પોતાના ક્ષેત્રમાં ક્રાઇમનું પ્રમાણ ઓછું છે એવું દર્શાવવા નાલાસોપારાની પોલીસની ગજબ ફૉમ્યુર્લા : તફડંચીનું CCTV કૅમેરાનું ફુટેજ હોવા છતાં ફરિયાદીને હેરાન કર્યો
પ્રીતિ ખુમાણ ઠાકુર
નાલાસોપારા પોલીસ-સ્ટેશનના ક્ષેત્રમાં ક્રાઇમના બનાવો બહુ નથી બનતા એ દેખાડવા પોલીસે એક અનોખી ફૉમ્યુર્લા શોધી કાઢી છે. આ ફૉમ્યુર્લા એ છે કે પોલીસ કેસ નોંધવાનું જ ટાળે છે અને જ્યારે તમે ત્રણથી ચાર વાર પોલીસ-સ્ટેશને જાઓ ત્યારે પોલીસ પોતે બનાવેલા કાયદા પ્રમાણે ફરિયાદ નોંધી લે છે. આ બધું તાજેતરમાં બનેલી એક ઘટનામાંથી બહાર આવ્યું છે જેમાં શૉપમાંથી મોબાઇલ ચોરી થવાના કેસમાં પૂરતા પુરાવા હોવા છતાં પોલીસે ગુમ થયાની ફરિયાદ નોંધીને ફરિયાદીને ભગાડી મૂક્યો હતો.
નાલાસોપારા (ઈસ્ટ)માં કૉસ્મેટિક્સની શૉપ ધરાવતો ૩૦ વર્ષનો ધર્મેન્દ્ર ચૌરસિયા સાથે આ બનાવ બન્યો હતો. ૧૩ જુલાઈએ તે તેની શૉપમાં તેનો મોબાઇલ ચાર્જ કરવા માટે મૂકીને ટૉઇલેટ ગયો હતો. શૉપમાં પાછો આવીને જુએ છે તો મોબાઇલ ગાયબ થઈ ગયો હતો. ધર્મેન્દ્રે આસપાસ બધે જ તપાસ કરી અને તેને અંતે જાણ થઈ કે તેનો મોબાઇલ તો કોઈ લઈને નાસી ગયું છે. મોબાઇલ મોંઘો હોવા ઉપરાંત તેના બધા જ મહત્વના નંબર એમાં હતા એથી તે ચિંતામાં પડી ગયો હતો, પણ શૉપમાં તેણે CCTV કૅમેરા બેસાડ્યા હતા એમાં એક યુવક મોબાઇલ ચોરતો હતો એ કેદ થઈ ગયું હતું. આથી તેને આશા હતી કે તેનો મોબાઇલ મળશે. તે તરત જ નાલાસોપારા પોલીસ-સ્ટેશને પહોંચ્યો, પણ ત્યાં તેની સાથે જેવું વર્તન કરવામાં આવ્યું એ જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો. આ વિશે વધુ માહિતી આપતાં તેણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફુટેજ લઈને હું તરત જ પોલીસ-સ્ટેશન પહોંચી ગયો હતો. ત્યાં મેં એક ઑફિસરને આ વિશે જાણ કરી અને ફુટેજ પણ દેખાડ્યાં હતાં, પણ એમ છતાં તેમણે મને ત્યાંથી જવા કહ્યું અને મારી ફરિયાદ લીધી નહીં. હું ફરી ૧૫ જુલાઈએ પોલીસ-સ્ટેશન ગયો તો ત્યાંથી મારી ફરિયાદને ફાલતુ જેવા શબ્દો કહીને મને ભગાડવામાં આવી રહ્યો હતો. એમ છતાં મેં તેમને ખૂબ વિનંતી કરતાં ત્યાંના એક અધિકારીએ મને એક મેમો આપ્યો હતો જેમાં હું મોબાઇલ રિક્ષામાં ભૂલી ગયો છું અને મને એક નવું સિમ-કાર્ડ આપે એવું લખવામાં આવ્યું હતું. ત્યારે મેં તેમને ફરી જણાવ્યું કે મારી પાસે ફુટેજ છે. એમ છતાં તેમણે મારી ફરિયાદ લીધી નહીં. આથી નાછૂટકે મારે મીડિયા સામે આવવું પડ્યું અને ત્યાર બાદ તેમણે FIR નોંધ્યો હતો.’
આ વિશે નાલાસોપારા પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર રવીન્દ્ર બદગુઝરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ વિશે અમે ગુનો નોંધ્યો છે અને ફુટેજ પણ લીધાં છે. આ સિવાય તેમણે આગળ કંઈ જ બોલવાની ના પાડી દીધી હતી.
નાલાસોપારા ક્ષેત્રમાં વધી રહેલા ક્રાઇમના પ્રમાણને ઓછું કરવા પોલીસનો આ માર્ગ તો ખરેખર અનોખો છે. આવા કેસમાં પોલીસ આવું વર્તન કરે છે તો બીજા કેસમાં શું કરતી હશે એ તો સમજી શકાય એમ છે.
No comments:
Post a Comment