Translate

Friday, July 4, 2014

શૅરબજારમાં પ્રવેશ માટે મોડું થયું નથી, પણ હજી વિચારતા હો તો તમે મોડું કરી રહ્યા છો

રેલવે-ભાડાં વધવાનાં છે એવી ખબર પડી તો તમે જૂના ભાવે પાસ કઢાવવા કેમ દોડ્યા?



શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા


તાજેતરમાં રેલવેના ભાડાવધારાની જાહેરાત બાદ એક રસપ્રદ ઘટના જોવા મળી. અનેક લોકો નવો વધારો લાગુ પડે એ પહેલાં રેલવે પાસની લાંબી કતારોમાં ઊભા રહી ગયા અને જૂના ભાવનો લાંબા ગાળાનો પાસ કઢાવી લીધો. શૅરબજારમાં ભવિષ્યમાં ભાવો વધવાના છે (માત્ર તારીખ નક્કી નથી) એવું માની અત્યારે જે ભાવે શૅરો મળી રહ્યા છે એ ખરીદવા કેમ લોકો તૈયાર નથી? હા, રેલવેમાં તો સરકાર તરફથી રોલબૅક થયું, એથી પાસ કઢાવી લેનારાઓનો લાભ ઓછો થઈ ગયો, પરંતુ શૅરબજારમાં આવા ભાવઘટાડા થાય તો તમે ફરી ખરીદવાની તક પણ લઈ જ શકો છો, તો શા માટે અત્યારે જ નહીં? ભવિષ્યમાં ભાવ વધી જશે તો શું કરશો? ફરી ઘટવાની રાહ જોશો? લાંબા ગાળા માટે પ્રવેશનારે સમયની રાહ જોવાની ન હોય, કેમ કે જેમનું લક્ષ્ય દૂરનું હોય છે તેમણે ભાવિ પર જ દ્રષ્ટિ રાખવાની હોય છે.

મોટા ભાગના વિચારતા રહી ગયા

અરે યાર, ચૂંટણી શરૂ થઈ ત્યારથી વિચારતો હતો કે શૅરબજારમાં રોકાણ કરું. અમુક શૅરો લઈને રાખી મૂકું, પરંતુ નિર્ણય ન લઈ શક્યો, બજાર વધતું ગયું, જેવું એમ થાય કે હવે લઈ લઉં ત્યાં વળી એમ વિચાર આવે કે હવે ભાવો બહુ ઊંચા થઈ ગયા છે, થોડા નીચા આવવા દઈએ એટલે લઈશું. આ દરમ્યાન બજાર જ્યારે-જ્યારે ઘટતું ત્યારે લેવાનો વિચાર કરતો હતો, પરંતુ મારે જે શૅર લેવા હતા એનો ભાવ ઘટ્યો નહોતો, એટલે ફરી એના ઘટવાની રાહમાં પછી લઈશું એમ કરી સમય જવા દીધો. આમ કરતાં-કરતાં મેં જ્યારે પહેલી વાર શૅરો ખરીદવાનો વિચાર કર્યો ત્યાંથી અત્યારે બજાર આશરે ૨૦૦૦ પૉઇન્ટ્સ વધી ગયું છે અને હું હજી વિચારોમાં જ અટવાયેલો રહી ગયો, કોઈ નિર્ણય લઈ શક્યો નહીં. આવી વ્યથા કે કથા વ્યક્ત કરનારા એકાદ-બે જણ નથી, બલ્કે હજારો લોકો છે. આ પ્રકારના લોકો મોટા ભાગે પોતાના નિર્ણયને લંબાવતા રહે છે, જેનું કારણ કદાચ તેમને પણ ખબર હોતી નથી, પરંતુ આ એક માનવસહજ સાઇકોલૉજી જરૂર કહી શકાય. આ વર્ગે માત્ર એટલું યાદ રાખવું જોઈએ કે આ વખતની તેજી લાંબા ગાળાની બની રહેવાની આશા છે, જેથી તેમના માટે હજી પણ મોડું થયું નથી. અલબત, તેમણે પોતે પણ લાંબા ગાળા માટે જ ખરીદી કરવી બહેતર રહેશે તેમ જ દરેક ઘટાડે શૅરો ખરીદી જમા કરતાં જવું જોઈશે. હવે ભાવો ઊંચા છે એથી હવે ન પ્રવેશાય એવી માનસિકતા છોડવી પડશે, લાંબા ગાળા માટે તૈયારી કરવી પડશે.

ઇરાક પર નજર રાખવી પડે

તાજેતરમાં શૅરબજારની તેજીને ઇરાકની સમસ્યાએ બ્રેક મારી છે, જેણે હજારો લોકોને ઘટાડે લેવાની તક પણ ઑફર કરી છે. આમ પણ બજાર સડસડાટ વધતું જ રહે એ કરતાં વચ્ચે-વચ્ચે ઘટાડા સાથે આગળ વધે એ બહેતર છે. ઇરાકને લીધે ક્રૂડ મોંઘું થયું છે અને એને કારણે રૂપિયો ડૉલર સામે થોડો નબળો પડ્યો છે, જે વળી બજારના ઉત્સાહને રોકે છે, પરંતુ ઓવરઑલ બજાર આવી પ્રાસંગિક ઘટના કે સંજોગોને કારણે ઊભી થયેલી સ્થિતિમાં ઘટે તો એ કામચલાઉ ઘટાડો માની શકાય. રિઝર્વ બૅન્કના ગવર્નરે આવા સમયમાં ઇરાક પર સૌની નજર હોવાનું જણાવ્યું છે અને દેશ પાસે પર્યાપ્ત ફૉરેન એક્સચેન્જ રિઝર્વ હોવાથી વધુ પૅનિક કે ચિંતામાં નહીં પડવાનું પણ કહ્યું છે. અલબત, આ બધાં આશ્વાસન છતાં રોકાણકારોએ સજાગ રહેવાનું હોય છે, કારણ કે અનિશ્રિતતાના વાતાવરણમાં આગળ શું થાય એનો કોઈને પણ પાકો અંદાજ હોતો નથી, માત્ર ધારણા હોય છે. જોકે ઇરાક પરિબળ કાયમી ન રહી શકે.

મોદીની ચિંતા વાજબી-વ્યવહારુ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કપરા આર્થિક નિર્ણયો લેવા પડશે એવું નિવેદન કરીને લોકોને એક સંદેશ સ્પક્ટ આપી દીધો છે કે કડવા ઘૂંટડા પીવા માટે તૈયાર રહેવું પડશે. પરંતુ એનાં ફળો ચોક્કસ સમય પછી મળશે ત્યારે એ સૌને મીઠાં લાગશે. આગામી બજેટ સંભવત: આવા કડવા ઘૂંટડા સાથે આવે તો નવાઈ નહીં. ફાઇનૅન્સ મિનિસ્ટર અરુણ જેટલીએ પણ કપરા સંજોગો દર્શાવીને ફાઇનૅન્શિયલ શિસ્ત લાવવા પર ભાર મૂક્યો છે. મોદી અને જેટલીએ કોઈ ગુલાબી ચિત્ર બતાવ્યું નથી કે મોટા દાવા કર્યા નથી, તેમણે સંજોગો કઠોર હોવાનો સ્વીકાર કર્યો છે એ વાજબી અને વ્યવહારુ અભિગમ છે. અલબત, આના ઉપાય માટે નક્કર પગલાં લેવા તેઓ કટિબદ્ધ છે, જે આગામી સમયને સારો બનાવવાની આશા જગાડે છે. આ માર્ગમાં ઇરાક જેવી ઘટનાઓ પણ રોડબ્લૉક બની શકે, પરંતુ જેઓ લૉન્ગ ટર્મ જોઈને ચાલશે તેમને બહુ વાંધો નહીં આવે.

દરેક મોટા ઘટાડે થોડું-થોડું ખરીદો

ઇનશૉર્ટ, નિષ્કર્ષ એ છે કે હજી બજારે ઘણી વિપરીત સ્થિતિનો સામનો કરવાનો છે, જેમાં બજાર સમયાંતરે વધઘટ કરી આગળ વધતું રહેશે. અત્યારે ઇરાકની જે સ્થિતિ આવી ગઈ એની કલ્પના હજી થોડા દિવસો પહેલાં ભાગ્યે જ કોઈને હતી. રૂપિયો ફરી ડૉલર સામે નબળો પડશે એવી ધારણા પણ ક્યાં હતી. આમ આગામી દિવસોમાં સ્થાનિક સ્તરે કે ગ્લોબલ સ્તરે કયા નવા સંજોગો આવી પડશે એની જાણ કોઈને અત્યારે નહીં જ હોય એ સહજ છે. એમ છતાં બજાર ધારણાઓને કે સંકેતોને આધારે વધઘટ કર્યા કરશે, પરંતુ એ લાંબે ગાળે ઊંચાઈ તરફ જશે એમ કહેવામાં ખોટું નથી. રોકાણકાર જે ચૂકી ગયા છે એનો રંજ કરતા બેઠા રહે એ આદર્શ સ્થિતિ નથી. આમ કરવામાં આગળ જતાં વધુ રંજ કરવાનો આવી શકે છે, એને બદલે અત્યારે હિંમત કરી થોડા-થોડા જથ્થામાં શૅરો જમા કરતાં રહેવામાં વધુ સાર રહેશે. યસ, સંભવ હોય તો દરેક મોટા ઘટાડામાં ખરીદવાનો પ્રયાસ કરો.

યાદ રહે ઇન્વેસ્ટર દોસ્તો, યુ આર નૉટ સ્ટીલ લેટ.... અને જો તમે પોતાને લેટ ફીલ કરતા હો તો એ પણ યાદ રાખો કે બેટર લેટ ધેન નેવર.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports