Translate

BSE-NSE Ticker

Wednesday, July 9, 2014

રેલવેપ્રધાન તો કસોટીમાં પાસ થઈ ગયા, હવે નાણાપ્રધાનનો વારો છે

રેલવેપ્રધાને રેલવેના વિકાસની ઘણી યોજનાઓ રજૂ કરી છે જેમાંથી મુંબઈ અને અમદાવાદ વચ્ચેની સૂચિત બુલેટ ટ્રેનની જાહેરાત એકમાત્ર નિરર્થક જાહેરાત છે. પેટ કાપીને દેખાડો કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વળગણનું આ પરિણામ છે


નવી સરકારના રેલવેપ્રધાને ઠીક-ઠીક પ્રમાણમાં ભારતીય રેલવેનું વિકાસલક્ષી અને રાષ્ટ્રીય બજેટ પેશ કર્યું છે. છેલ્લાં ઘણાં વર્ષોથી મિશ્ર સરકારોમાં રેલવેમંત્રાલય UPA કે NDAના ઘટક પક્ષોને આપવામાં આવતું હતું અને તેઓ લોકપ્રિયતા રળવા અને ખાસ કરીને પોતાના રાજ્યમાં લોકપ્રિયતા રળવા રેલવેનો ઉપયોગ કરતા હતા. નીતીશકુમાર, રામવિલાસ પાસવાન અને લાલુ પ્રસાદ યાદવ બિહારી છે અને તેમના જમાનામાં ભારતીય રેલ બિહાર રેલ બની ગઈ હતી. એ પછી મમતા બૅનરજી અને તેમના પક્ષના સભ્યોને રેલવે-ડિપાર્ટમેન્ટ આપવામાં આવ્યું હતું અને તેમણે ભારતીય રેલવેને પશ્ચિમ બંગની રેલવે બનાવી દીધી હતી. ઘણાં વર્ષો પછી રેલવેનું રાષ્ટ્રીય બજેટ મળ્યું છે. રેલવેપ્રધાન સદાનંદ ગૌડા કર્ણાટકના છે, પરંતુ તેમણે કર્ણાટકની તરફેણ કરી નથી, જો થોડુંક ઝૂકતું માપ કોઈ રાજ્યને આપવામાં આવ્યું હોય તો વડા પ્રધાનના રાજ્ય ગુજરાતને આપવામાં આવ્યું છે.

રેલવેપ્રધાને ગયા મહિને બજેટબહાર ભાડાવધારો જાહેર કરી દીધો હતો એટલે હવે બજેટને ભાડાવધારાથી મુક્ત રાખવામાં આવ્યું છે. રેલવેપ્રધાને ઇશારો કર્યો છે કે હવે પછી ભાડાવધારો બજેટના ભાગરૂપે કરવામાં નહીં આવે, પરંતુ જે-તે સમયે જરૂરિયાત મુજબ ભાડાંમાં વધ-ઘટ કરવામાં આવશે અને એ માટેની એક યંત્રણા ઊભી કરવામાં આવશે. જેમ પેટ્રોલિયમ પેદાશોનો આંતરરાષ્ટ્રીય બજાર અનુસાર ભાવફરક કરવામાં આવે છે એમ રેલવેના ટિકિટના અને નૂરના દરમાં ઊર્જા‍ના ભાવ અનુસાર વધ-ઘટ કરવામાં આવશે. આ ઇશારો જોતાં ગમે ત્યારે રેલવેની ટિકિટના ભાવમાં વધારો થઈ શકે છે. સમસ્યા એ છે કે રેલવે સૌથી વધુ કમાણી માલની હેરફેરમાં કરે છે અને સૌથી વધુ નુકસાન પૅસેન્જર સર્વિસમાં કરે છે. ભારતીય રેલવેના માલ પરના નૂરના દર ચીન અને બીજા કોઈ પણ દેશ કરતાં વધુ છે એટલે નૂરમાં વધારો કરવા માટે કોઈ જગ્યા નથી. પૅસેન્જર-ટિકિટમાં વધારો કરવા માટે ઘણી મોટી જગ્યા છે, પરંતુ દાયકાનો ભાડાવધારો એકસાથે ન કરાય અને જો કરવામાં આવે તો મુંબઈમાં જેમ પ્રતિકાર થયો હતો એવો પ્રતિકાર થાય. આ સંજોગોમાં સમયાંતરે ભાડાના દરમાં વધારો-ઘટાડો થતો રહેશે.

રેલવે નુકસાન કરે છે એને માટે ટિકિટના દરમાં આપવામાં આવતી સબસિડી ઉપરાંત બીજું મહત્વનું કારણ અમલદારશાહી, દાયકાઓ જૂની પરંપરા માટેનું વળગણ અને ભ્રક્ટાચાર છે. રેલવેપ્રધાને રેલવે ર્બોડના માળખામાં સુધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. રેલવે ર્બોડનું માળખું સુધારવામાં આવશે તો આપોઆપ રેલવે વહીવટીતંત્રનું માળખું સુધરશે. આ પરિવર્તન કઈ રીતનું હશે એ વિશે રેલવેપ્રધાને કોઈ સ્પક્ટતા નથી કરી. ર્બોડમાં કૉર્પોરેટ કંપનીઓના કે મૅનેજમેન્ટ ઇãન્સ્ટટuૂટોના મૅનેજમેન્ટ ગુરુઓને લેવા જોઈએ.

રેલવેપ્રધાને રેલવેના વિકાસની ઘણી યોજનાઓ રજૂ કરી છે જેમાંથી મુંબઈ-અમદાવાદ વચ્ચેની સૂચિત બુલેટ ટ્રેનની જાહેરાત એકમાત્ર નિરર્થક જાહેરાત છે. પેટ કાપીને દેખાડો કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વળગણનું આ પરિણામ છે. રેલવેપ્રધાને ચાલુ નાણાકીય વર્ષનો કુલ ખર્ચ એક લાખ કરોડ રૂપિયા અંદાજ્યો છે. તેમણે પોતે બુલેટ ટ્રેન વિશે લોકસભામાં કહ્યું છે કે પસંદગીના કૉરિડોરમાં બુલેટ ટ્રેન માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા પાછળ ૬૬ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થઈ શકે એવો અંદાજ છે. આનો અર્થ એ થયો કે દેશના માત્ર ૦.૦૧ ટકા શ્રીમંત ઉતારુઓ માટે કુલ બજેટના ૬૬ ટકા ખર્ચવાના. આ નજીકના ભવિષ્યમાં શક્ય નથી. ભારત માટે બુલેટ ટ્રેન એ હજી દૂરનું સપનું છે. પ્રાથમિક સર્વે વગેરે માટે રેલવેપ્રધાને ૧૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે જેથી એમ લાગે કે એ દિશામાં તૈયારી થઈ રહી છે. બુલેટ ટ્રેનની જગ્યાએ દેશના દરેક વિસ્તારને ટ્રેન-સર્વિસ મળે એ પહેલી જરૂરિયાત છે. બીજી જરૂરિયાત જ્યાં ગેજ કન્વર્ઝન બાકી છે એ પૂરું કરવાની છે. મીટરગેજ અને નૅરોગેજ લાઇનોને બ્રૉડગેજમાં કન્વર્ટ કરવાની છે. ત્રીજી જરૂરિયાત દરેક રૂટ અપ ઍન્ડ ડાઉન પ્રવાસ માટે બે લાઇનવાળો હોવો જોઈએ. અત્યારે અનેક રૂટ સિંગલ લાઇનવાળા છે. આ સિવાય બીજી અનેક નાની-મોટી જરૂરિયાત પ્રાથમિકતા ધરાવે છે. બુલેટ ટ્રેન પ્રાથમિકતામાં છેલ્લે ૨૦ કે ૨૫મા ક્રમે હોઈ શકે છે.

રેલવેપ્રધાને રેલવેના વિકાસ માટે ખાનગી સ્રોતમાંથી નાણાં ઊભાં કરવાની જાહેરાત કરી છે એ આ વર્ષના રેલવે-બજેટનું મહત્વનું પાસું છે. એ માટે વિદેશી રોકાણ મેળવવાનું તેમ જ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ કરવાનું સૂચન તેમણે કર્યું છે. વિદેશી મૂડીરોકાણ મેળવવાનો નિર્ણય કૅબિનેટે લેવાનો હોય છે અને જ્યારે બજેટ-પ્રવચનમાં સૂચન આવ્યું છે તો કૅબિનેટમાં આ પ્રસ્તાવ પસાર થઈ જશે એ નક્કી છે. રેલવેપ્રધાને કહ્યું છે કે વિદેશી મૂડી કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ રેલવેના પૅસેન્જર ઑપરેશનને પ્રભાવિત નહીં કરે એ મોટો સધિયારો છે.

રેલવેપ્રધાને આમ તો કળશીએક જાહેરાતો કરી છે એમાં બે જાહેરાત મહત્વની છે. દેશમાં જ્યાં સૌથી વધુ રેલ-ટ્રાફિક છે એવા એક ડઝન જેટલા કૉરર્ડિોસને બેની જગ્યાએ ચાર લાઇનના કરવામાં આવશે. ચાર લાઇનોમાંથી બે લાઇન હાઈ-સ્પીડ અને સેમી હાઈ-સ્પીડ ટ્રેનો માટે અલાયદી હશે. પહેલા ચરણમાં મુંબઈ-અમદાવાદ વચ્ચે હાઈ-સ્પીડ અને બીજા નવ કૉરિડોરમાં સેમી હાઈ-સ્પીડ ટ્રેન ચલાવવાની રેલવેપ્રધાને જાહેરાત કરી છે. દેશને ખરા અર્થમાં ૧૬૦થી ૨૦૦ કિલોમીટરની ઝડપે દોડનારી ટ્રેનો ત્યારે મળશે જ્યારે એને માટે અલાયદી લાઇન નાખવામાં આવશે. બુલેટ ટ્રેનની જગ્યાએ આની સખત જરૂર છે. બીજી જાહેરાત સ્વચ્છતા બાબતના ડઝનબંધ પ્રયાસોની છે. ભારતીય રેલવે ભારતવર્ષની ધોરી નસ છે, પરંતુ ગંદકી ભારતીય રેલવેનું અને એકંદરે ભારતનું કલંક છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports