Translate

Saturday, July 12, 2014

મળો મુંબઈના જાસૂસોને બૉબી જાસૂસ

જાસૂસીનું વેરી એક્સાઇટિંગ ફીલ્ડ બૉબી જાસૂસને લીધે ફરી ચર્ચામાં છે ત્યારે મુંબઈના જાસૂસોને મળીને જાણીએ કે આ ફીલ્ડમાં તેઓ કેવી રીતે આવી ગયા અને કેવી દિલધડક દુનિયા હોય છે તેમની


સ્પેશ્યલ સ્ટોરી - પલ્લવી આચાર્ય


હિંમત, ચતુરાઈ, ચોકસાઈ, આત્મસૂઝ, ધગશ, ૨૪ અવર્સ કામ કરવાની તાકાત એ છે આ ફીલ્ડમાં કામ કરવા માટેનું ફસ્ર્ટ ક્વૉલિફિકેશન. ઑફિસમાં બેસીને કામ કરવાવાળા લોકોનું અહીં કોઈ જ કામ નહીં. વહેલી સવારે ઘરેથી નીકળ્યા પછી તમે ક્યારે ઘરે આવો એ નક્કી નથી. એવી જ રીતે અહીંનું ફીલ્ડવર્ક પૂરેપૂરું રિસ્કી પણ છે. પરિવારને તમે સમય આપી શકશો એ બાબત તો આ ફીલ્ડમાં ભૂલી જ જવી પડે. કૉન્ફિડેન્શિયલ એવી જાસૂસીની દુનિયામાં કામ કરી રહેલા મુંબઈના મેલ અને ફીમેલ ડિટેક્ટિવોએ તેઓ આ ફીલ્ડમાં કેવી રીતે આવ્યા ત્યાંથી લઈને પોતાના અનુભવોની ઇન્ટરેસ્ટિંગ વાતો ‘મિડ-ડે’ સાથે શૅર કરી.

સિક્યૉરિટીમાંથી ડિટેક્ટિવ : કીર્તેશ કવિ

ફિલ્મોમાં બતાવે છે એવાં કપડાં પહેરી ડિટેક્ટિવનું કામ ન થઈ શકે, જ્યાં જેવા લોકો રહેતા હોય એવાં કપડાં પહેરવાં પડે. ચડ્ડી-બનિયન પહેરીને પણ રખડવું પડે એવું કહેવું છે ડિટેક્ટિવ કીર્તેશ કવિનું. કીર્તેશ ૨૦ વર્ષથી આ ફીલ્ડમાં છે. ગોરેગામમાં કોસ્મોપૉલિટન નામની ડિટેક્ટિવ એજન્સી ચલાવે છે. ૪૦ વર્ષના કિર્તેશની સિક્યૉરિટી એજન્સી પણ છે. સિક્યૉરિટીનું કામ કરતાં-કરતાં ડિટેક્ટિવ ફીલ્ડમાં આવી ગયા છે. મૂળ જૂનાગઢ નજીકના ઉનાના કીર્તેશનો જન્મ અને ઉછેર મુંબઈમાં છે. કૉર્પોરેટ, પ્રૉપર્ટી, પ્રી-મૅટ્રિમોનિયલ, પોસ્ટ-મૅટ્રિમોનિયલ જેવાં અનેક ફીલ્ડ ઉપરાંત ગવર્નમેન્ટ અને પોલીસનું કામ પણ તેઓ કરે છે. લગ્નવિષયક બાબતમાં પોતાના પરિવારની એક દીકરી સાથે થયેલી એક ઘટના પછીથી કીર્તેશ લગ્નને લગતા કેસ સબસિડાઇઝ્ડ રેટમાં કરી આપે છે.

ફિલ્મમાં ડિટેક્ટિવની જે દુનિયા બતાવાય છે એનાથી અસલી દુનિયા બહુ જુદી છે અને જાસૂસ કદી પોતાની આઇડેન્ટિટી ન આપે એની વાત કરતાં તેઓ કહે છે, ‘કાળો કોટ અને હૅટ પહેરીને તમે ડિટેક્ટિવનું કામ ન કરી શકો. પોલીસનો એક કેસ ઉકેલવા હું નાયગાંવ ગયો હતો. ત્યાં જેવા લોકો હોય એવા જ થઈને તમારે જવું પડે. ચડ્ડી-બનિયન પહેરીને હાથમાં ડબલું અને મોઢામાં દાતણ નાખી તેમની સાથે ચાલવું પડે. એ પણ કર્યું છે.’

તેથી જ તો પોલીસથી ન ઊકલ્યા હોય એવા કેટલાક કેસ તેમણે ઉકેલી દીધા છે. કીર્તેશનું કહેવું છે કે હવે અનેક જાતનાં ગૅજેટ્સ હોવાથી કામ કરવામાં સરળતા રહે છે. કૉર્પોરેટ કંપનીઓનું કામ હોય ત્યારે ગૅજેટ્સની વધુ જરૂર પડે. ઉપરાંત જરૂર પડે તો કંપનીના લોકો સાથે કામે પણ લાગવું પડે છે. સતર્કતા, નીડરતા, સાઇકોલૉજીનું જ્ઞાન અને ચપળતા જેવા ગુણો ડિટેક્ટિવ બનવા માટે જરૂરી છે એવું કીર્તેશનું કહેવું છે.

ઘરમાંથી કદી બહાર નહોતી નીકળી : કંચન વર્મા

ડિટેક્ટિવ નામ સાંભળતાં મનમાં ભય અને શંકા પેદા થાય, પણ એ યુનિવર્સલ ડિટેક્ટિવ એજન્સીની સેક્રેટરી લેડી ડિટેક્ટિવ કંચન વર્માને મળીને કડડડભૂસ થઈ જાય. ફોર્ટ વિસ્તારમાં આવેલી નાનકડી ઑફિસમાં વાતની શરૂઆત કરતાં ૩૧ વર્ષની કંચન મગનલાલ વર્મા કહે છે, ‘હું ઘરની બહાર જ નહોતી નીકળતી એથી મારા પેરન્ટ્સને હતું કે કોઈ જૉબ કરું તો ઍટ લીસ્ટ ઘરની બહાર નીકળતી તો થાઉં.’

ઉદયપુરની રાજપૂત કંચન મુંબઈમાં જ જન્મીને ઊછરી છે અને ડોમ્બિવલીમાં રહે છે. હિન્દી મિડિયમમાં ટ્વેલ્થ સુધી ભણીને કંચન ઘરે જ હતી. દીકરી ઘરની બહાર જતી થાય એ માટે જૉબ કરવાનું કહેતા તેના પેરન્ટ્સને થોડી ખબર હતી કે આ છોકરી હોનહાર ડિટેક્ટિવ બની જશે. જૉબ પર જતી હતી ત્યારે ભૂલી પડેલી આ છોકરી હવે ભલભલાને ગમે ત્યાંથી ખોળી કાઢે છે. હજારથી વધુ કેસ પર તેણે કામ કર્યું છે.

ટ્વેલ્થ પાસ ભલે રહી, પણ કંચનને ટેલિફોન-ઑપરેટર કે રિસેપ્શનિસ્ટ જેવી કૉમન જૉબ નહોતી કરવી, ફીલ્ડવર્ક કરવું હતું એથી એક માર્કેટિંગ કંપની સાથે જોડાઈ. ચારેક મહિના પછી તેની મુલાકાત આ કંપનીમાં આવતા ડિટેક્ટિવ રાજેશ કુકરેજા સાથે થઈ. કંચનને જૉબમાં મજા નહોતી આવી રહી એથી તેણે રાજેશ કુકરેજાને કહ્યું કે સર, કોઈ જૉબ હોય તો કહેજો. તેને ખબર નહોતી કે તે ડિટેક્ટિવ છે. રાજેશે તેને કહ્યું કે ફીલ્ડવર્ક કરવું પડશે અને તું જે કરે છે એવું નથી. કંચનને તો આ ગમતું જ હતું. કંચન કહે છે, ‘પથ્થરને પાસા પડે પછી એ હીરો બને એમ અહીંની ટ્રેઇનિંગે મારી સ્કિલને ડિટેક્ટિવનો ઘાટ આપ્યો. પુરુષ સાથે વાત પણ કરતાં ડરતી હું પછી કૉન્ફિડન્ટ અને નીડર બની.’

કંચનના ઘરે તો પહેલાં કોઈને ખબર જ નહોતી કે તે ડિટેક્ટિવ તરીકે કામ કરે છે. ઇન ફૅક્ટ ડિટેક્ટિવ એટલે શું એની પણ ખબર નહોતી. એક વાર સળંગ પાંચ દિવસ ઘરે જવામાં બહુ મોડું થઈ ગયું એથી પેરન્ટ્સ ખિજાયા. યુવાન દીકરીની ચિંતા થાય એ સ્વાભાવિક છે અને એમાંય આ તો કન્ઝર્વેટિવ મારવાડી પરિવાર. પાડોશીઓ કંચનની મમ્મીને મહેણાં મારવા લાગ્યા કે દીકરી એવી તે કઈ જૉબ કરે છે. શકની નજરે સૌ જોવા લાગ્યા. આ લોકોને કારણે જ કંચને તેના પેરન્ટ્સને ભરોસો આપ્યો હતો. છતાં તેમનો ભરોસો ડગી જતો અને તેને ખરુંખોટું કહેવા લાગતા. લોકોની વાતો તેના પેરન્ટ્સને બહુ હર્ટ કરતી એને લઈને તેઓ કંચનને હર્ટ થાય એવું બોલવા લાગ્યા. કંચને તેમને ઘણી વાર કહ્યું કે હું સામાન્ય જૉબ નહીં કરી શકું, મારે લગ્ન પણ નથી કરવાં. પણ વળી પાછું કોઈ સંબંધી આવી જાય ને ચડાવી જાય. છોકરી રાતે મોડી ઘરે આવે છે ને બહાર પણ જાય છે એવી વાત છેક ગામ સુધી પહોંચી એથી તેના પિતાને બહુ નીચાજોણું થયેલું. કંચનને લગ્ન નહોતાં કરવાં, પણ તેની નાની બહેન અને ભાઈનાં લગ્નમાં પ્રૉબ્લેમ થશે એની પણ તેમને ચિંતા હતી. એક સમયે કંચન પણ ફ્રસ્ટ્રેટ થઈ ગઈ કે ઘર અને કામમાં બૅલૅન્સ નથી કરી શકાતું. તેને થતું કે કામનો સંતોષ મળે છે, પણ પરિવારથી દૂર થઈ જઈશ. ધીમે-ધીમે ઘરના તેના કામથી ટેવાતા ગયા. કંચન કહે છે, ‘આજે મારા પિતા ગામમાં જાય તો મારા કામ માટે પ્રાઉડ ફીલ કરે છે.

મેક-અપ કરીને કે હીલવાળી ચંપલ પહેરીને અહીં કામ ન થઈ શકે. ભાગવું પડે, ડર ન ચાલે, મોડી રાતે પણ કામ કરવું પડે, પકડાઈ જવાનું રિસ્ક હંમેશાં માથે હોય, આ કામ ખાવાના ખેલ નથી.’

કંચન જે એજન્સીમાં કામ કરી રહી છે એમાં ૧૪ જણની ટીમ છે, જેમાં ત્રણ મહિલાઓ છે. આ ફીલ્ડમાં યુવાન છોકરીઓ જ કામ કરી શકે એવું કંચનનું માનવું છે.

‘બૉબી જાસૂસ’ની જેમ કંચને બહુ વેશપલટા પણ કર્યા છે. ચળકતાં સ્લીવલેસ કપડાં અને ડાર્ક લિપસ્ટિક લગાવી ફરાર બારગર્લને તેણે પકડી હતી. એક શખ્સના મહત્વના દસ્તાવેજ લઈને ભાગી ગયેલી બજારુ યુવતીને પકડાવવા રેડલાઇટ એરિયામાં પણ ગઈ હતી. એક ઑફિસરને પકડાવવા તેના ઘરે રસોઈ કરી, ઝાડુ-પોતાં અને વાસણ ઘસવાનું કામ પણ કર્યું છે, ૮૦ની સ્પીડે જતી બાઇક પર વિડિયો-શૂટિંગ કર્યું છે. ટીમના મેમ્બર સાથે ક્યાંક હસબન્ડ-વાઇફ બનીને ગયાં છે તો ક્યાંક સર્વેયર બની છે. કંચન કહે છે, ‘દરેક કેસમાં સેમ પૅટર્ન પર કામ ન થાય, અલગ પૅટર્ન હોય. હવે ઇલેક્ટ્રૉનિક ગૅજેટ્સ વધ્યાં છે એથી કામમાં સરળતા છે; પણ એની સામે કામ વધુ ટફ બન્યું છે, કારણ કે હવે લોકો સજાગ વધુ છે એટલે જલદી બોલતા નથી એથી વાત કઢાવતાં વાર લાગે.’

ડિફરન્ટ લાઇફ જીવવી છે : રાજુ પટેલ

ઘરમાં સૂતા હોઈએ ને પંખો ઉપર પડે તો પણ મરી જઈએ. મને મરવાનો તો જરાય ડર નથી, હું ભગવાનનો ડર રાખીને કામ કરું છું એવું કહેતા ડિટેક્ટિવ રાજુ પટેલ ૧૨ વર્ષથી મુંબઈમાં ડિટેક્ટિવ તરીકે કામ કરે છે. શરૂઆતમાં તેમણે ઇન્ડિવિજ્યુઅલી કેટલાક કેસ લઈને કામ ચાલુ કયુંર્, પણ હવે તે મૅગ્નમ ડિટેક્ટિવ પ્રાઇવેટ લિમિટેડ સાથે કામ કરે છે. ૩૯ વર્ષના રાજુભાઈ મહેસાણાના લેઉવા પટેલ છે, પણ જન્મ અને ઉછેર અમદાવાદમાં થયો; કારણ કે ત્યાં તેમના પિતાનું ટ્રેડિંગ હાઉસ હતું. ફાધરના બિઝનેસમાં રાજુને ઇન્ટરેસ્ટ નહોતો તેથી તેમણે થોડો સમય એક કમ્યુનિકેશન કંપનીમાં સેલ્સમાં કામ કર્યું. પણ એમાંય મજા નહોતી આવી રહી એની વાત કરતાં તે કહે છે, ‘મને ચૅલેન્જિંગ અને ડિફરન્ટ કામ કરવું હતું અને મુંબઈમાં કામ કરવું હતું. એથી હું મુંબઈ આવ્યો. બચપણથી જ મને સત્યને જાણવાની ધગશ બહુ હતી. એથી સ્કૂલમાં પણ કોઈનાં લવ-અફેર્સ હોય, ફ્રેન્ડ્સમાં થતી કોઈ વાતો હોય તો મને એમાં સત્ય જાણવું બહુ ગમતું. હું એમાં બહુ રસ લેતો.’

મુંબઈ આવીને બે-ત્રણ મહિના કંઈ કામ ન કર્યું એથી ઘરેથી લાવેલા પૈસા પતી ગયા. હવે? પોતાના પૅશનને લઈને તેમણે નાના કેસમાં ડિટેક્ટિવ તરીકે કામ ચાલુ કર્યું. પછી તો કામ મળતું ગયું ને કામમાં ફાવટ પણ આવતી ગઈ. આ ફીલ્ડમાં આવ્યા પછી તેમણે લગ્ન કર્યા. તેમને એક દીકરો પણ છે. આ કામમાં જાનનું જોખમ પણ કોઈ વાર રહે એની વાત કરતાં તે કહે છે, ‘આ ચૅલેન્જિંગ કામ કરવા માટે સ્ટ્રૉન્ગ થવું પડે. એક વાર માંડ જીવતા બચ્યા એવો અટૅક પણ થયો હતો. આ એવું કામ છે જ્યાં લોકોની સોચ ખતમ થાય ત્યાંથી અમારી સોચ ચાલુ થાય.’

પોલીસ ઇન્ફૉર્મરમાંથી જાસૂસ : ડી. એમ. સરોજ

બાવીસ વર્ષથી ડિટેક્ટિવ તરીકે કામ કરી રહેલા ડી. એમ. સરોજનો આ ફીલ્ડમાં આવવાનો કોઈ જ પ્લૅન નહોતો એની વાત કરતાં તે કહે છે, ‘કામમાં લોકો જ એવા મળ્યા કે હું આ ફીલ્ડમાં આવી ગયો. પહેલાં હું પોલીસના ઇન્ફૉર્મર જેવું પોલીસને બાતમી આપવાનું કામ કરતો હતો એટલું જ નહીં, મિત્રોના કેટલાક કેસ મેં મારી રીતે સૉલ્વ કર્યા એથી તેમને સારું લાગ્યું અને મને પણ કૉન્ફિડન્સ આવી ગયો.’ 

પેરન્ટે ના ન પાડી? સરોજ કહે છે, ‘પેટમાં ભૂખ હોય ત્યારે તમે આ ખાવાનું રોડનું છે એ જુઓ છો? કામ કંઈ નહોતું તેથી કોણ આ કામની ના પાડવાનું હતું? મારા ઘરમાં તો કોઈને ખબર જ નહોતી કે ડિટેક્ટિવ એટલે શું? ’

આ ફીલ્ડમાં ડિગ્રી કે એજ્યુકેશન કોઈ માયને નથી રાખતું એની વાત કરતાં સરોજ કહે છે, ‘કોઈ વસ્તુ કે પરિસ્થિતિને તમે કેવી રીતે સમજી શકો છો એ બહુ મહત્વનું છે. ફેસ-રીડિંગ તમને આવડવું જોઈએ. પરિસ્થિતિ સમજીને એનો નિષ્કર્ષ કાઢવાની ક્ષમતા હોય એ રીતે એમાં ઢળવાની ચાલાકી હોય તો આ ફીલ્ડમાં તમે કામ કરી શકો. હા, તમને ભાષા બધી આવડતી હોય તો વધુ સારું કામ કરી શકો.’

સિનિયર્સ સાથે કામ કરીને જ નવા લોકો આ કામ શીખી શકે છે અને એ માટેની ટ્રેઇનિંગ પણ હોય છે. ચોર કી દાઢી મેં તિનકા જેવી કોઈ પણ સિચુએશનમાં અહીં રટ્ટો ન ચાલે. ડી. એમ. સરોજની સાયનમાં SD ડિટેક્ટિવ નામની એજન્સી છે. કામ માટે બાવીસ જણની ટીમ છે.

કૉલેજમાં એક લફરું પકડ્યું ને આ ફીલ્ડમાં આવી ગઈ : રજની પંડિત

ચોવીસ વર્ષથી ડિટેક્ટિવ તરીકે કામ કરતી ભારતની ફસ્ર્ટ લેડી ડિટેક્ટિવ રજની પંડિતે ૭૫ હજારથી વધુ કેસનું કામ કર્યું છે. ૪૮ વર્ષનાં રજની હવે ફીલ્ડવર્ક નથી કરતાં. ડિટેક્ટિવ તરીકેનું તેમનું કામ ખૂબ વખણાયું છે. તેમને અત્યાર સુધી ૪૯ અવૉર્ડ્સ મળ્યા છે. પોતાના અનુભવોને શબ્દસ્થ કરતાં મરાઠીમાં બે પુસ્તકો પણ તેમણે લખ્યાં છે.

શિવાજી પાર્કમાં રહેતી અને રૂપારેલ કૉલેજમાં ભણતી રજની શાંતારામ પંડિતના ધ્યાનમાં એક વાત આવી કે તેના ક્લાસની એક છોકરી માતા-પિતા સામે ખોટું બોલીને છોકરાઓની સંગતમાં ફરતી હતી અને દારૂ તથા સિગારેટ વગેરેના રવાડે પણ હતી. ઘરે જતાં તે ચ્યુઇંગ ગમ વગેરે ખાઈ લેતી એથી ઘરનાને કશી ખબર જ નહોતી પડી. આ છોકરીને જોઈને રજનીનું લોહી ઊકળતું હતું. એથી નક્કી કર્યું કે તેના ઘરે જઈને આ વાત કહી દેવી. છોકરીનું ઍડ્રેસ મેળવવું ક્યાંથી? ક્લર્ક પાસે જઈ કૉલેજના રજિસ્ટરમાંથી તેનું ઍડ્રેસ લીધું તેના ઘરે ગિફ્ટ મોકલવી છે એમ કહીને. તે પેલી છોકરીના ઘરે પહોંચી ગઈ. તેના પેરન્ટ્સને બધી વાત કહી એટલું જ નહીં, ગ્રુપમાં મસ્તી કરતી તેમની છોકરી બતાવી પણ ખરી. દીકરીને આ હાલતમાં જોઈને તેના પેરન્ટ્સ ચોંકી ગયા હતા. એ જ રીતે એક વાર એક પતિને બારમાં મોજ કરતો હતો ત્યારે બુરખો પહેરીને તેની પત્નીને ત્યાં લઈ જઈને રંગે હાથ પકડાવ્યો હતો. શરૂઆતમાં જ રજનીને તેના પેરન્ટ્સે ટોકી હતી કે આ કામ સ્ત્રીઓ માટે નથી. છોકરીઓ માટે આ કામ સારું નથી એની વાત કરતાં રજની કહે છે, ‘પણ હું બહુ જિદ્દી હતી. મને આ કામમાં મજા આવી રહી હતી. કામનો સંતોષ મળી રહ્યો હતો. પૈસા તો હું કોઈ પણ કામ કરીને કમાઈ શકી હોત.’

રજનીને પ્રોફેશનલી આ કામ કરવું હતું એથી તેણે વિચાર્યું કે એક જાહેરાત આપું, પણ જાહેરાત છાપવા પણ કોઈ તૈયાર નહોતું. એ પછી એક સ્ત્રી-મૅગેઝિનની રિપોર્ટરની બહેનનું રજનીએ કામ કર્યું એ પછી તેણે પહેલી વાર રજનીનો લેડી ડિટેક્ટિવ તરીકે ઇન્ટરવ્યુ છાપ્યો. પછી તો ભારતભરનું મીડિયા તેના ઇન્ટરવ્યુ માટે ઊમટ્યું. આ ઘટનાને યાદ કરતાં રજની કહે છે, ‘ટીવી અને મૅગેઝિનવાળા મારો ઇન્ટરવ્યુ લેવા આવ્યા ત્યારે હું તો મારા ઘરમાં કામ કરી રહી હતી. વાસણ ઘસતી હતી. હાથ ધોઈને હું બહાર આવી.’

એ પછી રજની લેડી ડિટેક્ટિવ તરીકે ફેમસ થઈ ગયાં. તેમણે પોતાની રજની પંડિત ડિટેક્ટિવ એજન્સી શરૂ કરી. દૂરદર્શનના ‘હમ કિસી સે કમ નહીં’ શોમાં રજની વિશે આવ્યું ત્યારે આ શો માટે તેમને વખાણના બહુ પત્રો મળ્યા હતા. ‘લોકસત્તા’ના એડિટરે પણ તેમનો ઇન્ટરવ્યુ કર્યો.

ડિટેક્ટિવ તરીકે કામ કરવા રજનીએ એક ધનિકના ઘરમાં કામવાળી થઈને છ મહિના કામ કયુંર્ છે તો વાસણ વેચવાવાળી પણ બની છે. આ કામ માટે તેજ દિમાગ, બુદ્ધિચાતુર્ય અને સજાગતા જોઈએ એની વાત કરતાં તે કહે છે, ‘ડિટેક્ટિવની સ્કિલ જન્મજાત હોય છે. બીજી કોઈ જૉબ કરી હોત તો પણ હું ખૂબ કમાઈ શકી હોત, પણ મને જૉબ સૅટિસ્ફૅક્શન અહીં જે મળ્યું એ ન મળ્યું હોત.’

રજનીને આ ફીલ્ડમાં જ કામ ચાલુ રાખવા તેમના પતિએ જ પ્રોત્સાહિત કર્યા અને જૉબ કરતાં હતાં એ છોડીને ડિટેક્ટિવનું જ કામ ચાલુ રાખવાનો આગ્રહ કર્યો અને એ ચાલુ રખાવ્યું.

રજની ડિટેક્ટિવની ટ્રેઇનિંગ આપવા માટે એક ઇન્સ્ટિટ્યુશન ચલાવે છે. ત્રણ અને છ મહિનાની આ ટ્રેઇનિંગની ફી દોઢ લાખ રૂપિયા છે. રજનીએ આ માટે સરકાર પાસે જગ્યા માગી હતી, પણ એમાં સફળ નથી થયાં.

ઍડ્વેન્ચરસ કામ કરવું હતું : મહેક

વડાલામાં રહેતી ૨૯ વર્ષની મહેક ૪ વર્ષથી ડિટેક્ટિવ તરીકે કામ કરી રહી છે. કૉમર્સમાં ગ્રૅજ્યુએશન પછી તેને કોઈ સામાન્ય કામ નહોતું કરવું. મહેકના પિતાને ગાર્મેન્ટનો બિઝનેસ છે અને મમ્મી હાઉસવાઇફ છે. આ ફીલ્ડનો પ્રૅક્ટિકલ એક્સ્પીરિયન્સ લેવા પહેલાં તેણે થોડું કામ કર્યું. આ કામ બહુ રિસ્કી હોવાથી તેના પેરન્ટ્સે એનો બહુ વિરોધ કર્યો. ઇન્વેસ્ટિગેશનનું કામ હોવાથી તેમને બહુ ડર લાગતો હતો એથી તેઓ વિરોધ કરતા હતા, પણ મહેકે તેમને સમજાવ્યું કે તેઓ જે કંઈ કામ કરે એ લીગલ હોય છે અને તે એકલી નથી હોતી; તેની સાથે સિક્યૉરિટી માટે ટીમના મેમ્બર્સ હોય છે. મહેક કહે છે, ‘પપ્પા તો માન્યા, પણ મમ્મીને સમજાવતાં થોડો સમય લાગ્યો. મારે આ ફીલ્ડમાં જ કામ કરવું હતું. પહેલેથી જ મને ઍડ્વેન્ચરસ કામમાં જ રસ હતો.’

એ પછી પપ્પાએ મમ્મીને સમજાવી. આમ છેવટે પેરન્ટ્સે ઍગ્રી થયા. બે વર્ષ તેણે દિલ્હીમાં ટ્રેઇનિંગ લીધી અને બે વર્ષથી સાયનમાં આવેલી SD ડિટેક્ટિવ કંપની સાથે કામ કરી રહી છે. તેણે લગ્નવિષયકથી લઈને ક્રિમિનલ સુધીના બધા જ કેસ કર્યા છે.

ડિટેક્ટિવ બનવા ર્કોસ છે?

ડિટેક્ટિવના વ્યવસાયને ગવર્નમેન્ટનું અપ્રૂવલ નથી એથી એ માટે કોઈ સરકારી ર્કોસ નથી. કેટલાંક ખાનગી ઇન્સ્ટિટ્યૂટ્સ છે જે પુણે, લખનઉ, મુંબઈ વગેરે સ્થળે છે. બાકી તો એજન્સી સાથે જોડાઓ પછી તમને એ લોકો સઘન ટ્રેઇનિંગ આપે છે.

નીડરતા, બુદ્ધિચાતુર્ય, ચપળતા, ધગશ, સજાગતા, દિવસ-રાત કામ કરી શકવાની ક્ષમતા, પરિસ્થિતિને સમજી એ પ્રમાણે વર્તવાની હોશિયારી વગેરે ગુણો જરૂરી છે; બાકીનું એજન્સીઓ શીખવી દે છે.

કેટલું કમાય?

ડિટેક્ટિવ એક કેસના પાંચ હજારથી લઈને દસથી બાર લાખ રૂપિયા પણ ચાર્જ કરે છે. જેવો કેસ એવા પૈસા. કોઈ કેસ બે દિવસમાં પણ ઊકલી જાય તો કેટલાક માટે મહિનાઓ અને વર્ષ પણ લાગે.

કેસ વધ્યા છે

સમય જતાં ડિટેક્ટિવ પાસે આવતા કેસમાં ઘણો વધારો થયો છે. હવે સગપણ નક્કી થાય તો પણ લોકો છોકરા કે છોકરીની જાસૂસી કરાવીને ખાતરી કરી લે છે. ઇલેક્ટ્રૉનિક ગૅજેટ્સની ભરમાર છતાં હવે તેમનું કામ બહુ ટફ બની રહ્યું છે, કારણ કે લોકો પણ બહુ સજાગ થઈ ગયા હોવાથી વધુ બોલતા નથી. એથી માહિતી કઢાવવામાં તકલીફ પડે છે. 

કેવી ટાઇપના કેસ હોય?

ફોન પરની પજવણી, ચોરી, પ્રી અને પોસ્ટ મૅરેજ ઇન્વેસ્ટિગેશન, જનરલ સર્વેલન્સ, પ્રૉપર્ટીને લગતી વાતો, કંપની કે માણસોનાં કૌભાંડો, ગુમ થયેલા માણસો, વ્યભિચારના કેસ, કૉર્પોરેટ મૅટર્સ, સંતાનોની કુટેવો અને બીજી બાતમીઓ વગેરે માટે લોકો ડિટેક્ટિવને રોકે છે.

કેટલી એજન્સીઓ?

કાયદાકીય કોઈ જ અપ્રૂવલ નહીં હોવાથી આ સેક્ટર અનઑર્ગેનાઇઝ્ડ છે. ભારતમાં હજારોની સંખ્યામાં નાનાથી લઈને મોટા ગજાની ડિટેક્ટિવ એજન્સીઓ છે. એકલા મુંબઈમાં જ આ સંખ્યા ચારથી પાંચ હજારની છે. ડિટેક્ટિવ એજન્સીઓનું એક અસોસિએશન દિલ્હીમાં કાર્યરત છે જેનું નામ છે અસોસિએશન ઑફ પ્રાઇવેટ ડિટેક્ટિવ ઇન્વેસ્ટિગેશન (ખ્ભ્Dત્)

કેવા-કેવા કેસ?

બારમાં કામ કરતી એક મહિલા એક યુવક સાથે લગ્ન કરી તેની પાસેથી મોટી રકમ લઈને નાસી ગઈ હતી. તેને શોધવાની હતી. એ કેસ કંચન વર્માની ટીમે હૅન્ડલ કર્યો હતો. કંચનને ખબર પડી કે આ બારગર્લ સાયન-કોલીવાડામાં ક્યાંક રહે છે. આવડા મોટા વિસ્તારમાં તેને ક્યાં શોધવી? બારગર્લ જ્યાં વધુ રહેતી હતી એ એરિયામાં કંચન ઝગમગ કપડાં, ડાર્ક લિપસ્ટિક અને ડાર્ક આઇશૅડોવાળો મેકઅપ કરીને ચારથી પાંચ વાર ગઈ. ત્યાં કંચનને ખબર પડી કે એક લેડી ડૉન છે જે બધાને કામ આપે છે. તેથી તે ત્યાં કામ માગવાના બહાને ગઈ તો બિલ્ડિંગ નીચે હટ્ટાકટ્ટા ચાર માણસોએ રોકી. બારમાં મને કામ જોઈએ છે કહીને કંચન ત્યાં ગઈ. કંચને પેલી મહિલાને કહ્યું કે મારા પિતા બીમાર છે, મને કામ જોઈએ છે. પેલીએ પૂછયું, તૂ કર સકેગી યે કામ? કંચને હા પાડી કે મજબૂરી છે, શું કરું? પછી તેણે કહ્યું તો ઠીક છે, તું કાલે એકલી આવજે. બારમાં છોકરીઓને કામે રાખતી તેની પાસે પેલી લેડી લઈ ગઈ ત્યારે કંચને કૅમેરામાં તેનો ફોટો લઈ લીધો અને પછી પોલીસને આપ્યો. પોલીસે પેલા માણસને બતાવ્યો તો તરત તે તેને ઓળખી ગયો અને પોલીસે રેઇડ પાડી તેને પકડી લીધી.

એક કમર્શિયલ કેસમાં એક ઑફિસર કંપની સાથે છેતરપિંડી કરી રહ્યો હતો એ કંચને પ્રૂવ કર્યું હતું. કંપનીને શક હતો, પણ પ્રૂફ વિના કંઈ થઈ શકે એમ નહોતું. કંચન તેની ઑફિસે ગઈ તો તે મોટો ફાઇનૅન્સ ઑફિસર હોવાથી કોઈને મળે નહીં. કંચન તેની ઑફિસે બે કલાક બેઠી. છેવટે તે બહાર આવ્યો અને તેને જોઈને કંચને કહ્યું કે અરે આપ તો વો સાબ નહીં હૈં, ઉન્હોંને મુઝે મિલને કે લિએ ઔર કામ દેને કે લિએ બોલા થા. પેલાએ તેને ભણતર પૂછયું. કંચન ટ્વેલ્થ સુધી જ ભણી હતી એથી કામ તો અહીં ન મળી શકે એમ કહ્યું, પણ સાથે એ પૂછયું કે તું શું કામ કરી શકીશ? કંચને જવાબ આપ્યો, રસોઈ બનાવી શકું અને ઘરકામ પણ કરીશ. પેલાએ પોતાના ઘરે આવવા કહ્યું. કંચન તેના ઘરે કામવાળી અને રસોઈવાળી બનીને રહી. તે કોની-કોની સાથે વાતો કરે છે એ બધું રેકૉર્ડરમાં ટેપ કર્યું અને કંપનીને આપ્યું. આમ તે પકડાઈ ગયો.

€ € €

પૉશ વિસ્તારમાં રહેતી એક પૈસાદાર યુવતીએ તેના પતિને ઝેર આપીને મારી નાખ્યો અને એ વાતની તેના દીકરાને ખબર પડી તો તેને પણ મરાવી નાખ્યો. આ ક્રિમિનલ કેસમાં બે જણના મર્ડર માટે જે માણસનો પેલી યુવતીએ ઉપયોગ કર્યો હતો તેને રજની પંડિતે શોધીને પકડાવ્યો હતો. આ કેસ માટે રજનીએ પેલી પૈસાદાર યુવતીને કોણ-કોણ મળવા આવે છે એ શોધવાનું હતું. એથી તેઓ તેના ઘરે ઘરકામ માગવા ગયાં. રજનીને ખબર પડી હતી કે આ લેડીને નવી કામવાળી જોઈએ છે. આખો દિવસ તેના ઘરે રહીને રજની તેનું ઘરકામ કરતાં હતાં અને તેની સાથે દોસ્તી કેળવવાની ટ્રાય કરતાં હતાં. એવામાં એક દિવસ તે લેડીને ચક્કર આવ્યાં ત્યારે રજનીએ તેની જે રીતે કેર લીધી એ જોઈને પેલી લેડીએ તેમને પોતાના કૅરટેકર બનાવી દીધાં. આમ આ લેડી ફોન પર જે કોઈ વાતો કરતી હતી એ રજની બરાબર સાંભળતાં હતાં એટલું જ નહીં, પોતાની પાસેના ટેપરેકૉર્ડરમાં ટેપ કરીને રાખતાં હતાં. એક વાર ટેપરેકૉર્ડરનો અવાજ આવ્યો તો પકડાઈ ન જવાય એ માટે રજનીએ તરત કોઈક વસ્તુ નીચે પાડી જેથી પેલો અવાજ દબાઈ જાય. બહુ દિવસો પછી જેણે મર્ડર કર્યું હતું તે માણસ પેલી લેડીને મળવા તેના ઘરે આવ્યો. લેડીનું કહેવું હતું કે તને પૈસા જોઈતા હોય તો લઈ જા, પણ મને મળવા ન આવ. અને આ વાતે તેમની વચ્ચે ઝઘડો પણ થયો. તેથી હવે આ માણસ ફરી ન પણ આવે એવી સિચુએશન પારખી રજનીએ પોતાના પગ પર છરી મારી. એથી લોહી નીકળવા લાગ્યું અને બૅન્ડેજ લેવાના બહાને તે નીચે ઊતર્યા અને પોતાની ટીમને જણાવી દીધું કે ખૂની પેલી લેડીના ઘરે છે. તેમની ટીમ તરત પોલીસ લઈને આવીને પેલાને પકડી ગઈ.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports