડીઓમાં વહેંચી દેવામાં આવી. અમે ચાર ઇન્ડિયન અને બે બાંગ્લાદેશી એમ કુલ છ જણા હતા. એજન્ટના માણસો અમને જંગલમાં મૂકી ગયા હતા. તેમણે અમને થોડો નાસ્તો અને પાણી આપ્યો હતો ને કહ્યું હતું કે, ધીમે ધીમે વાપરજો. ત્રણ-ચાર દિવસ સુધી અમે જંગલમાં જ છુપાયેલા હતા. પોલિસથી બચવાનું અને હેલિકોપ્ટરથી પણ બચવાનું. તે સિવાય રાત્રે ઠંડી ને ભૂખ. તમામ વસ્તુનો સામનો કરવાનો.
પટેલની પરાકાષ્ઠાઃ ભૂખ, થાક ને મોતને હંફાવી વિઝા વગર પહોંચ્યો અમેરિકા 
ચાર દિવસે એક જણ આવ્યો ને તેણે કહ્યું કે, તમે ભૂલથી કોઇ બીજા ડોંગરના ગ્રૂપમાં આવી ગયા છો. તમારું ગ્રૂપ અલગ છે, આથી એણે અમને કહ્યું કે, તમારે આગળ વધવું હોય તો એક્સ્ટ્રા પૈસા આપવા પડશે. એ માણસ પાસે છરો ને બંદૂક હતા આથી અમને ડર લાગ્યો. અમને લાગ્યું કે આ માણસ અમને ફસાવશે અને પૈસા પડાવીને જતો રહેશે. આથી અમે નક્કી કર્યું કે, પૈસા આપવાની જગ્યાએ પોલિસમાં સામે જઇને પકડાઇ જઇએ. રાત્રે અમે રસ્તાની સાઇડમાં ચાલતા ગયા. થોડે આગળ ગયા ત્યાં એક મોટેલ આવી, મોટેલ એક ગુજરાતીની હતી
ઇન્ડિયન અને એમાંય ગુજરાતી મોટેલ માલિકને અમે અમારી વાત કરી. તેણે અમારી ખૂબ જ સેવા કરી. તેણે અમને ખાવાનું આપ્યું. તેણે અમને આગળ પહોંચાડી શકાય તે માટે ટ્રાય પણ કર્યો. અમને મદદ કરી ત્યારે તેમણે કહ્યું કે, મારે પૈસા નથી જોઇતા. પહેલા જઇને કમાઓ પછી પાછા આપજો. અમે એ મોટેલમાં છ દિવસ રોકાયા.
 
એ મોટેલમાં એક મેક્સિકન મહિલા કામ કરે. તે રૂમ સર્વિસનું કામ કરે આથી સાફ સફાઇના તેને રૂપિયા મળે, પરંતુ અમે દરેક વખતે રૂમ સર્વિસની ના પાડતા. છ દિવસ દરમિયાન અમારું આગળ જવાનું કંઇ ઠેકાણું પડતું ન હતું, અમારી દાઢી ને વાળ વધેલા હતા ને પેલી મેક્સિકન બાઇ અમને જોઇ ગઇ હતી. તે દિવસે ફરીથી તે રૂમ સર્વિસ માટે આવી પણ અમે ના પાડી. અમારો દેખાવ જોઇને તેને લાગ્યું આ લોકો ગુંડાઓ હશે આથી તેણે ગુસ્સે થઇને પોલિસને જ ફોન કરી દીધો. થોડી જ વારમાં પોલિસ આવી ગઇને અમારા રૂમની તપાસ થવા લાગી કે કોઇ હથિયાર કે ડ્રગ્સ તો નથી ને.
 
પોલિસ અમને પકડીને ટેક્સાસ જેલ લઇ ગઇ. ત્યાં અમને છ-સાત દિવસ રાખ્યા મારી ફાઇલ બની. પછી અમને ટેક્સાસથી ન્યૂજર્સી પ્લેનમાં લઇ ગયા. ન્યૂજર્સીમાં અમારી નવી ફાઇલ બની. અહીંયા બીજા 12-14 દિવસ અલગ અલગ પ્રોસિજર ચાલી. અમારા ઇન્ટરવ્યૂ થયા અમને જેલમાં પૂરવામાં આવ્યા.  
 
પટેલની પરાકાષ્ઠાઃ ભૂખ, થાક ને મોતને હંફાવી વિઝા વગર પહોંચ્યો અમેરિકાભારતમાંથી અમે જ્યારે અમેરિકા આવવા નીકળ્યા ત્યારે એજન્ટે અમને શીખવ્યું હતું કે, અમેરિકામાં આવી રીતે પકડાઇ જાવ ત્યારે તમારે વાર્તા બનાવી નાંખવાની ને કહેવાનું કે અમારા પર જીવલેણ હુમલો થયો છે આથી અમે બધુ છોડીને અહીંયા આવી ગયો છું.
અમને પોલિસે પૂછ્યું કે, મને કેવી રીતે ખબર પડી આવી રીતે અહીંયા અવાય છે? મેં કહ્યું કે, જ્યારે મારા પર જીવલેણ હુમલો થયો ત્યારે હું ભાગીને દિલ્હી ગયો. દિલ્હીથી હું રોજ ગામમાં ફોન કરું, પરંતુ લોકો કહેતા કે અહીં તો આવતો જ નહીં. અહીં આવીશ તો જીવતો નહીં રેહ એના કરતાં અમેરિકા જા. આથી મેં દુબઇથી જેલ સુધીની વાત તેમને કહી ને પછી કહ્યું રાખવા હોય કે ના રાખવા હોય તમારી ઇચ્છા.
 
બાદમાં ફરીથી બે ઇન્ટરવ્યૂ થયા, એમને મારી વાત કદાચ ગળે ઉતરી ને મને ઇન્ટરવ્યૂમાં પાસ કર્યો. અમારે 4000 ડોલરના બોન્ડ ભરવાના હતા, જે મારા એજન્ટ થકી અહીંયા ભરાયા. લગભગ 22 દિવસ કસ્ટડીમાં રાખ્યા પછી કહ્યું કે, તમે કેસ ચાલું જ રાખજો, પછી જરૂર જણાશે તો તમને વર્ક પરમિટ પણ આપીશું.
પરેશભાઇએ ગેરકાયદે યુએસ આવતા લોકોની ક્લિયર એન્ટ્રી અંગે જણાવે છે કે, અમને પોલિસે પકડી લીધા એટલે અમારી એન્ટ્રી ક્લિયર ન થઇ. વાસ્તવમાં અમે જે મોટેલથી પકડાયા તેની થોડેક દૂર અમેરિકાનું ઓફિશિયલ પ્રવેશદ્વાર આવે. એને પાર કરો પછી જ અમેરિકામાં જઇ શકાય. આથી ગેરકાયદે એન્ટ્રી કરતાં લોકોએ એ પ્રવેશદ્વારને ટપી જવું પડે, અને તે માટે ઓછામાં ઓછા ચાર દિ દિવસ-રાત જંગલમાં ચાલવું પડે.
 
એ જંગલનો ત્રાસ એ કે તેમાં અત્યંત તીક્ષ્ણ કાંટાઓ હોય એટલે ત્યાંથી નીકળે એટલે હાથ-પગ કે મોં છોલાયા વિના રહે નહીં. ત્યાંથી જંગલમાંથી સતત ચાર દિવસ ચાલીને એક રોડ સુધી પહોંચવાનું હોય. જો ત્યાં સફળતાપૂર્વક પહોંચી જાવ એટલે મોટેભાગે ત્યાં કોઇને કોઇ ગાડી ઊભી હોય તેમાં પાછળ સંતાઇને અમેરિકામાં ગાયબ થઇ જવાનું. જો તમે આટલું કરવામાં સફળ રહો તો અમેરિકામાં તમારી એન્ટ્રી ક્લિયર ગણાય, પણ અમે તો અગાઉ જ પોલિસના હાથે ઝડપાયા હતા એટલે અમારી એન્ટ્રી ક્લિયર ન હતી. અમારી પણ આવી રીતે ચાર દિવસ ચાલવાની તૈયારી હતી, પરંતુ પોલિસને કારણે અમારે તેમાંથી પસાર થવાની જરૂર ન પડી.
પરેશભાઇ પોતાના રોકાણ અંગે જણાવે છે કે, મેં ગેરકાયદે અમેરિકા આવવા માટે એજન્ટને 32 લાખ રૂ. આપ્યા હતા. જો કે, આ તમામ રકમ અહીંયા પહોંચ્યા પછી અમે ઘરે ફોન કર્યો બાદના એક મહિનામાં આપવાની હોય. બાકી અહીંયા સુધી પહોંચડાવામાં જેટલો પણ ખર્ચ થયો તે તમામ એજન્ટે જ ભોગવ્યો હતો.
 
પરેશભાઇને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા ને ચોક્કસ સમય માટે રહેવાની છૂટ આપવામાં આવી ને કહેવામાં આવ્યું કેસ ચાલુ રાખજો. તે કહે છે કે, મેં તો કેસ બંધ કરી દીધો છે. કેમ કે, કેસ ચાલુ રાખીએ તો આ લોકો ટાઇમપૂરો થાય એટલે ડિપોર્ટ જ કરે ને ઘરભેગા કરે તો 32 લાખ માથે પડે.
પરેશભાઇને વર્ક પરમિટ નથી, પરંતુ તેમ છતાં તેઓ એક મોટેલમાં કામ કરી રહ્યા છે. તે કહે છે કે, અહીં ગેરકાયદે આવેલા છોકરાઓની ડિમાન્ડ ઊંચી છે, મોટેલ અને સ્ટોર માલિકોને હંમેશા આવા બે નંબરના રસ્તે અમેરિકા આવેલા છોકરાઓ જ જોઇતા હોય છે.
 
પરેશભાઇ ને તેમના જેવા લાખો લોકો જે ગેરકાયદે અમેરિકામાં રહે છે ને કામ કરે છે, તેમણે માત્ર એક જ મુખ્ય વસ્તુનુ ધ્યાન રાખવાનું હોય છે, જેમાં તેમણે કોઇ ગુનો ન થાય તેની ખાસ સાવચેતી રાખવાની હોય છે. કારણ કે, કોઇ ગુનો કરો તો પોલિસ પકડે ને કોઇ જ કાગળીયા ન હોવાથી સીધા ઘરભેગા કરવામાં આવે, પરંતુ જો કોઇ ગુનો ન કરો તો પોલિસ તમને અડે પણ નહીં ને ભાગ્યશાળી હો તો તમે છુપાઇને વર્ષો સુધી કામ કરી શકો.
 
 
 

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports