Translate

BSE-NSE Ticker

Monday, November 3, 2014

સ્વિસ બૅન્કમાં ખાતું કઈ રીતે ખોલાવશો?

સ્વિસ બૅન્ક એ વાસ્તવમાં કોઈ એક બૅન્કનું નામ નથી. બલકે એ સ્વિટ્ઝરલૅન્ડમાં આવેલી બૅન્કોના સમૂહ માટે વપરાતું નામ છે. વિશ્વભરનું કાળું નાણું સાચવી રાખવા માટે કુખ્યાત થયેલી સ્વિસ બૅન્કોની સીક્રસીનો ઇતિહાસ ત્રણસો વર્ષ જૂનો છે અને એના છેડા હિટલરને પણ અડે છે. તમારે પણ જો સ્વિસ બૅન્કમાં અકાઉન્ટ ખોલાવવાની ઇચ્છા હોય તો પહેલાં આ આર્ટિકલ વાંચી લો

black-money


સ્પેશ્યલ સ્ટોરી - આર્યન મહેતા


ઍપલ કંપનીના સ્થાપક સ્ટીવ જૉબ્સે ૨૦૦૫માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ખાતે આપેલી ઐતિહાસિક સ્પીચમાં કનેક્ટ ધ ડૉટ્સની વાત કરેલી. તેમનું કહેવું હતું કે તમારા જીવનમાં જે કંઈ પણ થાય છે એ કોઈ ને કોઈ રીતે એકબીજા સાથે જોડાયેલું જ હોય છે. આપણે ત્યાં અત્યારે મીડિયામાં દેકારો મચાવી રહેલી સ્વિસ બૅન્કોનું પણ કંઈક એવું જ છે. ત્રણસો વર્ષ પહેલાંનો એક કાયદો, બીજું વિશ્વયુદ્ધ અને વિશ્વભરના કાળું નાણું ભેગું કરતા કૌભાંડીઓ આ ત્રણેય ભેગાં મળીને બ્લૅક મનીનો એવો બમુર્ડા ટ્રાયેન્ગલ રચે છે જેમાં ગરક થયેલું સત્ય ક્યારેય બહાર નથી આવી શકતું. આપણે ફટાફટ ફ્લૅશબૅક જોઈ લઈએ અને પછી વર્તમાનમાં પાછા ફરીએ.

€€€

છેલ્લા ત્રણ સૈકા કરતાં પણ વધુ સમયથી સ્વિટ્ઝરલૅન્ડની બૅન્કો કોડ ઑફ સીક્રસીનું પાલન કરે છે. ઈસવી સન ૧૭૧૩માં ગ્રેટ કાઉન્સિલ ઑફ જિનીવાએ એવો કાયદો ઘડેલો કે કોઈ પણ બૅન્ક એના ખાતેદાર સિવાય કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સંજોગોમાં ખાતાવિષયક કોઈ પણ માહિતી જાહેર કરી શકે નહીં. સિવાય કે સિટી કાઉન્સિલ પોતે જ કોઈ કારણોસર માહિતી માગે તો વાત અલગ છે. આ કાયદા ઘડવા પાછળ ફ્રાન્સના અતિ માલેતુજાર રાજાઓની સંપત્તિને આકર્ષવાનો ટાર્ગેટ હતો. કોઈની નજરમાં આવ્યા વગર નાણાંની હેરફેર આ સીક્રસીના પડદા પાછળ આસાનીથી થઈ શકે એમ હતી. વળી યુરોપમાં એ સમય ક્રાન્તિઓનો હતો. દાયકાઓથી લોકોને ઊધઈની જેમ ફોલી ખાઈ રહેલા ક્રૂર ધનાઢ્યોને યુરોપની ઊકળી ઊઠેલી જનતા ચુન ચુન કે સાફ કરી રહી હતી ત્યારે રાતોરાત બિસ્તરા-પોટલા બાંધીને ભાગી છૂટવાની નોબત આવે તો સ્વિસ બૅન્ક જેવા કોઈ સલામત અને ગુપ્ત સ્થળે સંપત્તિ સાચવી રાખી હોય તો વાંધો ન આવે. આ બધાને કારણે સ્વિસ બૅન્કોમાં પુષ્કળ ધન એકઠું થવા લાગ્યું. સાથોસાથ સ્વિસ બૅન્કોની ગુપ્તતાની હવા પણ બરાબર જામી ગઈ. જોકે એ વખતે જો બૅન્ક પોતાની અંગત વિગતો જાહેર કરે છે એવું કોઈ ખાતેદારને માલૂમ પડે તો તે બૅન્ક પાસેથી વળતરનો દાવો કરી શકે, પરંતુ અહીં કોઈ આકરી સજાની જોગવાઈ નહોતી. એના માટે કદાચ વીસમી સદીની રાહ જોવાતી હતી.

€€€

વીસમી સદીના ત્રીજા દાયકાના અંત સુધીમાં એકસાથે ઘણીબધી ઘટનાઓ બની. એક તો ૧૯૨૯માં અમેરિકાનું સ્ટૉકમાર્કેટ ભયંકર રીતે તૂટ્યું એને પગલે સમગ્ર વિશ્વમાં કારમી મંદી ‘ગ્રેટ ડિપ્રેશન’નું મોજું ફરી વળ્યું. ત્યારે બચી ગયેલા માલેતુજારોને પોતાની સંપત્તિ સાચવવા માટે સ્વિસ બૅન્કથી વધારે સલામત કોઈ સ્થળ દેખાતું નહોતું. ત્રીજી બાજુ યુરોપભરમાં ફેલાયેલા યહૂદી શાહુકારો જે રીતે ચક્રવૃદ્ધિ વ્યાજે નાણાં ફેરવીને જે કમાણી કરી રહ્યા હતા એને પણ તેઓ સ્વિસ બૅન્કમાં જ ઠાલવી રહ્યા હતા. પહેલા વિશ્વયુદ્ધ પછી કારમી નાણાંભીડ વેઠી રહેલા જર્મનીમાં યહૂદીઓની આ ધીરધારનું પ્રમાણ સૌથી વધુ હતું. એ વખતે જર્મનીની નાણાકીય હાલત એ હદે ખાડે ગયેલી કે તત્કાલીન રિઝવર્‍ બૅન્કે ૨૦ કરોડ માર્ક (ત્યારનું જર્મન ચલણ)ની નોટ સુધ્ધાં બહાર પાડવી પડેલી અને એક દીવાસળીની પેટીનો ભાવ પણ નેવું કરોડ માર્કે પહોંચેલો! એટલે જ તો યહૂદીઓ પ્રત્યે ભારોભાર નફરત ધરાવતો હિટલર જ્યારે ૧૯૩૩માં સત્તા પર આવ્યો ત્યારે તેણે ફરમાન બહાર પાડ્યું કે જર્મનીના દરેક નાગરિકે પરદેશમાં સાચવી (વાંચો, છુપાવી) રાખેલું પોતાનું નાણું જાહેર કરવું. તવંગર યહૂદી વેપારીઓનાં આવાં નાણાં પર નજર રાખવા માટે તેણે પોતાની છૂપી પોલીસ એવી ગેસ્ટાપોને પણ તેમની પાછળ લગાવી દીધી.

આ બધાના સરવાળારૂપે સ્વિસ બૅન્કોને પોતાની પાસે રહેલી સંપત્તિ ખતરામાં લાગી. એટલે સ્વિસ ફેડરલ ઍસેમ્બલીએ તાત્કાલિક ધોરણે બૅન્કિંગ લૉ ઑફ ૧૯૩૪ તરીકે જાણીતો કાયદો પસાર કર્યો. આ કડક કાયદામાં જોગવાઈ હતી કે સ્વિટ્ઝરલૅન્ડની કોઈ પણ બૅન્કનો કર્મચારી ખાતેદારની નાનામાં નાની વિગત પણ જાહેર કરે તો તેણે ૫૦ હજાર સ્વિસ ફ્રાન્કનો તોતિંગ દંડ ભરવો પડે અને છ મહિનાની સખત કેદ પણ ભોગવવાની આવે (ગુના પ્રમાણે આ સજામાં વધારો પણ થઈ શકે!). વળી એ માટે એના પર કેસ કરવાની પણ જરૂર નહીં. ગોપનીયતાનો ભંગ થાય એટલે તે કર્મચારી આપોઆપ ગુનેગાર ઠરે અને તેણે સજા ભોગવવાની આવે. સાથોસાથ સ્વિસ સરકારે પોતાની બૅન્કોનો લિસ્ટેડ કંપની તરીકેનો દરજ્જો પણ નાબૂદ કરી દીધો, એટલે એને પોતાના વાર્ષિક નફા-ખોટના હિસાબો રજૂ કરવાની પ્રક્રિયામાંથી પણ મુક્તિ મળી ગઈ. મતલબ કે સ્વિસ બૅન્કોમાં રહેલી સંપત્તિની માહિતી લીક થવાનો કોઈ સવાલ જ ન રહ્યો. આને કારણે યુરોપભરના યહૂદી શાહુકારો અને પોતાનું નાણું સાચવવા માટે સલામત સ્થળ શોધતા સમગ્ર વિશ્વના શ્રીમંતોને સ્વિસ બૅન્કમાં જ પોતાનો ઉદ્ધાર દેખાયો.

આપણે યશ ચોપડાની ફિલ્મોમાં સ્વિટ્ઝરલૅન્ડનો માત્ર રોમૅન્ટિક ચહેરો જ જોયો છે. એ સિવાયની વાત એવી છે કે સ્વિટ્ઝરલૅન્ડ અતિશય ધનાઢ્ય દેશ છે. સ્વિસ ફ્રાન્ક વિશ્વની સૌથી પ્રીમિયર કરન્સીઓમાંની એક ગણાય છે. એવું કહેવાય છે કે એ વચુર્અલી ઝીરો ઇન્ફ્લેશન ધરાવે છે. મતલબ કે એને મોંઘવારીની કોઈ માઠી અસર પડતી જ નથી. સ્વિટ્ઝરલૅન્ડની રાજકીય અને આર્થિક સ્થિતિ પણ અત્યંત જડબેસલાક છે. પોતાને તટસ્થ ગણાવતો આ દેશ છેક ઈસવી સન ૧૫૦૫થી ક્યારેય યુદ્ધમાં ઊતર્યો જ નથી. ઇવન બીજા વિશ્વયુદ્ધમાં પણ એ તટસ્થ રહેલો. છેક ૨૦૦૨ સુધી યુનાઇટેડ નેશન્સનું સભ્યપદ પણ એણે રાખ્યું નહોતું અને રેડ ક્રૉસ જેવી સંસ્થાઓનું તો એ જન્મસ્થળ ગણાય છે, પરંતુ સ્વિટ્ઝરલૅન્ડને ગળથૂથીમાં જ બૅન્કિંગ અને નાણાકીય લુચ્ચાઈ મળેલી છે એવું કહીએ તો ખોટું નહીં લેખાય. પ્રખ્યાત ફ્રેન્ચ લેખક-ચિંતક વૉલ્તેરે છેક ૧૭૯૪માં લખેલું કે જો તમે કોઈ સ્વિસ બૅન્કરને ઊંચી ઇમારતની બારીમાંથી નીચે કૂદકો મારતાં જુઓ તો સમજવું કે એમાં પણ એનો કોઈ ફાયદો છુપાયેલો હશે.

હિટલરનો રાક્ષસી પંજો પડ્યો ત્યાં સુધીમાં યુરોપભરના યહૂદીઓએ કુલ કેટલી સંપત્તિ સ્વિસ બૅન્કોમાં જમા કરાવી હશે એનો સાચો આંકડો તો ક્યારેય બહાર આવ્યો નથી, પરંતુ છેલ્લા દાયકાઓથી યહૂદી સંગઠનોએ ચલાવેલી ચળવળોને કારણે એટલું બહાર આવ્યું છે કે સ્વિસ બૅન્કો પાસે ૧૭૫૬ યહૂદી ખાતેદારોની ૪૫૦ લાખ ડૉલર જેટલી રકમ એમની પાસે પડી છે. ત્યાર પછી બહાર પડેલા ૭૭૬ યહૂદી ખાતેદારોના લિસ્ટમાં બીજા ૩૨૦ લાખ ડૉલર સ્વિસ બૅન્કો પાસે હોવાનું પણ બહાર આવ્યું. છતાં આ આંકડો માત્ર હિમશિલાની ટોચ જેવો જ હોવાની પૂરી શક્યતા છે. વળી બીજા વિશ્વયુદ્ધ વખતે વૉરમાં સામેલ ન થવા માટે સ્વિટ્ઝરલૅન્ડે હિટલર સાથે એવી સમજૂતી કરેલી કે હિટલર જે દેશોની સંપત્તિ લૂંટે એ સ્વિસ બૅન્કોમાં જમા કરાવે અને બદલામાં સ્વિટ્ઝરલૅન્ડ એને ખાધાખોરાકી-હથિયારો વગેરે પૂરાં પાડે. આ રીતે બીજા વિશ્વયુદ્ધ વખતે બેલ્જિયમ અને નેધરલૅન્ડ્સમાંથી નાઝી જર્મનીએ લૂંટેલું અનુક્રમે ૨૪૦ ટન અને ૧૭૦ ટન સોનું પણ સ્વિસ બૅન્કોમાં ખડકાયું. આ પણ માત્ર જાહેર થયેલો આંકડો છે. માતેલા સાંઢ જેવા હિટલરે જે ડઝનેક દેશોને લૂંટેલા એની કેટલી સંપત્તિ સ્વિસ બૅન્કોમાં જમા થઈ હતી એનો આંકડો તો આજ દિન સુધી બહાર નથી આવ્યો. બીજી બાજુ યહૂદીઓની માઠી બેઠી એટલે એ લોકો પોતાની સંપત્તિ સ્વિસ બૅન્કો પાસેથી પાછી ન મેળવી શક્યા. ઉપરાંત જે હતભાગી યહૂદીઓ હિટલરના કૉન્સન્ટ્રેશન કૅમ્પોમાં માર્યા ગયેલા તેમની વીંટી, ચેઇન અને ઇવન સોનાના દાંત પણ નાઝીઓ કઢાવી લેતા. આ બધું સોનું પણ ઓગાળીને એની પાટો બનાવીને સ્વિસ બૅન્કોમાં જમા કરવામાં આવતું હતું. માત્ર સોનું અને નાણાં જ નહીં, નાઝીઓએ જીતેલા દેશોમાં જે અણમોલ કલાકૃતિઓની લૂંટ મચાવેલી એવી લાખોની સંખ્યામાં મૂર્તિઓ, ચિત્રો, ખજાનો વગેરે પણ સ્વિસ બૅન્કોનાં લોકરોમાં ખડકાયું. આખરે બીજા વિશ્વયુદ્ધના અંતે ખુદ હિટલરનું જ પતન થયું એટલે તેના પક્ષેથી પણ સંપત્તિ પાછી ક્લેમ કરવા માટે કોઈ રહ્યું નહીં. સરવાળે સ્વિસ બૅન્કો જ નફામાં રહી. બેની લડાઈમાં ત્રીજો ફાવી જાય એમ યહૂદીઓ અને નાઝીઓ એમ બન્નેની સંપત્તિ આખરે તો સ્વિસ બૅન્કોમાં જ જમા થઈ.

હા, જોકે વિશ્વયુદ્ધ પૂરું થયા પછીનાં વર્ષોમાં જે જાતભાતની સંધિઓ થઈ એમાં સ્વિસ બૅન્કોમાં જમા થયેલી સંપત્તિ એના મૂળ હકદારોને પાછી આપવાનો પણ સમાવેશ થતો હતો, પરંતુ સ્વિસ બૅન્કોએ જે પરત કર્યું એ ચણામમરાથી વિશેષ નહોતું. ફૉર એક્ઝામ્પલ, નેધરલૅન્ડ્સે નાઝીઓએ લૂંટીને સ્વિસ બૅન્કમાં જમા કરાવેલું પોતાનું ૧૭૦ ટન સોનું પાછું માગ્યું તો એની સામે સ્વિસ બૅન્કોએ માત્ર ૪૬ ટન સોનું જ પરત આપ્યું. એ જ રીતે ૧૯૪૬ની વૉશિંગ્ટન સમજૂતીમાં સ્વિસ બૅન્કોએ ૨૫ કરોડ સ્વિસ ફ્રાન્કનું સોનું આપીને પોતાનું પલ્લું ઝાડી નાખ્યું હતું. ત્યાર પછી ૧૯૬૨ સુધીમાં સુષુપ્ત પડેલાં ખાતાંઓના વારસદારોને શોધીને તેમનું નાણું પરત આપવાની પ્રક્રિયામાં સ્વિસ બૅન્કોએ ૯૫ લાખ સ્વિસ ફ્રાન્ક ચૂકવી આપ્યા હોવાની વાત જાહેર કરવામાં આવેલી. જોકે આ બધી જ વાતમાં ધ ગ્રેટ સીક્રસીની દીવાલને કારણે પાશેરામાં કેટલી પૂણી ચૂકવાઈ છે એ તો સ્વિસ બૅન્કો જાણે અથવા તો જીઝસ જાણે.

બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વ જ્યારે સ્થિર થવા લાગ્યું ત્યારે સ્વિસ બૅન્કોની સીક્રસીના કાયદાનું ખાસ વજૂદ રહેતું નહોતું, પરંતુ આ કાયદાને લીધે જ સ્વિસ બૅન્કો કરચોરી, દાણચોરી, માફિયાગીરી, રાજકીય નેતાઓનાં ભ્રક્ટાચારી નાણાં વગેરે સાચવવાનું સ્વર્ગ બની ગયેલું. સ્વાભાવિક છે દર વર્ષે ખડકાતો આવો પ્રચંડ દલ્લો કોણ જતો કરે? ઇવન ૧૯૮૪માં સ્વિટ્ઝરલૅન્ડમાં બૅન્ક સીક્રસીનો આ કાયદો રદ કરવા માટેનો દેશવ્યાપી જનમત લીધેલો, જેમાં અધધધ ૭૩ ટકા લોકોએ આ કાયદો યથાતથ જાળવી રાખવાની તરફેણમાં મત આપેલો. એ વાત જાણીતી છે કે સ્વિસ બૅન્કોને પોતાની પર્સનલ બૅન્ક બનાવનારાઓમાં ફિલિપીન્સનો આપખુદ શાસક ફર્ડિનાન્ડ માર્કોસ, ઈરાનનો શહેનશાહ મોહમ્મદ રેઝા પહેલવી, જૉર્ડનનો રાજા હુસેન, ઇન્ડોનેશિયાનો જનરલ સુહાર્તો, યુગાન્ડાનો સરમુખત્યાર ઈદી અમીન ઉપરાંત પાકિસ્તાનના મિસ્ટર ટેન પર્સન્ટ આસિફ અલી ઝરદારીનો પણ સમાવેશ છે. આપણને સહેજે સવાલ એ થાય કે તો પછી ભારતના કેટલા રૂપિયા સ્વિસ બૅન્કોમાં પડ્યા છે? વિવિધ અંદાજો પ્રમાણે ૧૫૦૦ અબજ ડૉલરથી લઈને ૫૦૦ અબજ ડૉલર સુધીના આંકડા ઊછળતા રહે છેસ પરંતુ ૨૦૧૦ના અંત સુધીમાં સ્વિસ નૅશનલ બૅન્કે જાહેર કરેલો આંકડો હતો ૨.૧ અબજ ડૉલર ઓન્લી! ઓવરઑલ જોઈએ તો સ્વિટ્ઝરલૅન્ડની બૅન્કો વિશ્વના દેશોની કુલ ઑફશૉર એટલે કે પરદેશમાં રહેલી મૂડીનો ૨૭ ટકા ભાગ સાચવીને બેઠી છે.

€€€

સામાન્ય રીતે લોકોમાં એવી છાપ છે કે સ્વિસ બૅન્ક એ સ્વિટ્ઝરલૅન્ડમાં આવેલી કોઈ બૅન્કનું નામ છે. પણ ના, સ્વિસ બૅન્ક એ વાસ્તવમાં સ્વિટ્ઝરલૅન્ડમાં કાર્યરત ૨૮૩ જેટલી બૅન્કો અને પ્રાઇવેટ બૅન્કર્સનું સંયુક્ત નામ છે. એમાં યુનિયન બૅન્ક ઑફ સ્વિટ્ઝરલૅન્ડ (UBS) અને ક્રેડિટ સુઈસ સૌથી મોટી બૅન્કો છે. એકમાં રામ અને એકમાં ગામની જેમ આ બન્ને બૅન્કો જ સમગ્ર સ્વિટ્ઝરલૅન્ડની પચાસ ટકાથી પણ વધારે થાપણો અને અકાઉન્ટ્સને સાચવે છે. સ્વિસ બૅન્કિંગની સત્તાવાર વેબસાઇટ જણાવે છે કે તેઓ જ ક્રૉસ બૉર્ડર ઍસેટ મૅનેજમેન્ટમાં નંબર વન છે. આ બન્ને બૅન્કોને ધ બિગ ટૂ તરીકે ઓળખવામાં આવે છે. સ્વિટ્ઝરલૅન્ડમાં આવેલી બૅન્કો પણ પાછી અલગ-અલગ કૅટેગરીઓમાં વહેંચાયેલી છે. આ બિગ ટૂ ઉપરાંત બીજી કૅટેગરી છે કૅન્ટોનલ બૅન્કોની. સ્વિટ્ઝરલૅન્ડમાં છવ્વીસ કૅન્ટોન્સ એટલે કે રાજ્યો આવેલાં છે. આ છવ્વીસ રાજ્યોમાં થઈને ચોવીસ કૅન્ટોનલ બૅન્કો આવેલી છે. આ કૅન્ટોનલ બૅન્કો સંપૂર્ણ અથવા તો મૅજોરિટી હિસ્સા તરીકે કૅન્ટોન્સને હસ્તક હોય છે. સ્વિટ્ઝરલૅન્ડના ટોટલ બૅન્કિંગ બિઝનેસના ત્રીસ ટકા જેટલો બિઝનેસ આ કૅન્ટોનલ બૅન્કો કરે છે. સ્વિટ્ઝરલૅન્ડમાં ૧૩ પ્રાઇવેટ બૅન્કો આવેલી છે. ત્યાંના સ્થાનિક લોકો તથા વેપારીઓ સાથે મોટે ભાગે મૉર્ગેજ અને બિઝનેસ લોનનું કામકાજ કરતી બૅન્કો રીજનલ અને લોકલની કૅટેગરીમાં આવે છે. આખા સ્વિટ્ઝરલૅન્ડમાં ૧૨૦૦ સ્થળોએ પોતાની હાજરી ધરાવતી રાઇફાઇઝન ગ્રુપની બૅન્ક ત્યાંની ત્રીજી સૌથી મોટી બૅન્ક છે. જ્યારે ત્યાંની અમુક બૅન્કો ત્યાંની પબ્લિક લિમિટેડ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવે છે, જે પોતાના દેશી-વિદેશી ક્લાયન્ટ્સની ઍસેટ્સનું મૅનેજમેન્ટ કરે છે. આ ઉપરાંત પણ ત્યાં કેટલીક નાની પ્રાઇવેટ બૅન્કો તથા ફૉરેનની બૅન્કો પણ આવેલી છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે જેમાં ખાતું ધરાવતા લોકોનું લિસ્ટ સુપ્રીમ ર્કોટને સોંપ્યું એ HSBC (હૉન્ગકૉન્ગ ઍન્ડ શાંઘાઈ બૅન્કિંગ કૉર્પોરેશન) એ જિનીવાસ્થિત આવી જ એક ફૉરેનની બૅન્ક છે.

€€€

સ્વિસ બૅન્કોમાં એકાઉન્ટ ખોલાવવા વિશે અરવિંદ કેજરીવાલે એક સમયે કહેલું કે એ આપણે ત્યાંની સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયામાં અકાઉન્ટ ખોલાવવા કરતાં પણ સહેલું છે. તેમણે એક નંબર આપીને કહેલું કે આ નંબર પર કૉલ કરો અને સાંજ સુધીમાં સ્વિસ બૅન્કનો માણસ તમારી પાસે આવીને ખાતું ખોલાવવાની પ્રક્રિયા કરી જશે. હકીકતમાં એવી ઘણી સ્વિસ બૅન્કો અસ્તિત્વ ધરાવે છે જે ટપાલ કે ઇવન ફૅક્સ દ્વારા પણ તમારું અકાઉન્ટ ખોલી આપે. અરે, તમને સ્વિસ બૅન્કમાં એકાઉન્ટ ખોલાવી આપનારી કંપનીઓ પણ મોજૂદ છે! સ્વિસ બૅન્કર્સ અસોસિએશન કહે છે કે આમ તો અઢાર વર્ષથી ઉપરની વિશ્વની કોઈ પણ વ્યક્તિ સ્વિસ બૅન્કમાં ખાતું ખોલાવી શકે છે, પરંતુ એ વ્યક્તિ પૉલિટિકલી એક્સપોઝ્ડ ન હોવી જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો સ્વિસ બૅન્કોને એ વ્યક્તિ જોખમી ન લાગવી જોઈએ, પરંતુ સ્વિસ બૅન્કોના આગળ ઉપર જણાવ્યા તેવા ખાતેદારો (જેમ કે હિટલર)ને ધ્યાનમાં લેતાં સ્વિસ બૅન્કોની આ વાત માનવાનું મન થાય નહીં. સ્વિસ બૅન્કો કહે છે કે જો તમારા દેશમાં અમારી બૅન્કની શાખા ન હોય તો તમે સીધી હેડ-ઑફિસનો સંપર્ક સાધીને ખાતું ખોલાવી શકો છો. જોકે સ્વિસ બૅન્કમાં ખાતું ખોલાવવા માટે આનાથી વધારે કોઈ નિયંત્રણો નથી. વળી મિનિમમ બૅલૅન્સ તરીકેની રકમ પણ બૅન્ક પ્રમાણે અને ખાતાના પ્રકાર પ્રમાણે બદલાતી રહે છે. જે લોકો ખાસ કાળું નાણું રાખવા માટે સ્વિસ બૅન્કોમાં ખાતાં ખોલાવે છે તેઓ એ વાતનું ખાસ ધ્યાન રાખે છે કે તે એવી જ સ્વિસ બૅન્કમાં ખાતું ખોલાવે જેની પોતાના દેશમાં બ્રાન્ચ ન હોય અને જેથી તેને એ દેશના કાયદાનું પાલન કરવાની ફરજ પડે જ નહીં.

સ્વિસ બૅન્કો વિશે કહેવાય છે કે એમાં અમુક ખાસ પ્રકારનાં ઍનૉનિમસ અકાઉન્ટ્સ ખોલાવી શકાય છે. મતલબ કે સ્વિસ બૅન્કને તેનો ખાતેદાર કોણ છે અને એ ખાતામાં આવતાં નાણાં કોનાં છે અને ક્યાંથી આવે છે તેની કશી ખબર જ ન હોય. હવે સ્વિસ બૅન્કો સોય ઝાટકીને કહે છે કે આવું ઍનૉનિમસ પ્રકારનું કોઈ ખાતું અસ્તિત્વમાં જ નથી!

સ્વિસ બૅન્કોને થ્રિલરની કૅટેગેરીમાં મૂકી આપતી એક સુવિધા છે નંબર્ડ અકાઉન્ટ્સ. આમાં ખાતું તો રેગ્યુલર અકાઉન્ટ્સની જેમ જ ખૂલે, પરંતુ એમાં ટ્રાન્ઝૅક્શન કરવા માટે ખાતેદારને પોતાનું નામ આપવાની જરૂર નહીં. માત્ર એક નંબર અથવા તો કોડ આપી દેવામાં આવે, જેના મારફતે એ નાણાંની લેતી-દેતી કરી શકે. જોકે સ્વિસ બૅન્કો એવું કહે છે કે ‘ઇન્ટરનૅશનલ ટ્રાન્ઝૅક્શન્સ માટે અમે આવાં નંબર્ડ અકાઉન્ટ્સનો ઉપયોગ કરવાની છૂટ આપતા નથી, કેમ કે આંતરરાષ્ટ્રીય ધારાધોરણો પ્રમાણે અમારે ઇન્ટરનૅશનલી ફન્ડ ટ્રાન્સફર કરતી વખતે ખાતેદારનું નામ, સરનામું, અકાઉન્ટ નંબર વગેરે માહિતી આપવી પડે છે.’ હવે આ વાતની ખરાઈ તો જેમનું સ્વિસ બૅન્કમાં ખાતું હોય તે જ કરી શકે, પરંતુ એટલું ખરું કે સ્વિસ બૅન્કમાં ખાતું ધરાવનારી વ્યક્તિની માહિતી બૅન્કના મુઠ્ઠીભર લોકો સિવાય કોઈનેય નથી હોતી. હા, જોકે આવા નંબર્ડ ખાતાની સુવિધા મેળવવા માટે તમારે મિનિમમ એક લાખ ડૉલરની ડિપોઝિટ બૅન્કમાં રાખવી પડે અને આ સુવિધા પેટે વર્ષે ત્રણસો ડૉલર પણ બૅન્કને આપવા પડે.

અહીં એક સવાલ એવો થઈ શકે કે જો ખાતેદાર દુનિયાના ગમે એ ખૂણે હોય અને તેની ઓળખ બૅન્કના જૂજ લોકો પૂરતી સીમિત હોય તો તેના ખાતામાં પડેલાં નાણાંનું શું થાય? એના જવાબમાં એવી જોગવાઈ છે કે જો તમારા ખાતામાં સળંગ દસ વર્ષ સુધી કોઈ ટ્રાન્ઝૅક્શન જ ન થાય તો એ ખાતું થોડા સમય માટે ડૉર્મન્ટ-સુષુપ્તાવસ્થામાં જતું રહે છે. ત્યાર પછી ત્યાંના કાયદા પ્રમાણે બૅન્કોને તમારી શોધમાં નીકળવાની છૂટ મળે છે. જો બૅન્ક તમને શોધી ન શકે અથવા તો ન કરે નારાયણ અને તમે વૈકુંઠધામ પહોંચી ગયા હો તો બૅન્ક તમારા વારસદારોની શોધ આદરે છે. આવી સ્થિતિ ન સર્જા‍ય એટલા માટે જ સ્વિસ બૅન્કો એવી સલાહ આપે છે કે તમે તમારા સિવાય એક વ્યક્તિની માહિતી આપી રાખો અથવા તો એક સીલબંધ કવરમાં એવું લખી રાખો કે આ ખાતાનાં નાણાં કોને મળે અને એ કવર માત્ર તમારા નિધન બાદ જ ખોલવામાં આવે.

€€€

આમ તો સ્વિસ બૅન્કો કહે છે કે અમે મની-લૉન્ડરિંગ અને ટૅક્સ ઇવેઝનવાળાં ખાતાંઓની સખત વિરુદ્ધ છીએ અને જે-તે દેશના ખાતેદારોને સજા કરાવવા માટે તેમના દેશને સહયોગ આપીશું, પરંતુ સ્વિસ બૅન્કોનો ઇતિહાસ કહે છે કે આ વાતમાં માનનારા શેખચલ્લીનાં સપનાં જ જુએ છે. મતલબ કે સ્વિસ બૅન્કોમાં ખાતાં ખોલાવીને કાળું નાણું ત્યાં રાખીને બેઠેલા ભારતીયો ઉઘાડા પડશે અને તેમનો હજારો કરોડ રૂપિયાનો દલ્લો ભારત પાછો આવશે એ પણ સુખદ કલ્પનાથી વિશેષ, ઍટ લીસ્ટ અત્યારે તો જણાતું નથી. એમ છતાં અમેરિકાએ પણ પોતાને ત્યાં ટૅક્સની ચોરી કરીને સ્વિસ બૅન્કોમાં નાણાં મૂકી દેતા ચોરટાઓની માહિતી ઓકાવવા માટે લાલ આંખ કરવાની શરૂ કરી દીધી છે. એ રીતે આપણે પણ આ વાતનો તંત મૂકવો ન જોઈએ.

ટૅક્સ હેવન : ટૅક્સક્યુઝ મી પ્લીઝ!

ઓછો નફો અને બહોળો વેપાર એ ધંધો વધારવાની એક પુરાણી નીતિ છે. વિદેશી નાણું પોતાને ત્યાં આકર્ષવા માટે ઘણા દેશો પણ કંઈક આવી જ નીતિ અપનાવે છે. એવું રાજ્ય કે દેશ-પ્રદેશ, પોતાને ત્યાં ટૅક્સનું પ્રમાણ અત્યંત ઘટાડી દે અથવા તો ઝીરો કરી દે તો એવાં સ્થળો માટે ટૅક્સ હેવન એવો શબ્દ વપરાય છે. ટૅક્સ જસ્ટિસ નેટવર્ક નામના સંગઠનના ૨૦૧૨ના આંકડા કહે છે કે આખા વિશ્વમાં અત્યારે ૨૧થી ૩૨ ટ્રિલ્યન ડૉલર્સ જેટલાં નાણાં ટૅક્સ હેવનમાં સલવાયેલાં છે. સીધી વાત છે, જે-તે દેશ સંપત્તિ પર ટૅક્સ એટલા માટે જ ઉઘરાવતી હોય છે કે એ નાણાંમાંથી દેશને ચલાવી શકાય, પરંતુ ટૅક્સથી બચવા માટે ચોરટાઓ આવા ટેક્સ હેવનમાં નાણાં સંતાડી દે છે. એને કારણે ભારત જેવા વિકાસશીલ દેશનાં નાણાં ટૅક્સ હેવનમાં ફાજલ પડ્યાં રહે છે જે આપણા જેવા દેશનો વિકાસ રૂંધે છે અને બીજી બાજુ એ નાણાંનો દુરુપયોગ પણ નકારી શકાતો નથી.

અમેરિકાનો નૅશનલ બ્યુરો ઑફ ઇકૉનૉમિક રિસર્ચ કહે છે કે વિશ્વના લગભગ ૧૫ ટકા જેટલા દેશો ટૅક્સ હેવનની કૅટેગરીમાં આવે એવું કરમાળખું ધરાવે છે. આવા દેશ કે સ્વાયત્ત વિસ્તારો ભલે કદમાં અંગૂઠા જેવડા હોય, પણ એ સારી રીતે ચલાવવામાં આવતા હોય અને રાજકીય-આર્થિક રીતે સ્થિર હોય તો એ આસાનીથી ટૅક્સ હેવન બની શકે છે. સ્વિટ્ઝરલૅન્ડ ઉપરાંત લક્ઝમબર્ગ, આયર્લેન્ડ, નેધરલૅન્ડ્સ જેવા દેશો ઉપરાંત જર્ઝી, આઇલ ઑફ મેન, બમુર્ડા, બ્રિટિશ વર્જિલ આઇલૅન્ડ્સ, કેમેન આઇલૅન્ડ્સ, અમેરિકાના ડેલવર અને પ્યુએર્ટો રિકો વગેરે જાણીતા ટૅક્સ હેવન છે.

ઞ્-૨૦ દેશોની ૨૦૦૯ની સમિટમાં દેશો એ વાતે સહમત થયેલા કે આપણામાંના જે દેશો ટૅક્સનાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણોનું પાલન ન કરે એને ચાર અલગ-અલગ કૅટેગરીઓમાં વહેંચીને બ્લૅક-લિસ્ટ કરવા. આવા વિસ્તારોમાં હૉન્ગકૉન્ગ, મકાઉ, મૉન્ત્સેરાત (કૅરિબિયન ટાપુ), નાઉરુ, વનુઆતુ જેવા ટાપુઓ, પનામા, ગ્વાટેમાલા, કોસ્ટા રિકા, ઉરુગ્વે વગેરે આવાં બ્લૅક-લિસ્ટમાં સ્થાન પામેલા ટૅક્સ હેવન્સ છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports