Translate

Thursday, June 26, 2014

એનસીડેક્સ ખાતે એરંડા વાયદો મહિનામાં 16 ટકા ઊછળ્યો

અમદાવાદ : એરંડાના ભાવમાં તેજી પાછી ફરી છે . બજાર વર્તુળો વરસાદ ખેંચાવાને અખાદ્ય તેલીબિયાંમાં તેજીનું કારણ ગણાવી રહ્યા છે . એનસીડેક્સ ખાતે જુલાઈ ડિલિવરી એરંડા વાયદો બુધવારે રૂ .4,512 ની ત્રણ મહિનાની ટોચ પર પહોંચ્યો હતો .

જે છેલ્લા એક મહિનામાં એરંડાના ભાવમાં 16.5 ટકાની વૃદ્ધિ સૂચવે છે . 29 મેના રોજ જુલાઈ વાયદો રૂ .3,873 ની સપાટી પર જોવા મળ્યો હતો . ડિસેમ્બર 2013 માં રૂ .5,000 ની સપાટી નજીક પહોંચ્યા બાદ એરંડાના ભાવમાં નોંધપાત્ર મંદી જોવા મળી હતી અને તે રૂ .4,000 ની નીચે ચાલ્યા ગયા હતા .

રૂપિયામાં મજબૂતી પણ એરંડામાં નરમાઈનું એક કારણ હતું . જોકે નવો માલ આવવાને હજુ સાત મહિનાની વાર છે અને માગ સામે પુરવઠો ઓછો જોવા મળી રહ્યો છે જે ભાવને મજબૂત ટકાવી રાખે તેવી પ્રબળ શક્યતા વ્યક્ત થઈ રહી છે .

એરંડામાં દૈનિક જરૂરિયાત સામે પુરવઠો ઓછો છે . સ્ટોકિસ્ટો પાસેનો માલ ખવાઈ રહ્યો છે . વિદેશવાળા નીચા ભાવની અપેક્ષામાં માલ લઈ શક્યા નથી અને તેથી હવે તેમની લેવાલી નીકળશે . જે ભાવને વધુ બળ પૂરું પાડશે . એમ ગોકુલ રિફોઇલ્સના એમડી કનુભાઈ ઠક્કર જણાવે છે .

તેમના મતે જો વરસાદ સામાન્ય રહેશે તો ભાવ વધતાં અટકી શકે છે . અન્યથા તેમાં હજુ પણ વૃદ્ધિ શક્ય છે . હાલમાં લગભગ 8 લાખ ટન માલ પડ્યો છે . નવો પાક આવવાને સાત મહિના બાકી છે . હાલમાં દૈનિક 80,000 ગૂણી ખવાઈ રહી છે . જ્યારે આવક 45-50,000 ગૂણીની છે . આમ 30,000 બોરીની ખાધ જોવા મળી રહી છે . જેની પૂર્તિ સ્ટોકિસ્ટ્સ કરી રહ્યા છે .

નવાઈની વાત છે કે વિદેશી ખરીદદારો ભાવમાં ઘટાડાની અપેક્ષાએ છેલ્લા 15 દિવસોમાં કોઈ ખરીદી કરી શક્યા નથી અને જોતજોતાંમાં ભાવ વધી ગયા છે . તેમણે ઊંચા ભાવે ખરીદી તો કરવી પડશે . આજે નહીં , કાલે લઈશું એવું કરવામાં વિદેશીઓ માલ લઈ શક્યા નથી અને તેથી તેમણે હવે ખરીદી કરવી પડશે . એમ ઠક્કર જણાવે છે , જે ભાવમાં વધુ મજબૂતી લાવશે .

બુધવારે ફેક્ટરી પહોંચ રૂ .860 (20 કિગ્રા ) ના ભાવ જોવા મળ્યા હતા . માલની અછત જોતાં નજીકમાં રૂ .900 ની સપાટી જોવા મળે તેવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે . કોમોડિટી એનાલિસ્ટ્સ માને છે કે દુષ્કાળની સંભાવના અને ભવિષ્યમાં રૂપિયામાં નરમાઈની શક્યતાને જોતાં ભાવમાં મજબૂતી સંભવ છે .

વરસાદ ખેંચાવા પાછળ ખરીફ પાકોની વાવણી પર અસર થશે અને સેન્ટિમેન્ટ તેજીનું બનશે . એમ કુંવરજી કોમોડિટીઝના સિનિયર એનાલિસ્ટ દિલીપ પરમાર જણાવે છે . તેમના મતે આગામી સપ્તાહ વરસાદ માટે ખૂબ મહત્ત્વનું છે . જો દેશમાં ચોમાસુ આગળ નહીં વધે તો કૃષિ જણસોના ભાવ ઊછળી શકે છે . હજુ સુધી જૂન મહિનામાં સરેરાશ સામે 45 ટકા વરસાદની ખાધ વર્તાઈ રહી છે .

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports