Translate

Friday, September 26, 2014

MCXને 2015માં નવા વાયદા લોન્ચ કરવા મનાઈ

વાયદા બજાર પંચ (એફએમસી)એ એમસીએક્સને 2015ના પહેલા ત્રણ મહિનામાં નવા કોન્ટ્રાક્ટ લોન્ચ કરવાની મનાઈ ફરમાવી છે. આ સ્થિતિમાં રોકાણકારોનો ગભરાટ ઓછો કરવા એમસીએક્સે બીએસઇને જણાવ્યું હતું કે, તેની ભૂતપૂર્વ પ્રમોટર ફાઇનાન્શિયલ ટેક્‌નોલોજિસ (FTIL) ચાલુ મહિનો પૂરો થતાં સુધીમાં એમસીએક્સનો હિસ્સો વેચી દેશે એવી તેને આશા છે.

કોન્ટ્રાક્ટ લોન્ચ કરવાની મનાઈ પછી તરત એમસીએક્સનો શેર દિવસના ઊંચા સ્તરથી લગભગ 6 ટકા ગબડ્યો હતો, પરંતુ ત્યાર પછી તેમાં રિકવરી જોવા મળી હતી. એફએમસીના જણાવ્યા અનુસાર એમસીએક્સમાંથી FTIL શેરધારક તરીકે સંપૂર્ણ બહાર નહીં નીકળે ત્યાં સુધી એમસીએક્સ 2015માં નવા કોન્ટ્રાક્ટ લોન્ચ નહીં કરી શકે.

એમસીએક્સે બીએસઇને એક પત્રમાં જણાવ્યું હતું કે, FTIL એમસીએક્સનો બાકી 15 ટકા હિસ્સો ક્યારે વેચશે તેની માહિતી આપવા અમે એમસીએક્સને જણાવ્યું છે. તેમણે હજુ આ અંગે કોઈ માહિતી આપી નથી. અમને આશા છે કે, એફએમસીએ જે સવાલો કર્યા છે તેનો 30 સપ્ટેમ્બર 2014 સુધીમાં જવાબ મળશે અને ટૂંક સમયમાં (કોન્ટ્રાક્ટ લોન્ચ કરવા માટે) એફએમસીની મંજૂરી મળશે.

એફએમસીએ નવા વર્ષે કોન્ટ્રાક્ટ લોન્ચ કરવાની મનાઈ ફરમાવ્યા પછી એમસીએક્સની સ્પષ્ટતાથી બજારનો ગભરાટ ઓછો થયો હતો. એફએમસીએ શુક્રવારે એમસીએક્સને પત્ર લખીને જણાવ્યું હતું કે, FTIL દ્વારા કોટક મહિન્દ્રા બેન્કને એમસીએક્સનો 15 ટકા હિસ્સો વેચવાનો સોદો શરતી જણાય છે. જેમાં હિસ્સાના વેચાણની ચોક્કસ તારીખનો ઉલ્લેખ નથી. એટલે એમસીએક્સના 15 ટકા હિસ્સાના વેચાણની વાત પર વિશ્વાસ પડતો નથી.

FTIL એમસીએક્સનો બાકી 15 ટકા હિસ્સો ક્યારે વેચશે એ બાબતે સ્પષ્ટતા કરવા એફએમસીએ એમસીએક્સને જણાવ્યું છે.

એમસીએક્સ લિસ્ટેડ હોવાથી તેણે એફએમસીના પત્રની માહિતી બીએસઇને આપી હતી. ત્યાર પછી એમસીએક્સનો શેર દિવસના ઊંચા સ્તરથી 5.6 ટકા ગબડ્યો હતો. જોકે, નીચા મથાળે થોડી લેવાલીને પગલે શેર 0.9 ટકા ઘટીને રૂ.810.05ના મથાળે બંધ રહ્યો હતો. એમસીએક્સની સ્પષ્ટતા બીએસઇની સાઇટ પર બપોરે 3.26 કલાકે મૂકવામાં આવી હતી.

એમસીએક્સે 2015માં નવા કોન્ટ્રાક્ટ લોન્ચ કરવા હશે તો તેણે FTILને શેરધારકની યાદીમાંથી દૂર કરવી પડશે. રૂ.5,600 કરોડના એનએસઇએલ કૌભાંડને પગલે એફએમસીએ FTILને એમસીએક્સના સંચાલન માટે 'અનફિટ' જાહેર કરી હતી. તેની જાહેરાત 8 મેએ કરવામાં આવી હતી. FTILએ એફએમસીના આદેશને પડકાર્યો છે.

નવા વર્ષનું કોન્ટ્રાક્ટ કેલેન્ડર લોન્ચ કરતાં પહેલાં એફએમસીએ એમસીએક્સને એનએસઇએલના કૌભાંડ પછી પીડબલ્યુસી દ્વારા કરાયેલા ફોરેન્સિક ઓડિટનાં તારણોનો અમલ કરવા જણાવ્યું છે. એમસીએક્સે જણાવ્યું હતું કે, પીડબલ્યુસીના અહેવાલનાં સૂચનોનો અમલ કરી દેવામાં આવ્યો છે અને તેની માહિતી એફએમસીને પણ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, FTIL એમસીએક્સમાં ૨૬ ટકા હિસ્સો ધરાવતી હતી. જોકે, એફએમસીના આદેશનું પાલન કરવા તેણે ૧૧ ટકા હિસ્સો જાણીતા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાને વેચી દીધો હતો. કંપનીએ જુલાઈમાં એમસીએક્સનો 15 ટકા હિસ્સો વેચવા કોટક મહિન્દ્રા બેન્ક સાથે કરાર કર્યા હતા. જોકે, હજુ આ સોદામાં શેર ટ્રાન્સફર થયા નથી.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports