Translate

BSE-NSE Ticker

Thursday, July 3, 2014

પહેલા વરસાદે ખોલી પોલ, સુધરાઈની નબળી તૈયારીથી મુંબઈગરા હેરાનપરેશાન

દર વર્ષે મુંબઈમાં જૂન મહિનામાં ચોમાસાના પહેલા વરસાદથી જ સુધરાઈની ચોમાસાસંબંધી આગોતરી તૈયારીઓની પોલ ખૂલી જાય છે. બહાનું એક જ હોય, કામ પૂરાં કરવાનો પૂરતો સમય મળે એ પહેલાં વરસાદ ત્રાટક્યો. જોકે આ વર્ષે તો જૂન મહિનામાં વરસાદ જ નથી પડ્યો એમ કહી શકાય તો પણ સુધરાઈએ ભૂતકાળમાંથી કોઈ જ ધડો લીધો નથી એ ગઈ કાલના શહેરના પહેલા વરસાદે સાબિત કરી દીધું હતું.

સવારથી જ વરસાદ ચાલુ થતાં મુંબઈગરાઓનાં હૈયાં હરખાઈ ઊઠ્યાં હતાં, પરંતુ કામકાજે નીકળ્યા ત્યારે ખબર પડી કે સુધરાઈની નબળી તૈયારીઓના કારણે તેમની મજામાં પંક્ચર પડી ગયું છે. સવારે પીક-અવર્સમાં સુધરાઈની સેન્ટ્રલ એજન્સી અને વૉર્ડ-ઑફિસો વચ્ચે સંવાદનો જ અભાવ હોવાથી ઠેર-ઠેર ટ્રાફિક જૅમ થઈ ગયો હતો. સુધરાઈ અને સરકારી એજન્સીઓ વચ્ચે કામકાજમાં કોઈ જ તાલમેલ નથી કે નથી જવાબદારી વહેંચાયેલી એટલે લોકોને ચલકચલાણું રમવું પડે છે. સવારે માત્ર થોડા કલાક વરસાદ શું આવ્યો શહેરમાં ૩૩ વૃક્ષ ધરાશાયી થઈ ગયાં હતાં.

નાળાં અને ગટરો

સુધરાઈએ દાવો કર્યો હતો કે નાળાંઓ સંબંધી ૯૯.૩૯ ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે, પરંતુ શહેરમાં ગઈ કાલે ઠેર-ઠેર પાણીનો ભરાવો થતાં સુધરાઈના દાવા દમ વગરના હોવાનું પુરવાર થઈ ગયું હતું. એવાં કેટલાંય સ્થળે પાણીનો જમાવ થયો હતો જેનાં નામ સુધરાઈની યાદીમાં જ નહોતાં. પ્રૉમિસ પ્રમાણે તો સુધરાઈએ ૩૧ મે પહેલાં નાળાં-ગટરનાં કામ પૂરાં કરી લેવાં જોઈએ, પરંતુ આ કામ થયું જ નથી અને ગટરો અને નાળાંઓમાં ભરપૂર કચરો હોવાને કારણે જ ગઈ કાલે ઠેર-ઠેર પાણી ભરાયાં હતાં. મૅનહોલ્સની આસપાસ જે કચરો જામેલો હતો અને ગંદું પાણી હતું એ જ સુધરાઈના દાવા પોકળ હોવાની ચાડી ખાતા હતા.

ચોમાસા પૂર્વેની તૈયારીનું સુધરાઈનું બજેટ તગડું થતું જાય છે અને દર વર્ષે મેજર અને માઇનર નાળાંની સફાઈ માટે ૯૦ કરોડ રૂપિયા અને મીઠી નદીની સાફસફાઈ માટે વધારાના અઢી કરોડ રૂપિયાની રકમ ફાળવાય છે. ગઈ કાલે માત્ર ત્રણ કલાક વરસાદ થતાં જ સુધરાઈની વિવિધ એજન્સીઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. ગટર-નાળાંની સાફસફાઈની કામગીરીની જવાબદારી સંભાળતી સુધરાઈની સેન્ટ્રલ એજન્સીએ દાવો કર્યો હતો કે વૉર્ડ-ઑફિસોએ બરાબર કામ કર્યું નથી. આ સંબંધી નિયમોમાં સ્પષ્ટ લખ્યું છે કે ગટર-નાળાંની સાફસફાઈ બાદ નીકળતો કચરો અને કાંપ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં પહોંચાડવો, પરંતુ શહેરમાં ઠેર-ઠેર આ કચરાના ગંજ ખડકાયેલા પડ્યા છે જે વરસાદ થતાં જ ફરીથી ગટરોમાં વહીને બધું હતું એમનું એમ કરી નાખે છે. આવી ગંદકીથી ફૂટપાથ પર ચાલતા રાહદારીઓ માટે મોટી સમસ્યા છે અને આસપાસના રહેવાસીઓ માટે બીમારીનું ઘર પણ બની શકે છે.

શહેરના રોડ

ગયા વર્ષે મુંબઈમાં રોડ પરના ખાડાના મામલે સુધરાઈ પર માછલાં ધોવાયાં હતાં એટલે આશા હતી કે સુધરાઈ આ વર્ષે લોકોની સહનશક્તિની પરીક્ષા નહીં લે, પરંતુ સબબ્ર્સના રોડ પર ગઈ કાલે વરસાદમાં લોકોની અને ટ્રાફિકની હાલત કફોડી બની રહી હતી. આ વર્ષની શરૂઆતમાં સુધરાઈએ ઉત્સાહ દાખવીને રોડનાં કામ શરૂ કર્યા હતાં અને ૩૨૮ રોડ કૉન્ક્રીટાઇઝેશન અને આસ્ફાલ્ટિંગ માટે ખોદવાનું શરૂ કરાવ્યું હતું. સુધરાઈએ ૪૦૦ જેટલા રોડનાં ચોમાસા પહેલાં રિપેરિંગ કર્યા હોવાનો દાવો પણ કર્યો હતો. આ મુદ્દે સુધરાઈના નવા પ્લાન પ્રમાણે રોજના ખાડાની ફરિયાદોના નિકાલ કરવાની જવાબદારી સેન્ટ્રલ એજન્સીના બદલે વૉર્ડ-ઑફિસો પર નાખી છે, જેના કારણે રોડના ખાડાની વધુ ફરિયાદોની શક્યતા છે. રોડ માટે સુધરાઈએ ૨૮ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું હતું, પરંતુ ગઈ કાલના વરસાદ બાદ શહેરના રોડની હાલત જોયા પછી આટલી રકમ વપરાઈ હશે કે કેમ એની શંકા વાજબી છે. છેલ્લા એક મહિનામાં જ મુંબઈના રોડ પર ૧૦૪૭ ખાડાની ફરિયાદો સુધરાઈને મળી હતી.

વૃક્ષોના જતનમાં પણ ગંભીરતા નથી

શહેરનાં વૃક્ષો પણ સુધરાઈની નબળી તૈયારીની ચાડી ખાય છે, કેમ કે સુધરાઈએ શહેરનાં વૃક્ષોના ટ્રિમિંગનું કામ બરાબર કર્યું નથી અને ગઈ કાલે પહેલા જ વરસાદમાં ૩૩ વૃક્ષોનો ખો નીકળી ગયો. વેસ્ટર્ન સબબ્ર્સમાં ટ્રી-ટ્રિમિંગ થયું જ ન હોવાથી ૧૪ વૃક્ષ ધરાશાયી થયાં. ભૂતકાળમાં પણ એવું બન્યું છે કે વૃક્ષોના નિકંદનની ફરિયાદો ઊઠે છે પરંતુ સુધરાઈ મૌન ધારણ કરી લે છે જે સુધરાઈની વૃક્ષોના જતનની ગંભીરતા દર્શાવે છે.

ચોવીસ કલાકનો વરસાદ


સવારે ૮.૩૦ સુધીમાં
સાંજે ૮.૩૦ સુધીમાં
કુલ
સાંતાક્રુઝ
૧૧.૮ મિલીમીટર
૧૮૦.૮ મિલીમીટર
૧૯૨.૬ મિલીમીટર
કોલાબા
૨૨.૮ મિલીમીટર
૧૭.૨ મિલીમીટર
૪૦.૦૦ મિલીમીટર

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports