રશિયા વિશ્વમાં સૌથી મોટી એનર્જી રિઝર્વ ધરાવતો દેશ હોવાથી ક્રૂડ તેલ, નૅચરલ ગૅસ, યુરેનિયમના ટ્રેડને અસર થશે : રશિયા-અમેરિકા ટ્રેડ કરતાં રશિયા-યુરોપ ટ્રેડ દસ ગણો મોટો હોવાથી યુરોપિયન દેશોને સૌથી વધુ નુકસાન થશે : રશિયા પેલેડિયમના ઉત્પાદનમાં પહેલો ક્રમ, નિકલના ઉત્પાદનમાં ત્રીજો ક્રમ અને ઘઉંની નિકાસમાં બીજો ક્રમ ધરાવનાર
કૉમોડિટી અર્થકારણ - મયૂર મહેતા
રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તાણની પરાકાષ્ઠારૂપે મલેશિયાનું ૨૯૮ મુસાફરો લઈ જતું પ્લેન તોડી પાડવામાં આવતાં આખી લડાઈ વિશ્વની બે આર્થિક મહાસત્તાઓ વચ્ચે કોલ્ડ વૉરમાં પરિણમી છે. યુક્રેનના પ્રદેશ ક્રિમિયા પર કબજો જમાવ્યા બાદ રશિયા દ્વારા યુક્રેનના બે પ્રદેશો ડોનેસ્ક અને લુહનેસ્ક પર કબજો જમાવવાની લડાઈ લાંબા સમયથી ચાલી રહી છે. ડોનેસ્ક અને લુહનેસ્ક રશિયા સાથે જોડાવા માગે છે એથી આ બે પ્રદેશોમાં વસતા રશિયન સમર્થકો અને યુક્રેન સરકાર વચ્ચે છેલ્લા દોઢ મહિનાથી લડાઈ ચાલી રહી છે. ડોનેસ્ક અને લુહનેસ્કના રશિયન સમર્થકોને રશિયન સરકાર પૂરી મદદ કરી રહી છે. રશિયા દ્વારા છેલ્લા કેટલાક દિવસથી યુક્રેનની બૉર્ડર પર મિલિટરી જમાવડો પણ વધી રહ્યો છે. યુક્રેનમાં વસતા રશિયન સમર્થકોએ છેલ્લા એક સપ્તાહમાં યુક્રેનનાં બે વૉર-પ્લેન મિસાઇલથી તોડી પાડ્યાં હતાં. યુક્રેનનાં વૉર-પ્લેન તોડી પાડીને ઉત્સાહમાં આવી ગયેલા રશિયન સમર્થકોએ યુક્રેનનું વૉર-પ્લેન માનીને મલેશિયન ઍરલાઇન્સનું પૅસેન્જર પ્લેન તોડી પાડ્યું અને આખો મામલો રશિયા-અમેરિકા વચ્ચે કોલ્ડ વૉરમાં પરિણમ્યો.
રશિયાની આર્થિક તાકાત
રશિયાની ઓવરઑલ આર્થિક તાકાત અમેરિકા કરતાં પાંચમા ભાગની છે. વર્લ્ડ બૅન્કના અહેવાલ પ્રમાણે અમેરિકાની ઇકૉનૉમિક સાઇઝ ૧૬,૮૦૦ અબજ ડૉલરની છે એની સામે રશિયાની ઇકૉનૉમિક સાઇઝ ૩૪૬૧ અબજ ડૉલરની છે, પણ એનર્જી રિઝર્વમાં રશિયા વિશ્વમાં સૌથી વધારે સમૃદ્ધ હોવાથી અત્યારે વિશ્વના અનેક દેશો રશિયા પર એનર્જીની આયાત માટે નિર્ભર છે. અમેરિકાના દબાણ હેઠળ યુરોપિયન યુનિયને રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદવા સહમતી આપવી પડી, પણ રશિયા પર આર્થિક પ્રતિબંધથી યુરોપિયન દેશોનું બહુ મોટું આર્થિક નુકસાન થવાનું છે એથી જ યુરોપિયન યુનિયનના નેતાઓએ રશિયા પર આર્થિક પ્રતિબંધ લાદવા અગાઉ ગલ્લાંતલ્લાં કર્યા હતાં. રશિયા-યુરોપ વચ્ચેનો ટ્રેડ અત્યારે રશિયા અને અમેરિકા વચ્ચેના ટ્રેડ કરતાં દસ ગણો વધારે છે. યુરોપ અત્યારે સૌથી વધુ ક્રૂડ તેલ, નૅચરલ ગૅસ, કોલસો અને યુરેનિયમ રશિયાથી આયાત કરે છે અને રશિયાની આ ચારેય એનર્જીની નિકાસ સૌથી વધારે યુરોપિયન દેશોમાં થઈ રહી છે. ૨૦૦૦માં યુરોપિયન યુનિયન અને રશિયા વચ્ચે એનર્જીના ટ્રેડના કરાર થયા બાદ આ બન્ને દેશો વચ્ચેનો એનર્જી ટ્રેડ સતત વધતો રહ્યો હતો. રશિયા અત્યારે અમેરિકા સામે નહોર ભરાવવાની હિંમત માત્ર ને માત્ર એની એનર્જી રિઝર્વને કારણે કરી રહ્યું છે. રશિયા પાસે ૪૦.૭ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલરની એનર્જી રિઝર્વ છે. અમેરિકા કરતાં ૧૨.૨ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલર વધારે છે. રશિયા વિશ્વમાં બીજા ક્રમનું સૌથી મોટું નૅચરલ ગૅસ ઉત્પાદક, ત્રીજા ક્રમનું સૌથી મોટું ક્રૂડ તેલ ઉત્પાદક, બીજા ક્રમનું સૌથી મોટું ક્રૂડ તેલ નિકાસકાર, પેલેડિયમનું સૌથી મોટું ઉત્પાદક અને નિકલનું વિશ્વનું સૌથી મોટું ત્રીજા ક્રમનું ઉત્પાદક છે. એ ઉપરાંત રશિયા વિશ્વમાં બીજા ક્રમનું સૌથી મોટું ઘઉંનું નિકાસકાર અને સનફ્લાવરનું સૌથી મોટું ઉત્પાદક છે.
યુરોપિયન દેશોને નુકસાન
રશિયા પર આર્થિક પ્રતિબંધથી યુરોપિયન દેશો જર્મની, ઇટલી, ફ્રાન્સ, સાયપ્રસ વગેરેને મોટું નુકસાન અત્યારે ઑલરેડી થઈ રહ્યું છે. યુરોપિયન યુનિયન દ્વારા રશિયા પર આર્થિક પ્રતિબંધ લાદવાના પ્રસ્તાવનો ૯ યુરોપિયન દેશોએ વિરોધ કર્યો હતો. જર્મની અને રશિયા વચ્ચે સૌથી વધુ ઇકૉનૉમિક ટ્રેડ રિલેશન છે. જર્મન કંપની મેટ્રો એજીએ રશિયા પર આર્થિક પ્રતિબંધ લદાયા બાદ એના બિઝનેસને અસર થવાની ધારણાએ પબ્લિક ઇશ્યુ લાવવાનું માંડી વાળ્યું હતું. કોકા કોલાને રશિયા પરના આર્થિક પ્રતિબંધ બાદ કૉસ્ટ કટિંગ લાવવું પડ્યું હતું. આ બન્ને જર્મની કંપનીની ચોથા ભાગની રેવન્યુ રશિયામાં તેમના રોકાણમાંથી આવતી હતી. રશિયા પરના પ્રતિબંધથી અનેક યુરોપિયન કંપનીઓને નુકસાન થશે. રશિયા પર આવનારા દિવસોમાં જો પ્રતિબંધની અસર વધશે તો સૌથી મોટી અસર એનર્જી સેક્ટરની નિકાસને થવાની છે. રશિયા ક્રૂડ તેલનું બીજા ક્રમનું નિકાસકાર હોવાથી આવનારા દિવસોમાં ક્રૂડ તેલનો પુરવઠો વિશ્વને ઓછો મળશે જે ક્રૂડ તેલના ભાવને ફરી આસમાની ઊંચાઈએ લઈ જશે. રશિયા વિશ્વનું સૌથી મોટું નૅચરલ ગૅસનું એક્સપોર્ટર છે. યુરોપિયન દેશોની નૅચરલ ગૅસની ૩૦ ટકા જરૂરિયાત રશિયા પૂરી કરે છે. રશિયા પર યુરોપના આર્થિક પ્રતિબંધથી રશિયા દ્વારા નૅચરલ ગૅસની નિકાસ અટકાવાય તો નૅચરલ ગૅસના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે.
ગ્રેઇન-મેટલ ટ્રેડને અસર
સાઉથ આફ્રિકામાં પેલેડિયમ ખાણોમાં પાંચ મહિનાની સ્ટ્રાઇક બાદ પેલેડિયમના ભાવ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સાડાતેર વર્ષની ઊંચાઈએ ચાલી રહ્યા છે. રશિયા પેલેડિયમનું વિશ્વનું સૌથી મોટું ઉત્પાદક છે. રશિયા પર પ્રતિબંધથી પેલેડિયમનો પુરવઠો અટકવાનો ભય ઊભો થતાં આવનારા દિવસોમાં પેલેડિયમના ભાવ પણ આસમાની ઊંચાઈએ પહોંચી શકે છે. નિકલના ઉત્પાદનમાં રશિયાનો ત્રીજો ક્રમ છે. નિકલના સૌથી મોટા ઉત્પાદક ઇન્ડોનેશિયા દ્વારા જાન્યુઆરીથી નિકલની નિકાસ પર પ્રતિબંધ મુકાતાં રશિયાના નિકલ પુરવઠા પર મોટો આધાર છે એથી આવનારા દિવસોમાં રશિયા દ્વારા વિશ્વને નિકલનો પુરવઠો બંધ થાય તો નિકલના ભાવ ફરીથી તેજી તરફ જઈ શકે છે. રશિયા અને અમેરિકા લગભગ એકસરખી કવૉન્ટિટી ઘઉં ઉત્પન્ન કરે છે, પણ રશિયા વિશ્વનું બીજા ક્રમનું ઘઉંનું નિકાસકાર હોવાથી રશિયા પર પ્રતિબંધની વાતને પગલે શિકાગો ઘઉં વાયદામાં ભાવ પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયા હતા. મકાઈના ઉત્પાદન અને નિકાસમાં પણ રશિયાનો નોંધપાત્ર ફાળો હોવાથી મકાઈના ટ્રેડને નુકસાન થઈ શકે છે. રશિયા સનફ્લાવર સીડનું વિશ્વનું સૌથી મોટું ઉત્પાદક હોવાથી તેલ-તેલીબિયાં ટ્રેડને પણ રશિયા પરના પ્રતિબંધથી અસર થઈ શકે છે.
આમ ઓવરઑલ રશિયા પર આર્થિક પ્રતિબંધની અસર મોટે પાયે કૉમોડિટી ટ્રેડ પર થશે. ખાસ કરીને રશિયા અને યુરોપિયન યુનિયન વચ્ચેના એનર્જી ટ્રેડને અસર કરતા ક્રૂડ તેલ, નૅચરલ ગૅસના ભાવ પર મોટી અસર જોવા મળશે.
No comments:
Post a Comment