Translate

BSE-NSE Ticker

Monday, June 23, 2014

મલ્ટિપ્લેક્સ : અજીબ દાસ્તાં હૈ યે...શગુફ્તા રફિકનું જીવન

Sandesh - Sanskar Purti - 24 Nov 2013

મલ્ટિપ્લેક્સ 
બાર ડાન્સર તરીકે કામ કરવુંવેશ્યા બનીને શરીર વેચવુંઆખી જિંદગી એક બાસ્ટર્ડ તરીકે વિતાવવીઆમ છતાંય લેખક બનવાનું પોતાનું સપનું જીવતું રાખવું ને આખરે બોલિવૂડના સક્સેસફુલ રાઇટર તરીકે ખુદને પ્રસ્થાપિત કર્યા બાદ ફિલ્મ ડિરેક્શન તરફ ગતિ કરવી! ખરેખરશગુફ્તા રફિકનું જીવન કોઈ ફિલ્મની કથા કરતાં ઓછું ઘટનાપ્રચુર નથી.


હે છેને કે ફેક્ટ ઇઝ સ્ટ્રેન્જર ધેન ફિક્શન. કલ્પના કરતાં સચ્ચાઈ અનેક ગણી વધારે આશ્ચર્યકારક, વધારે સુખદાયી, વધારે આઘાતજનક અને વધારે પીડાદાયી હોઈ શકે છે. શગુફ્તા રફિકના જીવન વિશે જાણીએ ત્યારે આ સત્ય વધારે બોલકું બનીને સામે આવે છે. શગુફ્તા રફિક એટલે 'વો લમ્હેં' (૨૦૦૬),'જન્નત-ટુ' (૨૦૧૨) અને 'આશિકી-ટુ'(૨૦૧૩) જેવી ફિલ્મોનાં લેખિકા. રાઇટર તરીકે સફળતા પામ્યાં પછી શગુફ્તા હવે ડિરેક્ટર બનવા જઈ રહ્યાં છે.
પોતાનો બાપ કોણ છે, તેની ખબર ન હોવી. પોતાની મા કોણ છે, તેના વિશે સ્પષ્ટતા ન હોવી. પેટનો ખાડો પૂરવા બાર વર્ષની ઉંમરથી નઠારા લોકો વચ્ચે નાચવાનું શરૂ કરવું અને સત્તર વર્ષની ઉંમરે વેશ્યા બનવું. આવી નિમ્ન સ્તરીય અને કુત્સિત જિંદગી જીવવા છતાંય પોતાની જાત પર વિશ્વાસ ટકાવી રાખવો ને આખરે સેલ્ફ-બિલીફના સહારે સફળ લેખિકા બનવું! સીધી સાદી નોર્મલ જિંદગી જીવનારા માત્ર વિગતો સાંભળે તોપણ હલી જાય એવું જીવન જીવ્યાં છે, શગુફ્તા રફિક. પોતાની જિંદગીની તમામ આંચકાજનક વાતો શગુફ્તાએ ખુદ મીડિયા સાથે એક કરતાં વધારે વખત શેર કરી છે. "મેં શરૂઆતથી જ નક્કી કરી નાખ્યું હતું કે મારી પીઠ પાછળ કૂથલી કરવાનો આનંદ હું લોકોને નહીં જ લેવા દઉં." શગુફ્તા એક મુલાકાતમાં કહે છે, "આ મારી જિંદગી છે અને એના વિશે હું સ્વયં વાત કરીશ."

અનવરી બેગમ નામના જૂના જમાનાની અભિનેત્રીએ શગુફ્તાને દત્તક લીધાં હતાં. "મારી ખરી મા કોણ છે, તે વિશે ત્રણ અલગ અલગ વર્ઝન મને સાંભળવા મળ્યાં છે." શગુફ્તા કહે છે, "કોઈ કહેતું કે હું સઈદા ખાનનું અનૌરસ સંતાન છું (સઈદા ખાન પણ જૂના જમાનાનાં અદાકાર જેણે પછી ડિરેક્ટર બ્રિજ મોહન સાથે લગ્ન કર્યાં). કોઈ કહેતું કે મારી મા અનાથ સ્ત્રી હતી, જેણે કોઈ બેરિસ્ટરના પ્રેમમાં પડીને વગર લગ્ને મને જન્મ આપ્યો. ત્રીજું વર્ઝન એવું છે કે મારાં મા-બાપ ઝૂંપડપટ્ટીમાં રહેતાં કંગાળ માણસો હતાં. મને ઉછેરવાની ત્રેવડ નહોતી એટલે મને પેદા કરીને ક્યાંક ફેંકી દીધી ને કોઈએ મને ત્યાંથી ઉઠાવી લીધી."

શગુફ્તાને લોકો હરામી કહેતા. એના તરફ નફરતથી જોતા. એમણે સ્કૂલે જવાનું બંધ કરી દીધું. બધા સાથે એ ઝઘડતાં રહેતાં. આખરે સ્વીકારી લીધું કે હું મારી જાતને અનવરી બેગમની જ દીકરી તરીકે ઓળખાવીશ. એક જમાનામાં સુખસાહ્યબી જોઈ ચૂકેલાં અનવરી બેગમને બે ટંક ખાવાનું પામવા ઘરનાં વાસણો વેચવાનો વારો આવ્યો એટલે શગુફ્તાએ ખાનગી પાર્ટીઓમાં નાચવા જવાનું શરૂ કર્યું. એ વખતે એમની ઉંમર હતી ફક્ત બાર વર્ષ. ખાનગી ફ્લેટમાં કે ભળતીસળતી જગ્યાએ આવી પાર્ટીઓ ગોઠવાય. વેશ્યાવાડા જેવો માહોલ હોય. પોતાની રખાતો કે કોલગર્લ્સને લઈને આવેલા સભ્ય સમાજના પુરુષો દારૂ પીતા, ગંદી કમેન્ટ કરતા,પૈસાની નોટો ફેંકતા બેઠા હોય. નાચવાનું પૂરું થાય એટલે નીચે વિખેરાયેલી પચાસ-સોની નોટો વીણી લેવાની. આવું કરવામાંય નાનકડી શગુફ્તાને સંતોષ થાય. જે પરિવારે એને પાળીપોષીને મોટી કરી છે એને મદદરૂપ બનવાનો સંતોષ. આ સિલસિલો પાંચ વર્ષ ચાલ્યો.
"સત્તર વર્ષની ઉંમરે મેં વેશ્યા તરીકે કામ કરવાનું શરૂ કર્યું," શગુફ્તા કહે છે, "સાવ અજાણ્યા પુરુષોને શરીર ધરી દેવાનું પીડાદાયી હતું, પણ મને આ કામના પૈસા મળતા હતા અને આ પૈસામાંથી અમારું ઘર ચાલતું હતું. હું બાર-ડાન્સર તરીકે પણ કામ કરતી. મારી મા જાણતી હતી કે આ પૈસા માત્ર બાર-ડાન્સર તરીકે કમાયેલા નથી. મને એ વાતનો આનંદ હતો કે મા બસના ધક્કા ખાવાને બદલે હવે ટેક્સીમાં ફરી શકે છે, પેટ ભરીને ત્રણ ટાઇમ સારું ખાઈ શકે છે. મેં એને સોનાની બંગડી કરાવી આપી હતી. સત્તાવીસ વર્ષની થઈ ત્યાં સુધી હું મારું શરીર વેચતી રહી. હા, નમાજ પઢવાનું ક્યારેય ન ચૂકતી. એનાથી મને શાંતિ મળતી, હું ટકી રહેતી."
દરમિયાન કોઈએ સલાહ આપી કે આના કરતાં તું દુબઈ જઈને બાર-સિંગર બની જા, એમાં તને દસ ગણા વધારે પૈસા મળશે. શગુફ્તાએ એમ જ કર્યું. "પ્રોસ્ટિટયૂટ તરીકે જીવવા કરતાં આ લાખ દરજ્જે સારું કામ હતું," શગુફ્તા કહે છે, "મુંબઈમાં એક રાતના ત્રણ હજાર રૂપિયા મળતા, પણ રોજ પુરુષો બદલાય ને હોટલ પર પોલીસની રેડ પડવાનો સતત ફફડાટ હોય. દુબઈમાં હું વેશ્યાવૃત્તિથી દૂર રહી, કેમ કે મને વિકૃત આરબોથી બહુ ડર લાગતો. મારી માને કેન્સર થઈ ગયું એટલે હું ઇન્ડિયા આવી ગઈ ને મુંબઈ-બેંગલુરુમાં શોઝ કરવા લાગી. મારી મા ૧૯૯૯માં મરી. મારી બહેનનું ખૂન થઈ ગયું. એના જ પ્રોડયુસર પતિએ ફ્રસ્ટ્રેટ થઈને ફેમિલીને ખતમ કરી નાખ્યું ને પછી આત્મહત્યા કરી નાખી."
મનને શાંત રાખવા માટે નમાજ પઢવા ઉપરાંત શગુફ્તા બીજું એક કામ પણ કરતાં - લખવાનું. ગંદા બારમાં, હોટલના કમરાઓમાં, મુસાફરીમાં જ્યાં જગ્યા મળે ત્યાં એ પોતાના અનુભવો કાગળ પર ઉતારતાં. પોતાની જેમ દેહવ્યવસાય કરતી ભારતીય, રશિયન અને ફિલિપાઇન્સની છોકરીઓ સાથે વાતો કરીને એમના જીવનની, સંઘર્ષની અને સંબંધોની વાતો લખતાં. શગુફ્તાને લાગ્યા કરતું કે એમની પાસે એટલું બધું મટીરિયલ છે કે બોલિવૂડમાં રાઇટર તરીકે પોતે કરિઅર બનાવી શકે એમ છે. એમણે જુદા જુદા પ્રોડક્શન હાઉસીસનાં ચક્કર લગાવવાનું શરૂ કર્યું. ટીવી સિરિયલો માટે પણ ટ્રાય કર્યો, પણ લખવાનો કોઈ પણ જાતનો અનુભવ ન ધરાવતી છોકરીને કોણ કામ આપે? શગુફ્તા હિંમત ન હારી. એ લખતાં રહ્યાં. દુબઈથી પાછાં આવ્યાં બાદ ફરી પાછી ફિલ્મ રાઇટર બનવાની સ્ટ્રગલ શરૂ કરી. ૨૦૦૦ની સાલમાં કેટલીય કોશિશ કર્યા પછી માંડ મહેશ ભટ્ટે થોડો સમય આપ્યો. મિટિંગ થઈ, પણ કંઈ વાત ન બની. શગુફ્તાએ પોતાના પ્રયત્નો ન છોડયા.

Shagufta Rafique with Mahesh Bhatt
આખરે ચારેક વર્ષ પછી મહેશ ભટ્ટના પ્રોડક્શનવાળી 'કલયુગ' ફિલ્મનાં બે સીન લખવાની તક મળી. શગુફ્તાનું લખાણ સૌને ગમ્યું. પરવીન બાબીના જીવન પર આધારિત 'વો લમ્હેં' બનાવવાની વાત આવી ત્યારે ડિરેક્ટરે આગ્રહ રાખ્યો કે આ ફિલ્મની વાર્તા તો સ્ત્રીની સંવેદનશીલ કલમમાંથી લખાવી જોઈએ, પુરુષની કલમમાંથી નહીં. ૩૭ વર્ષનાં શગુફ્તાને આ વખતે 'વો લમ્હેં'ના થોડા સીન નહીં, પણ આખેઆખો સ્ક્રીન પ્લે અને ડાયલોગ્ઝ લખવાની જવાબદારી સોંપાઈ. બસ, ત્યાર પછી એમણે ક્યારેય પાછળ વળીને જોવાની જરૂર પડી નથી. એક પછી એક ૧૧ ફિલ્મો આવી ગઈ - 'આવારાપન', 'રાઝ-ધ મિસ્ટરી કન્ટિન્યૂઝ', 'મર્ડર-ટુ', 'જન્નત-ટુ', 'રાઝ-થ્રીડી', 'જિસ્મ-ટુ', 'આશિકી-ટુ' આ બધી હિટ ફિલ્મો છે. આજની તારીખે શગુફ્તા રફિકનું નામ બોલિવૂડના સૌથી સફળ લેખકોમાં લેવાય છે. શગુફ્તાના લખાણમાં ક્રાફ્ટમાં કદાચ કચાશ હોય, પણ ઇમોશન્સ સીધી દિલમાંથી આવી હોય. લેખક તરીકેની એમની સફળતાનું આ જ રહસ્ય છે. હવે ટૂંક સમયમાં એ ડિરેક્ટર બની જવાનાં. એમના ડિરેક્શનવાળી ફિલ્મની તૈયારી ઓલરેડી શરૂ થઈ ચૂકી છે.
"વચ્ચે એવુંય બન્યું છે કે અમુક પ્રોડયુસરો મને ફક્ત જોવા માટે મિટિંગ ગોઠવતા." શગુફ્તા કહે છે, "એમના મનમાં કૂતુહલ હોય કે બાર-ડાન્સરમાંથી રાઇટર બની ગયેલી સ્ત્રી કેવી હોય, જોઈએ તો ખરા! જાણે કેમ હું બાર-ડાન્સર જેવાં કપડાં પહેરીને મિટિંગમાં જવાની હોઉં!"
શગુફ્તાના મનમાં ભરાયેલી કડવાશને દૂર થતાં વર્ષો લાગશે. કદાચ એમણે ઝીલેલા ઘા ક્યારેય રુઝાશે નહીં. તેઓ કહે છે, "હવે એવું થઈ ગયું છે કે હું સારા માણસોને મળું છું તોપણ મને એમના પર ભરોસો બેસતો નથી. મને થાય કે આ માણસ શું માત્ર એટલા માટે સારા રહી ગયા હશે કે એને ખરાબ બનવાનો મોકો નહીં મળ્યો હોય? દુબઈમાં એક આદમી સાથે મને પ્રેમ થયો હતો. એ મને ખરેખર માન આપતો હતો, પણ એને હૃદયરોગ થઈ ગયો ને અમારા સંબંધ પર એણે જ પૂર્ણવિરામ મૂકી દીધું. આજે હું સાવ એકાકી છું. મા નથી, બહેન નથી. ફક્ત કામ છે. જિંદગી તમને કશુંક આપે છે તો કશુંક છીનવે પણ છે. ફરી આપે છે, ફરી છીનવે છે. હું ફરિયાદ નથી કરતી. ઉપરવાળો આપણને જીવવાની તાકાત આપતો જ હોય છે. જીવનનું વહેણ બદલી શકાય છે. પરિસ્થિતિ ગમે તેટલી પીડાદાયી કેમ ન હોય, તેમાંથી બહાર આવી શકાય છે. બસ, ઇચ્છાશક્તિ હોવી જોઈએ."

                                                                   0 0 0 

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports