Translate

Thursday, October 30, 2014

હવાલાકાંડમાં EDએ 7 વેપારીઓ સામે ચાર્જશીટ ફાઇલ કરી

દેશના સૌથી મોટા રૂ.5,500 કરોડના હવાલાકાંડમાં બુધવારે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ઇડી)એ રિદ્ધિસિદ્ધિ બુલિયન સાથે સંકળાયેલા રાકેશ કોઠારી ઉપરાંત મુંબઈ અને અમદાવાદના સાત વેપારીઓ તથા બે કંપનીઓ વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરી હતી.

આ તમામ સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ તપાસ હાથ ધરાશે. રૂ.5,500 કરોડના હવાલાકાંડમાંથી રૂ.750 કરોડ તો માત્ર રાકેશ કોઠારીએ જ વિદેશમાં મોકલ્યા હોવાની વિગતો પણ તપાસ દરમિયાન ખૂલી છે.

મની લોન્ડરિંગની પ્રવૃત્તિમાં સંકળાયેલી અમદાવાદની એડ્વાન્સ ફિનસ્ટોક પ્રા લિ અને જલારામ ફિનવેસ્ટ લિમિટેડને પણ સમન્સ પાઠવ્યા છે અને અમદાવાદ-મુંબઈની અન્ય સાત વ્યક્તિઓ સામે બિનજામીનપાત્ર વોરન્ટ ઇશ્યૂ કર્યું છે. આ યાદીમાં એડ્વાન્સ ફિનસ્ટોકના ડિરેક્ટર કારુલ શાહ અને જલારામ ફિનવેસ્ટના પંકજ ઠક્કરનો પણ સમાવેશ થાય છે. આગામી દિવસમાં હવાલાકાંડમાં વધુ વેપારીઓ અને કંપની માલિકોની ધરપકડ થવાની શક્યતા છે.

રાકેશ કોઠારીએ તેમના નિવેદનમાં જણાવ્યું છે કે રિદ્ધિસિદ્ધિ બુલિયનના સર્વેસર્વા પૃથ્વીરાજ કોઠારી જ તેને હવાલામાં વિદેશ પૈસા મોકલવા માટે પૈસા પૂરા પાડતો હતો. અત્યાર સુધી હવાલાકાંડમાં રાકેશ કોઠારી અને તેના ભાઈ રાજુ કોઠારીનું જ નામ બોલાતું હતું. રાકેશ કોઠારી મુંબઈમાંથી આ પૈસા સુરત મોકલતો હતો જ્યારે રાકેશનો ભાઈ રાજુ કોઠારી દુબઈમાં હવાલાનો કારોબાર સંભાળતો હતો. પરંતુ રાકેશ કોઠારીના સ્ટેટમેન્ટ બાદ રિદ્ધિસિદ્ધિ બુલિયનના વડા પૃથ્વીરાજ કોઠારીનું નામ પણ હવાલાકાંડમાં સંડોવાયું છે.

પૃથ્વીરાજ કોઠારીએ રાકેશ કોઠારીને આપેલાં નાણાંનો મોટો હિસ્સો મદનલાલ જૈન અને અફરોઝ ફટ્ટાને મોકલાતો હતો. આ ઉપરાંત કોઠારી પ્રવીણ જૈન, હિતેશ હસ્તીમલ જૈન અને શૈલેશ જૈન વગેરેને પણ રૂપિયા મોકલતો હતો. મદનલાલ જૈન અને ફટ્ટા તેમજ જૈન દ્વારા આ રકમ ઉમેશ ચંદ્ર, એસ બાબુલાલ, જયંતી અંબા, ગુજરાત આંગડિયા જેવી આંગડિયા પેઢી દ્વારા આગળ મોકલવામાં આવતી હતી.

આ આંગડિયા પેઢી આ નાણાં પ્રફુલ્લ પટેલ તેમજ બિલાલ હારુન ગિલાનીને પહોંચાડતી હતી. પટેલ અને ગિલાની સુરત, અમદાવાદ, મુંબઈ અને દિલ્હીના ચેક ડિસ્કાઉન્ટર મારફતે પૃથ્વીરાજ કોઠારીનું કાળું નાણું ઓફિશિયલ ચેનલમાં ઘુસાડતા હતા. ત્યાર બાદ ચેક ડિસ્કાઉન્ટર આ રકમ ફટ્ટા અને જૈન દ્વારા ઊભી કરાયેલી વંદના એન્ડ કંપની, આરઝુ એન્ટરપ્રાઇઝ, જીટી ટ્રેડર્સ જેવી કંપનીઓમાં ટ્રાન્સફર કરતા હતા. આ કંપનીઓ અંતે પૃથ્વીરાજ કોઠારીના રૂપિયા હોંગકોંગ અને દુબઈ સ્થિત રાજેશ કોઠારી અને તેના લાગતાવળગતાઓની કંપનીઓમાં ટ્રાન્સફર કરતી હતી.

પૃથ્વીરાજ કોઠારી પર બે વર્ષ અગાઉ મુંબઈના આવકવેરા ખાતાના દરોડા પણ પડ્યા હતા. ઇડીએ તપાસ શરૂ કરતાં મુંબઈના આઇટી વિભાગે પણ કોઠારીનાં દુબઈનાં રોકાણો વિષે ફરી તપાસ હાથ ધરી છે. વર્ષ ૨૦૧૩ના દરોડા દરમિયાન કોઠારી પાસેથી તેનાં રોકાણોની એક ડાયરી મળી આવી હતી. આ ડાયરીમાં લખેલી તમામ એન્ટ્રીઓની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports