Translate

Friday, November 7, 2014

બિરલા રિટેલને નફો મળતો નથી: રૂ.4,800 કરોડની ખોટ

ભારતીય રિટેલ માર્કેટમાં પ્રવેશ્યાનાં સાત વર્ષ બાદ આદિત્ય બિરલા રિટેલે કુલ રૂ.4,800 કરોડની ખોટ કરી છે. તેના હરીફો નફો કરતા થયા છે અને વેચાણ વધી રહ્યું છે ત્યારે બિરલા ખોટ કરે છે.

માર્ચ 2014માં સમાપ્ત થયેલા વર્ષમાં આદિત્ય બિરલા રિટેલની ખોટ વધીને રૂ.596 કરોડ થઈ હતી જે એક વર્ષ અગાઉ રૂ.510 કરોડ હતી. કંપનીએ તેની પેટા શાખા ત્રિનેત્ર સુપર રિટેલને પોતાનામાં ભેળવી દીધા બાદ તેનું વેચાણ બમણું થઈને રૂ.2,510 કરોડ થયું છે છતાં ખોટ દૂર થતી નથી તેમ રજિસ્ટ્રાર ઓફ કંપનીને આપેલા આંકડા દર્શાવે છે.

આદિત્ય બિરલા રિટેલે કુલ રૂ.4,745 કરોડની ખોટ કરી છે જેમાં 2007માં ખરીદાયેલી ત્રિનેત્ર રિટેલની બુક વેલ્યૂ તથા રિટેલ માળખું સ્થાપવાના રોકાણ અને ખર્ચનો સમાવેશ થાય છે. આદિત્ય બિરલા ગ્રૂપના ડિરેક્ટર (રિટેલ એન્ડ સેલ્સ બિઝનેસ) પ્રણવ બરુઆએ જણાવ્યું કે, "આ ઓપરેટિંગ ખોટ નથી, પરંતુ આટલાં વર્ષોમાં અમે કરેલું રોકાણ છે.

કુલ ખોટ વાસ્તવમાં પ્રારંભિક માળખાકીય ખર્ચ, સ્ટોર ક્લોઝરનો ખર્ચ, ત્રિનેત્ર ખરીદવામાં ગુડવિલ અને ઋણ પરના વ્યાજખર્ચનો સરવાળો છે. સ્ટોર ઓપરેટિંગ સ્તરે અમે નફો કરીએ છીએ અને એક વર્ષમાં ઇબીઆઇડીટીએ પોઝિટિવ થઈ જશે.

રેકિટ એન્ડ બેન્કિસરના ભૂતપૂર્વ એમડી રહી ચૂકેલા બરુઆ 2007માં ત્રિનેત્ર રિટેલ મારફત આદિત્ય બિરલા ગ્રૂપમાં આવ્યા હતા. જેનાથી તેમને 170 સ્ટોર્સ મારફત પાંચ લાખ ચોરસ ફૂટથી વધારે રિટેલ સ્પેસ મળી હતી. નાણાકીય વર્ષ 2014ના અંતે કંપની પાસે 490 'મોર' બ્રાન્ડેડ સુપરમાર્કેટ અને 14 હાઈપર માર્કેટ્સ હતા જેનું કુલ ક્ષેત્રફળ 13.9 લાખ ચોરસ ફૂટ થાય છે.

બરુઆ ફૂડ અને ગ્રોસરી રિટેલ ફોર્મેટમાં જોડાયા તે દરમિયાન છેલ્લાં બે વર્ષમાં તેમણે કંપનીની ઉત્પાદકતા સુધારવા અને ખોટ ઘટાડવા ત્રણ ડઝનથી વધારે સ્ટોર્સ બંધ કરી દીધા હતા. તેના કારણે નાણાકીય વર્ષ 2014માં અગાઉના વર્ષની સરખામણીમાં ઓપરેટિંગ માર્જિનમાં 15 ટકાનો સુધારો થયો હતો.

ભારતી, આદિત્ય બિરલા અને રિલાયન્સ સહિતનાં મોટા ભાગનાં જૂથો 2007-08માં લગભગ એકસરખા સમયે રિટેલ માર્કેટમાં પ્રવેશ્યા હતા. તેના કારણે રિયલ્ટીનો ખર્ચ વધી ગયો હતો અને સ્કીલ્ડ માનવબળની અછત હતી. આ ઉપરાંત કોલ્ડ સ્ટોરેજ અને સપ્લાય ચેઇનની પણ અછત હતી.

રિટેલ કન્સલ્ટન્સી એલાગિર સોલ્યુશન્સના ડિરેક્ટર રુચિ સેલીએ જણાવ્યું કે, "ડી-માર્ટ કે હાઈપરસિટીની સરખામણીમાં આદિત્ય બિરલા રિટેલ પાસે યુનિક સેલિંગ પોઝિશન ગેરહાજર છે. તેમની આંતરિક સ્ટ્રેટેજી પણ દર વર્ષે બદલાઈ રહી છે તેથી કોઈ પ્રક્રિયાને સમાન બનાવવાનું અને સંચાલન કરવાનું કામ મુશ્કેલ બની રહ્યું છે."

રિલાયન્સ રિટેલે નાણાકીય વર્ષ 2014માં રૂ.12,132 કરોડના વેચાણ સામે રૂ.272 કરોડનો પ્રથમ વખત ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ટાટાની સ્ટાર બજારે રૂ.820 કરોડના વેચાણ સામે રૂ.55.79 કરોડની ખોટ કરી હતી.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports