Translate

Thursday, September 25, 2014

સુપ્રીમના આદેશથી મેટલ કંપનીઓને મરણતોલ ફટકો

કોલ બ્લોક્સની ફા‌ળવણી રદ કરતા સુપ્રીમ કોર્ટના આદેશથી મેટલ કંપનીઓને જોરદાર ફટકો લાગ્યો છે. જે 214 બ્લોકની ફાળવણી રદ કરવામાં આવી છે તેમાંથી વીજ કંપનીઓના જ 95 બ્લોક્સ (44 ટકા) છે જ્યારે સ્ટીલ કંપનીના બ્લોક્સની સંખ્યા 69 (31 ટકા) છે.

સુપ્રીમ કોર્ટે રિલાયન્સ પાવર દ્વારા સંચાલિત બે બ્લોક્સ, સરકારી કંપની NTPC અને સેઇલ દ્વારા સંચાલિત એક-એક બ્લોકને બાકાત રાખ્યા છે કારણ કે આ ત્રણેય કંપનીઓના બ્લોક્સ અલ્ટ્રા-મેગા પાવર પ્રોજેક્ટ્સ (UMPP) સાથે સંકળાયેલા હોવાથી તેને રાહત આપવામાં આવી છે.

સુપ્રીમના આદેશથી જિન્દાલ સ્ટીલ એન્ડ પાવર લિ (JSPL)ને કદાચ સૌથી વધુ અસર પહોંચશે કારણ કે, તેનું તમામ ઉત્પાદન (1.2 કરોડ ટન) 1993 પછી ફાળવવામાં આવેલા કોલ બ્લોક્સમાંથી જ થાય છે.

ઉદ્યોગના અંદાજ પ્રમાણે, કંપનીનો કોલ ખર્ચ પ્રતિ ટન રૂ.1,700 જેટલો વધી જશે કારણ કે, કેપ્ટિવ કોલનો પ્રતિ ટન ખર્ચ રૂ.800 છે જ્યારે ઇ-હરાજીમાં તે રૂ.૨,૫૦૦માં પડે છે. JSPLની મોટી ખાણોને અસર પહોંચી છે જેમાં 60 લાખ ટન ઉત્પાદન અને 12.4 કરોડ ટનનો ભંડાર ધરાવતી 1996માં છત્તીસગઢમાં ફાળવવામાં આવેલી ગેર પાલ્મા-IV-1 અને 24.6 કરોડ ટન ભંડાર અને 63 લાખ ટન ઉત્પાદન ધરાવતી જુલાઈ 1998માં ફાળવાયેલી ગેર પાલ્મા IV-2&3નો સમાવેશ થાય છે.

ઉપરાંત, જુલાઈ 2003માં ઓડિશામાં ફાળવાયેલા ઉત્કલ B1 બ્લોકને ગંભીર અસર પહોંચશે જેમાં 22.8 કરોડ ટનનો ભંડાર છે અને આ ખાણ ઓપરેશન ન હોવાથી JSPLને ઓડિશામાં અંગુલ ખાતેના તેના મહત્ત્વાકાંક્ષી સ્ટીલ અને પાવર પ્રોજેક્ટમાંથી નફો રળવા માટે સસ્તામાં કોલસો મેળવવાની જરૂર છે. કંપનીએ અંગુલ પ્રોજેક્ટમાં રૂ.30,000 કરોડ ખર્ચી દીધા છે.

સુપ્રીમના આદેશ અંગે JSPLએ હજુ ટિપ્પણી આપી નથી. સિટીગ્રૂપના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, "તમામ ખાણ કંપનીઓએ અત્યાર સુધીમાં ઉત્પન્ન થયેલા તમામ કોલસા પર પ્રતિ ટન રૂ.295નો દંડ ચૂકવવો પડશે. JSPLને આ આદેશનું પાલન કરવામાં રૂ.20-30 અબજ ચૂકવવા પડશે."

સુપ્રીમના આદેશથી હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝને પણ ગંભીર ફટકો પહોંચશે. નવેમ્બર 2005માં હિન્દાલ્કોને ફાળવાયેલા તાલાબિરા-II કોલ બ્લોકમાંથી આદિત્ય એલ્યુમિનિયમને કોલસાનો સપ્લાય કરવાની યોજના હતી જ્યારે મધ્યપ્રદેશમાં એપ્રિલ 2006માં ફાળવાયેલા મહાન બ્લોકમાંથી મહાન એલ્યુમિનિયમને કોલસાનો સપ્લાય આપવાની યોજના હતી. હવે આ બંને બ્લોકની ફાળવણી રદ થઈ ગઈ છે. એમ્કે ગ્લોબલના વિશ્લેષક ગૌતમ ચક્રવર્તીએ કહ્યું હતું કે, "ભાવિ ખૂબ જ ધૂંધળું છે. હિન્દાલ્કોના ખર્ચમાં જંગી વધારો થશે. જ્યાં સુધી સરકાર નવી નીતિ નહીં મૂકે ત્યાં સુધી આ સ્થિતિ જળવાઈ રહેશે. હિન્દાલ્કોને ઓછામાં ઓછા રૂ.550 કરોડનો ફટકો પહોંચશે કારણ કે તેણે તાલાબિરા-I કોલ બ્લોકમાંથી ઉત્પન્ન કરેલા કોલસા માટે દંડ ચૂકવવો પડશે."

હિન્દાલ્કો ચાલુ નાણાકીય વર્ષમાં સ્ટેન્ડઅલોન ધોરણે રૂ.2,054.6 કરોડનો ચોખ્ખો નફો નોંધાવે તેવી અપેક્ષા બ્લૂમબર્ગ દ્વારા થયેલા સરવેમાં વિશ્લેષકોને વ્યક્ત કરી છે, આમ રૂ.550 કરોડના દંડથી હિન્દાલ્કોના નફામાં 25 ટકા જેટલું ગાબડું પડશે.

બુધવારે હિન્દાલ્કોની વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન કુમાર મંગલમ્ બિરલાએ કહ્યું હતું કે, "આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે આ સરકારે કોઈ ને કોઈ યોજના ઘડી જ હશે જેની મને ખાતરી છે. તમે જાણતા જ હશો કે, ઘણી કંપનીઓએ આ ખાણો વિકસાવવા માટે અબજો રૂપિયાનો ખર્ચ કર્યો છે. સરકાર પાસે કોઈ ને કોઈ એક્શન પ્લાન જરૂર હશે અને આગામી દિવસોમાં આપણને તેની ખબર પડી જશે."

સુપ્રીમના આદેશ બાદ સિટીગ્રૂપના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, "JSPL અને હિન્દાલ્કોને મહત્તમ અસર પહોંચશે જ્યારે કોલ ઇન્ડિયા લિ (CIL)ને 2015-16માં ઊંચા ઉત્પાદનથી લાભ થવાની શક્યતા છે. જે બેન્કોએ વીજ કંપનીઓને વધારે લોન આપી છે ખાસ તો સરકારી બેન્કોને પણ અસર પહોંચશે."

નિષ્ણાતો કહે છે કે, જ્યાં સુધી બ્લોક્સની હરાજી નહીં થાય ત્યાં સુધી પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક અને જટિલ બનેલી જ રહેશે. જેમ કે, કંપનીઓએ ઇક્વિપમેન્ટ સપ્લાયર સાથે અનેક કોન્ટ્રાક્ટ્સ કર્યા છે અને માર્ચ ૨૦૧૫ પછી CIL આ સોદાને માન્ય ગણશે કે નહીં તેની સામે પણ સવાલ છે.

સિટીગ્રૂપના જણાવ્યા પ્રમાણે, "કંપનીઓને જવાબ આપવા માટે છ મહિના આપવામાં આવ્યા છે પણ અસરગ્રસ્ત કંપનીઓ રિવ્યૂ પિટિશન કરશે કે નહીં તે નક્કી નથી. જ્યારે CIL આ બધી ખાણો પોતાના કબજામાં લઈ લેશે પછી ઉત્પાદન અને વેચાણ કેવી રીતે કરશે તે પણ અનિશ્ચિત છે. શું CIL આટલી માત્રામાં ઉત્પાદન કરી શકશે કે નહીં તે પણ સૌથી મોટો સવાલ છે.

CIL દ્વારા જો JSPLની ખાણો લઈ લેવામાં આવશે તો શું તે JSPLને જરૂરિયાત પૂરી કરવા માટેનો કોલસો આપી શકશે?"

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Tuesday, Apr 08
23:30 Fed's Daly speech 2
23:30 Fed's Goolsbee speech 2
Wednesday, Apr 09
02:00 API Weekly Crude Oil Stock 1 -1.057M 6.037M
07:30 RBNZ Monetary Policy Statement 3
07:30 RBNZ Interest Rate Decision 3 3.50% 3.50% 3.75%
15:00 FPC Statement 1
15:00 FPC Meeting Minutes 1
16:30 MBA Mortgage Applications 1 -1.6%
17:30 BoE Quarterly Bulletin 1
19:30 Wholesale Inventories 1 0.3% 0.3%
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener