Translate

BSE-NSE Ticker

Friday, September 26, 2014

રોકાણ કરો, નાણાં નહીં ડૂબે તેની ગેરંટી મારી: મોદી

નવી દિલ્હી:સુપ્રીમ કોર્ટે 204 કોલ બ્લોક રદ કર્યાના બીજા જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થાનિક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં રોકાણ ખેંચી લાવવા માટે ઉદ્યોગજગતને આગ્રહ કર્યો હતો. તેમણે 'મેક ઇન ઇન્ડિયા' અભિયાન શરૂ કર્યું છે જેમાં ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની યોજના છે. તેમણે ઉદ્યોગોને ખાતરી આપી હતી કે ભારતમાં તેમનું રોકાણ સલામત રહેશે.

વડાપ્રધાને રોકાણકારોને ત્રણ ડી - ડેમોક્રેસી, ડેમોગ્રાફી અને ડિમાન્ડ ઓફર કર્યા હતા. અમેરિકા જવા રવાના થતાં પહેલાં વિજ્ઞાન ભવનમાં તેમણે સંબોધન કર્યું હતું અને રોકાણકારોને કહ્યું કે આવી અદ્‌ભુત તક ફરી નહીં મળે.

તેમણે કહ્યું, "રોકાણકારોનો ભરોસો જીતવા માટે રોકાણની સુરક્ષા અને નીતિમાં સાતત્ય અનિવાર્ય છે. તમારાં નાણાં નહીં ડૂબે. આ અમારી ખાતરી છે. મારી આખી ટીમ, સમગ્ર બ્યૂરોક્રસી આ માટે કામ કરશે."

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી, ટાટા ગ્રૂપના વડા સાઇરસ મિસ્ત્રી, વિપ્રોના અઝીમ પ્રેમજી, આદિત્ય બિરલા ગ્રૂપના વડા કુમાર મંગલમ્ બિરલા અને મારુતિ સુઝુકીના એમડી કેનિચી અયુકાવાએ વડાપ્રધાનની પહેલને આવકારી હતી અને પોતાના તરફથી શક્ય એટલું કરવાનું વચન આપ્યું હતું.

અંબાણીએ રાષ્ટ્રીય માર્કેટ રચવા માટે જીએસટી લાગુ કરવાની તરફેણ કરી હતી. તેમણે કહ્યું કે તેમની કંપની 12-15 મહિનામાં 1.8 લાખ કરોડનું રોકાણ કરશે જેનાથી 1.25 લાખ રોજગારી પેદા થશે. મિસ્ત્રીએ કહ્યું કે કેટલાક પડકારોનો ઉકેલ આવે તો મેન્યુફેક્ચરિંગમાં ભારત પ્રગતિ કરી શકે છે. તેમાં દેશભરમાં સ્થિર નીતિઓ સાથે મજબૂત ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્પર્ધાત્મક ડ્યૂટી અને ટેક્સ માળખું, કાર્યક્ષમ અને સમયમર્યાદામાં કામ કરતું વહીવટીતંત્ર, વિશ્વસનીય ઊર્જા સ્રોત અને લોજિસ્ટિક્સની સુવિધા જરૂરી છે.

રાજ્યકક્ષાના વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી (સ્વતંત્ર હવાલો) નિર્મલા સીતારામને ઉદ્યોગજગતને રેડ કાર્પેટથી આવકારવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે, "અમે લાઇસન્સમુક્તિ, નિયમનમુક્તિ અને ધરમૂળથી પરિવર્તન લાવવા માટે કટિબદ્ધ છીએ.

અમે ખુલ્લું મન ધરાવીએ છીએ.મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા કામદાર કાયદા સુધારાશે અને કામના કલાકોમાં ફેરફાર કરી શકાશે. અત્યારે ભારતના જીડીપીમાં મેન્યુફેક્ચરિંગનો હિસ્સો 15 ટકા છે અને ઘણા સમયથી તે નથી વધી રહ્યો. તેના કારણે રોજગારી સ્થિર થઈ ગઈ છે અને ખાધ વધી છે.

મેન્યુફેક્ચરિંગમાં નબળા દેખાવના કારણે ગયા વર્ષે વૃદ્ધિદર સળંગ બીજા વર્ષ માટે પાંચ ટકાથી નીચે રહ્યો હતો. 2013-'14માં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં 0.7 ટકા ઘટાડો થયો હતો. નવી સરકાર સીબીઆઇથી ખુશ નથી તેવા પણ સંકેત સાંપડ્યા છે. મોદીએ કહ્યું કે, બિઝનેસ સમુદાયે તેનો વિશ્વાસ ગુમાવ્યો છે. તેમને બીક છે કે સરકાર ગમે ત્યારે નીતિ બદલશે, સીબીઆઇ ગમે ત્યારે ત્રાટકશે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports