Translate

BSE-NSE Ticker

Thursday, November 20, 2014

બજારમાં કરેક્શન જોઈ રહેલા ટ્રેડર્સ

છેલ્લાં કેટલાંક ટ્રેડિંગ સેશનમાં જે રીતે સાંકડી વધ-ઘટ અને દિવસ દરમિયાન જોવા મળતી નાની વેચવાલી પાછળ માર્કેટ ટ્રેડર્સમાં બજારને લઈ ઘટાડાનો મત વધતો જોવા મળી રહ્યો છે.

ઇક્વિટી ટ્રેડર્સ માને છે કે નિફ્ટીમાં આગામી કેટલાંક સત્રોમાં એકાદ તીવ્ર ઘટાડો સંભવ છે જેનું કારણ કદાચ કોમોડિટીઝ ખાસ કરીને ક્રૂડમાં લાંબા કરેક્શન બાદ નોંધપાત્ર સુધારો હોઈ શકે છે.

કોમોડિટી એનાલિસ્ટ પણ માને છે કે ક્રૂડ અને સોનું-ચાંદી હાલમાં બોટમ આઉટ થવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આગામી દિવસોમાં તેમાં ટકાઉ સુધારો જોવા મળી શકે છે. જો આમ થશે તો 'ઓવર બોટ' ઝોનમાં જોવા મળતા ઇક્વિટી બેન્ચમાર્ક્સમાં 3-5 ટકાનો ઘટાડો આવી શકે છે.

''હાલમાં ક્રૂડમાં પ્રત્યાઘાતી સુધારો જણાઈ રહ્યો છે. એવું લાગે છે કે ક્રૂડ 5-7 ટકા જેટલો ઝડપી ઉછાળો દર્શાવે.'' એમ કુંવરજી કોમોડિટીઝના એનાલિસ્ટ હિરેન શાહ જણાવે છે. તેમના મતે ચાંદી પણ સુધરી શકે છે. જોકે બજારમાં સાર્વત્રિક અભિપ્રાય લગભગ આવો જ છે.

મોટા ભાગના ટ્રેડર્સ માને છે કે કોમોડિટીઝના ભાવમાં છેલ્લા બે મહિનામાં ધારણાથી વધારે પડતો ઘટાડો આવી ચૂક્યો છે. જ્યારે ઇક્વિટીઝમાં ઊર્ધ્વ ગતિએ સુધારો જોવાયો છે, જે જોખમી છે. સ્થાનિક બજાર સાથે વૈશ્વિક બજારો (પશ્ચિમી બજારો) લગભગ તેમની સર્વોચ્ચ ટોચની નજીક છે અને તેથી વર્તમાન સ્તરે કરેક્શન હાથવેંતમાં છે.

"નિફ્ટીમાં લાંબા ગાળાની તેજી અકબંધ છે. જોકે ટૂંકા ગાળામાં મને એક કરેક્શન બેસે છે, જે અલ્પજીવી અને તીવ્ર હોઈ શકે છે." એમ અમદાવાદ સ્થિત ટ્રેડર નિમેષ સોની જણાવે છે. તેઓ નિફ્ટીમાં 8,200નો સ્તર જુએ છે. જો આ સ્તર તૂટે તો એવું બને કે નિફ્ટી 8050 પણ દર્શાવે. જોકે તેઓ હજુ પણ શોર્ટ પોઝિશન લેવાનું ટાળી રહ્યા છે.

"બજારમાં ત્યારે જ શોર્ટ લેવું હિતાવહ છે જ્યારે તે ટોચથી ૨-૩ ટકા જેટલું કરેક્ટ થઈ ચૂક્યું હોય. હાલમાં તે ગ્રીન ઝોનમાં ખૂલી વેચવાલી પાછળ રેડ બને છે પરંતુ દરેક વખતે સપોર્ટ મેળવીને પાછું ફરે છે અને તેથી ઇન્ટ્રા-ડે કરેક્શનથી કામ પૂરું થતું જોવા મળે છે.'' એમ સોની જણાવે છે.

તેમના મતે નિફ્ટી 8,300ની નીચે બંધ આપે ત્યારે શોર્ટ લેવામાં જોખમ ઓછું છે. બુધવારે નિફ્ટી 44 પોઇન્ટના ઘટાડે 8,382ની સપાટી પર બંધ રહ્યો હતો. છેલ્લાં 10 ટ્રેડિંગ સત્રોમાં તે હંમેશા નીચે ગયા બાદ પાછો ફરતો હતો. જોકે બુધવારે તે ગ્રીન ઝોનમાં બંધ રહેવામાં સફળ નહોતો રહ્યો. જે ક્યાંક બજાર થાક ખાતું હોવાનો સંકેત આપે છે.

રાજકોટ સ્થિત બ્રોકિંગ કંપનીના ડીલરના મતે બજારને ઇન્ટ્રા-ડે તોડવામાં મંદીવાળાઓ સફળ થઈ રહ્યા નથી, પરંતુ તે ઓવરનાઇટ તીવ્ર ઘટાડો દર્શાવી શકે છે. "બજારમાં વધુ પડતી તેજી થઈ ગઈ છે અને તેથી ઘટાડો બેસે જ છે. દિવસ દરમિયાન વેચવા જનાર પાછળથી ઝડપાઈ જાય છે અને તેથી ટ્રેડર્સ મંદી રાખી જવાનું ટાળે છે.

આ સ્થિતિમાં ક્યારેક ગેપમાં નીચે ખૂલીને પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળે તેવું બને છે." એમ તેઓ કહે છે. છેલ્લાં સત્રોમાં નિફ્ટી લગભગ 15-20 પોઇન્ટના પોઝિટિવ ગેપમાં જ ખૂલ્યો છે અને ત્યાર બાદ ફ્લેટ અથવા નેગેટિવ થયા બાદ આખરે સુધારા સાથે બંધ આવ્યો છે.

બજારમાં રોટેશન જોવા મળે છે પરંતુ તે પણ લાંબું ટકતું નથી. જેમ કે છેલ્લાં કેટલાંક સત્રોમાં બેંકિંગ શેરોમાં લેવાલી જોવાતી હતી. જોકે બુધવારે પીએસયુ બેંકોમાં ઊંચાં કામકાજ સાથે વેચવાલી જોવા મળી હતી અને મોટા ભાગનાં કાઉન્ટર્સ ૫ ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports