Translate

Thursday, September 18, 2014

ગૂગલના એન્ડ્રોઇડ વનથી નેટ, એપ બિઝનેસમાં ક્રાંતિની આશા

ગૂગલના એન્ડ્રોઇડ વન પ્લેટફોર્મ હેઠળ સારા હાર્ડવેર અને અદ્યતન સોફ્ટવેરવાળો ફોન એકંદરે પોસાય તેવી કિંમતમાં રજૂ થતાં દેશમાં સ્માર્ટફોનના વેચાણ અને મોબાઇલ ઇન્ટરનેટ વપરાશકારોમાં તીવ્ર વૃદ્ધિ થશે તથા મોબાઇલ એપ બનાવવી વધારે સરળ બનશે, તેમ સ્થાનિક એપ ડેવલપર્સ માને છે.

ફોનના ફીચર્સને જોતાં તે ગેમિંગ માટે ખૂબ અનુકૂળ રહેવાનો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે કુલ ડાઉનલોડ્સનો 70 ટકા હિસ્સો વિવિધ પ્રકારની ગેમ્સનો હોય છે. હવે માત્ર હાઈસ્પીડ ઇન્ટરનેટના દર પોસાય તેવા થવાની રાહ તેઓ જોઈ રહ્યા છે.

દેશમાં ઇન્ટરનેટ અને મોબાઇલ સેક્ટર ક્ષેત્રે કામ કરતી સંસ્થા ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (આઇએએમએઆઇ)એ વર્ષ 2013ના અહેવાલમાં જણાવ્યું હતું કે દેશમાં મોબાઇલ ઇન્ટરનેટ વાપરતા ગ્રાહકોના ફોનની સરેરાશ કિંમત રૂ.7,000 હોય છે, જ્યારે એન્ડ્રોઇડ વન ફોનની કિંમત તેનાથી સહેજ નીચી છે. અહેવાલ પ્રમાણે મોબાઇલ ઇન્ટરનેટના ૨૬ ટકા વપરાશકારો રૂ.6,500 સુધીના ફોન વાપરે છે અને બીજા 31 ટકા વપરાશકારોના ફોનની કિંમત રૂ.6,501 - 10,000 રહી છે.

અમદાવાદમાં ગૂગલ બિઝનેસ ગ્રૂપના મેનેજર-ઓર્ગેનાઇઝર મિતેષ સંઘવીએ જણાવ્યું હતું કે, "ગૂગલનો આશય અત્યાર સુધી સ્માર્ટફોનથી વંચિત વિશ્વના લગભગ પાંચ અબજ લોકો સુધી પહોંચવાનો છે. એન્ડ્રોઇડ વનમાં ભારતને ગૂગલ ખૂબ અગ્રતા આપી રહી છે.

એન્ડ્રોઇડ વનથી તેને આ પહોંચ મળશે." અત્યાર સુધી એન્ડ્રોઇડનું વર્ઝન ગૂગલ તૈયાર કરતી હતી જ્યારે ફોનનું હાર્ડવેર તેમજ સ્ક્રીન સાઇઝ સેમસંગ, માઈક્રોમેક્સ, કાર્બન, લાવા, ઝોલો, સ્પાઇસ સહિતની કેટલીક કંપનીઓ તૈયાર કરતી હતી. એક જ વર્ઝન માટેના ફોનના હાર્ડવેર સ્પેસિફિકેશન્સ (પ્રોસેસર, રેમ, મેમરી અને સ્ક્રીનસાઇઝ)માં એકસૂત્રતાના અભાવથી એપ ડેવલપર કાળજી ન રાખે તો યુઝર એક્સપીરિયન્સમાં ભયંકર ઊણપ રહેતી હતી.

તેનાથી વિપરીત આઇફોનના હાર્ડવેર અને આઇઓએસ ઓપરેટિંગ સિસ્ટમની પસંદગી એપલ કંપની કરતી હતી. માઈક્રોસોફ્ટે નોકિયા ખરીદી પછી વિન્ડોઝ ફોનમાં તમામ પસંદગી માઈક્રોસોફ્ટ કરે છે. એન્ડ્રોઇડમાં માત્ર નેક્સસ મોડલમાં આમ થાય છે, જ્યારે બાકીના ડિવાઇસિઝમાં થતું નથી. પરંતુ આ તમામ ફોન એકંદરે મોંઘા છે.

પ્રથમ વખત આ સમન્વય પોસાય તેવા ભાવના (રૂ.6,300ની આસપાસ) ફોનમાં મળી રહ્યો છે. આ ભાવમાં 1.3 ગિગાહર્ટ્ઝ ક્વાડકોર પ્રોસેસર, 1 જીબી રેમ અને 4.5 ઇંચની સ્ક્રીન, એન્ડ્રોઇડનું અદ્યતન વર્ઝન અને અપગ્રેડની ખાતરીનું પેકેજ મળ્યું છે.

અમદાવાદ સ્થિત અન્ય એક કંપની ઇન્ફોસ્ટ્રેચ સોલ્યુશન્સના ડિરેક્ટર (એન્ટરપ્રાઇઝ મોબિલિટી સેલ્સ એન્ડ સ્ટ્રેટેજી) અશોક કારનિયાએ ઇટીને જણાવ્યું હતું કે, "ફીચરથી ભરપૂર ફોન સસ્તા ભાવે મળતાં સ્માર્ટફોનના વપરાશકારો વધશે અને તેના પગલે મોબાઇલ એપ્સનો ઉપયોગ વધશે. તેમાં ભારતની સ્થાનિક ભાષાઓનો પણ સમાવેશ થયો હોવાથી ફોન લોકપ્રિય રહેવાનો અંદાજ છે."

મોબાઇલ એપ્સ બનાવતી અમદાવાદ સ્થિત કંપની નિશટેક સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડના ચીફ ટેક્‌નોલોજી ઓફિસર મહેન્દ્ર શર્મા કહે છે કે, "અત્યાર સુધી એન્ડ્રોઇડ માટેના એપ્સ બનાવવામાં અમારે ઘણી બાંધછોડ કરવી પડતી હતી. એન્ડ્રોઇડ વનમાં બધી સ્પષ્ટતા હોવાથી અમને સરળતા રહે, વેલિડેશનની મગજમારી ઘટશે અને અમે ઝડપથી વધુ એપ્સ બહાર પાડી શકીશું." નિશટેકે ગુજરાતી સહિત ભારતની ૨૧ ભાષામાં ઇ-બુક્સ અને એપ્સ તૈયાર કર્યા છે.



ઇનએપ પર્ચેઝમાં કેરિયર બિલિંગ લાવવું જરૂરી: નાસ્કોમ

સસ્તા સ્માર્ટફોન્સથી મોબાઇલ એપ્સ તેમજ ગેમ્સનો વપરાશ વધશે, પરંતુ તેમાં કેરિયર બિલિંગની સુવિધા ઉમેરવામાં આવે તો એપ કે ગેમ ડેવલપર્સને મોટું પ્રોત્સાહન મળશે, તેમ દેશમાં આઇટી ઉદ્યોગની છત્ર સંસ્થા નાસ્કોમના વરિષ્ઠ હોદ્દેદારે જણાવ્યું છે. કેરિયર બિલિંગ હેઠળ ગેમ કે એપ રમતી વખતે ગ્રાહક વધારાની ખરીદી કરે તો નાણાંની વસૂલાત ટેલિકોમ સેવા પૂરી પાડતી કંપનીઓ કરે છે. આ માટે મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતી ગૂગલ, માઈક્રોસોફ્ટ કે એપલ જેવી કંપની ટેલિકોમ કંપનીઓ સાથે સમજૂતી કરે છે.

નાસકોમ ગેમિંગ ફોરમના ચેરપર્સન અને ગેમિંગ કંપની ધ્રુવા ઇન્ટરેક્ટિવના સીઇઓ રાજેશ રાવે જણાવ્યું હતું કે, "ભારતમાં આવી સુવિધાના અભાવમાં ચુકવણી ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ દ્વારા થાય છે. પરંતુ મોટા ભાગના લોકો પોતાના ફોન એકાઉન્ટ સાથે ક્રેડિટ કે ડેબિટ કાર્ડને સાંકળવાનું જોખમી માનતા હોવાથી ઇન એપ પર્ચેઝ સીમિત રહ્યું છે અને એપ ડેવલપર્સની આવકનું મહત્ત્વનો સ્રોત રૂંધાયો છે.

ગેમ્સ રમતી વખતે લોકો પોઇન્ટ્સ લેવા પ્રેરાઈને ખરીદી કરે છે. આવી ખરીદી જ ડેવલપર્સની મુખ્ય કમાણી છે. એપમાં એડ્વર્ટાઇઝમેન્ટથી થતી આવક ખૂબ મર્યાદિત છે. ચીનમાં કેરિયર બિલિંગ શરૂ કર્યાનાં બે વર્ષમાં જ એપ ઉદ્યોગ 10 ગણો થઈ ગયો હતો." ભારતમાં મોબાઇલ ગેમિંગ ઉદ્યોગનું કદ 10 કરોડ ડોલર અંદાજવામાં આવ્યું છે. આટલું ઓછું હોવા પાછળ કેરિયર બિલિંગનો અભાવ એ મહત્ત્વનું કારણ છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports